અટલ બાગ ખાતે મન કી બાત કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાશે; કલેક્ટરની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજાઇ | Mann Ki Baat program will be celebrated grandly at Atal Bagh; A night gram sabha was held under the chairmanship of the collector | Times Of Ahmedabad

પંચમહાલ (ગોધરા)44 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભાજપનાં કાર્યકરોની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાશે…
પીએમ નરેન્દ્ર મોદીનો રેડિયો શો મન કી બાતના 100 એપિસોડ પૂરા થઈ રહ્યા છે. ત્યારે પંચમહાલ જિલ્લાની ભારતીય જનતા પાર્ટીએ આ અવસર પર મેગા પ્લાન તૈયાર કર્યો છે. તેમાં જિલ્લાના તમામ બૂથો પર તેનું લાઈવ પ્રસારણ સંભળાવવાની બીજેપીએ યોજના બનાવી છે. ત્યારે આવતી કાલે ગોધરાના અટલ બાગ ખાતે ભાજપનાં કાર્યકરોની ઉપસ્થિતીમાં મન કી બાત કાર્યક્રમ યોજવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વડાપ્રધાન બન્યા બાદ મન કી બાતનાં માધ્યમથી દેશની પ્રજા સાથે સંવાદ શરુ કરવામાં આવ્યો હતો. દર મહિનાનાં છેલ્લા રવિવારે રેડીઓ મારફતે દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કરતા હોય છે. જેને દેશની પ્રજાએ સારો પ્રતિસાદ પણ આપ્યો હતો. મન કી બાત કાર્યક્રમ થકી દેશનાં નાના મોટા ઉત્સવો, લોકોની સિદ્ધિઓ અને દેશ માટેનાં સકારાત્મક પાસાઓની વાત કરતા કરતા હવે આવનાર 30 એપ્રિલનાં રોજ મન કી બાતનો 100મો એપિસોડ પ્રસારિત થવાનો છે. ત્યારે આ કાર્યક્રમને ઉજવણીનાં સ્વરૂપે ઉજવવાનું ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

રવિવારનાં રોજ દેશનાં અનેક સ્થળો પર મોટી સંખ્યામાં લોકો મન કી બાત કાર્યક્રમ નિહાળે અને સાંભળે તે હેતુ ભાજપ દ્વારા જોરદાર તૈયારીઓ કરી દેવાઈ છે. રાજ્યમાં ઝોન, જિલ્લા, મંડલ, બુથ સુધી મન કી બાત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાય એવુ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે પંચમહાલ જિલ્લામાં પણ આ કાર્યક્રમને બહોળી પ્રસિદ્ધિ મળે અને સૌથી વધુ લોકો જોડાય એ હેતુ દરેક વિધાનસભા અને નાના સેન્ટરો પર મન કી બાત કાર્યક્રમ નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આજરોજ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, ગોધરામાં અટલ ઉદ્યાન ખાતે ધારાસભ્ય સી.કે. રાઉલજીની ઉપસ્થિતિમાં શહેરાનાં છાણીપ ગામે બુથ પર ધારાસભ્ય અને વિધાનસભાનાં ઉપાધ્યક્ષ જેઠા ભરવાડની ઉપસ્થિતિમાં, મોરવા હડફમાં ધારાસભ્ય નિમીષા સુથાર, હાલોલનાં શિવરાજપુર ખાતે ધારાસભ્ય જયદ્રથસિંહ અને ઘોઘંબાનાં શેરપુરા ખાતે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં મુખ્ય કાર્યક્રમ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાત્રી ગ્રામસભા યોજાઇ…
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના કરેણીયા (દલવાડા) ખાતે જિલ્લા કલેક્ટર આશિષ કુમારની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજાઈ હતી. આ સભામાં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા તથા વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા રાજ્ય સરકારની ચાલતી વિવિધ યોજનાકીય બાબતોની માહિતી રજૂ કરાઈ હતી. આ સાથે સ્થળ પર જ વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગ્રામ લોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા, જેનો જિલ્લા કલેક્ટરે ત્વરિત નિકાલ લાવવા સંબંધીત ખાતાના વડાને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે પશુપાલન, પ્રાકૃતિક ખેતી સહિત સરકારની ચાલતી વિવિધ યોજનાઓ વિશે ગ્રામલોકોને માહિતગાર કર્યા હતા. આ સાથે તેમણે પેરેન્ટ્સ એક્ટ વિશે પણ માહિતી આપી હતી. આ વેળાએ ગ્રામજનો તરફથી આંગણવાડી, શાળા, સિંચાઈ અને રસ્તાઓ બાબતે પ્રશ્નો રજૂ કર્યા હતા. જિલ્લા કલેક્ટરે તમામ પ્રશ્નોનો હકારાત્મક અને ત્વરિત નિવારણ માટે સંબંધીત વિભાગના અધિકારીઓને સૂચનો કર્યા હતા. રાત્રી ગ્રામસભા પહેલા કલેક્ટરે જિલ્લા વિકાસ અધિકારીની સાથે ગામની મુલાકાત લઈને વિવિધ પરિસ્થિતિથીઓથી વાકેફ બન્યા હતા. આ સાથે ગ્રામપંચાયત ખાતે વિવિધ રેકર્ડ ચકાસણી કરીને સંબંધીતોને સૂચન કર્યા હતા.

આ પ્રસંગે વિવિધ વિભાગોમાંથી ઉપસ્થિત અધિકારીઓએ સરકારની ચાલતી વિવિધ યોજનાઓ અને તેના લાભ વિશે ગામલોકોને માહિતી આપી હતી. ગ્રામસભાએ સરકાર અને વહીવટી તંત્ર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવે છે. લોકોના દ્વારે પ્રજાના પ્રશ્નો સાંભળવા અને મુશ્કેલીઓ દૂર કરવા રાત્રી અને દિવસીય ગ્રામસભાઓ યોજવામાં આવે છે. આ રાત્રી સભામાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. બારિયા, પ્રાંત અધિકારી શહેરા, આયોજન અધિકારી, મામલતદાર સહિત સંબંધીત જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ તથા ગામલોકો હાજર રહ્યા હતા.

أحدث أقدم