રાજકોટએક કલાક પહેલા
- કૉપી લિંક
રાજકોટનાં એલ.એલ.બીનાં અનેક વિદ્યાર્થીઓનું સનદીનું પરિણામ અટકાવાયું છે. એલ.એલ.બી બાદ વકીલાત વ્યવસાય માટે લેવાતી પરીક્ષાનું પેપર ફોડવામાં આવ્યું હતું. કાયદાના જાણકારોએ જ પાંચ ફેબ્રુઆરીએ પેપર ફોડ્યું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને દેશભરમાં રાજકોટની છબી ગેરરિતીના કેન્દ્ર તરીકે ખરડાઈ હતી. દેશભરમાં આ પરીક્ષાનું પરિણામ શુક્રવારે બીસીઆઇના ચેરમેન દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ રાજકોટમાં ગેરરીતિ થઈ હોવાના કારણે પરિણામ અટકાવાયું છે. જે કારણે પ્રામાણિક ઉમેદવારોને પણ ભોગવવું પડયુ છે. અને વકીલાત માટેની સનદ મેળવવા ઇચ્છતા અનેક નિર્દોષ ઉમેદવારોની મહેનત માટે પાણી ફરી વળ્યું છે. આગામી સપ્તાહમાં પેપર ફોડનારાઓ સામે કડક કાર્યવાહી પણ થાય તેવી સંભાવના છે.
વોટ્સએપમાં ગ્રુપ બનાવી વકીલોને સામેલ કર્યા
આ અંગે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાનાં મેમ્બર દિલીપ પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલે એલએલબીની સનદીનું પરિણામ જાહેર થયું હતું. જેમાં દેશભરમાંથી કુલ 173 નવનિયુક્ત વકીલો પરીક્ષા આપવા બેઠા હતા. જેમાંથી માત્ર રાજકોટનું પરિણામ અટકાવવામાં આવ્યું છે. કારણ કે, રાજકોટનાં જીગ્નેશ જોશી નામના વકીલે વોટ્સએપમાં એક ગ્રુપ બનાવી પરીક્ષામાં ચોરી કરવા ઇચ્છતા વકીલોને સામેલ કર્યા હતા. જેમાં ‘તમે પરીક્ષાનું પેપર મોકલશો તે અમે સોલ્વ કરી આપીશું’ તેવું જણાવાયું હતું.
રિપોર્ટ આવવાનો બાકી હોવાથી પરિણામ અટકાવાયું
ખરેખર આ પરીક્ષામાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ હોય છે. છતાં જીગ્નેશ જોશીએ બધાને ‘મોબાઈલ સાથે લઈ ગયા બાદ વોશરૂમમાં મોબાઈલ ચાલુ કરીને પેપરનો ફોટો મોકલી આપજો, જે સોલ્વ કરીને આ ગ્રુપમાં રહેલ લોકોને મોકલી આપવામાં આવશે’ તેવું કહ્યું હતું. આમ આ પરીક્ષામાં કૌભાંડ થયું હતું. જેની બારનાં ચેરમેનને જાણ થતાં બે વ્યક્તિની કમિટી નીમી તપાસ શરૂ કરી છે. આ કમિટીનો રિપોર્ટ આવવાનો બાકી હોવાથી પરિણામ અટકાવવામાં આવ્યું છે. કમિટી નિર્ણય લેશે તો આગામી દિવસોમાં રાજકોટનું કેન્દ્ર બંધ થશે અને આ પરીક્ષાઓ પણ ફરીથી લેવાય તેવી શક્યતા છે.