ગાંધીનગર2 કલાક પહેલા
- કૉપી લિંક
આગામી 17 એપ્રિલથી સોમનાથમાં શરૂ થવા જઇ રહેલા સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર નહીં રહે. સત્તાવાર બહાર પડાયેલી જાણકારી અનુસાર વડાપ્રધાન અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાથી તેઓ આ કાર્યક્રમના 17 એપ્રિલે યોજાનારા ઉદઘાટન કાર્યક્રમમાં હાજર નહીં રહે.
પીએમને બદલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા હાજર રહેશે
જો કે મોદીની હાજરી વગર આ કાર્યક્રમ યોજાશે અને તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા તથા અન્ય રાજકીય લોકો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ પંદર દિવસ જેટલા લાંબા સમય સુધી ચાલવાનો હોવાથી મોદી કાર્યક્રમ દરમિયાન કોઇ એક દિવસ કે પૂર્ણાહુતિના દિવસે પણ હાજર રહી શકે છે. હાલ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી તથા અન્ય દેશોના પ્રતિનિધીમંડળો સાથેની મુલાકાતને કારણે વડાપ્રધાને આ કાર્યક્રમના ઉદઘાટન સમારોહમાં હાજર રહેવામાં અસમર્થતા દર્શાવી હોવાનું રાજ્ય સરકારના સૂત્રો જણાવે છે.
સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર નહીં રહે
સોમનાથ ઉપરાંત દ્વારકા, સૌરાષ્ટ્રના અન્ય સ્થળો તથા સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં આ કાર્યક્રમ હેઠળ અલગ-અલગ આયોજનો થવાના છે. સૌરાષ્ટ્રમાંથી આશરે 1000 વર્ષ પહેલા તામિલનાડુમાં સ્થાયી થયેલા લોકોને પુનઃ ગુજરાત-સૌરાષ્ટ્ર સાથે જોડાવાના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન થઇ રહ્યું છે. આ પહેલા ગુજરાત સરકારના 8 મંત્રીઓ તામિલનાડુના વિવિધ પ્રાંતોમાં આ કાર્યક્રમ માટે રોડ -શો કરી ચૂક્યા છે. તેમણે અહીં સ્થાયી થયેલા મૂળ સૌરાષ્ટ્રવાસીઓને ગુજરાત આવવા આમંત્રણ આપ્યું હતું.