અમદાવાદ5 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવકાર હોલ નજીક આવેલી એક સોસાયટીમાં ઘરની અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં 70 વર્ષની વૃદ્ધા પડી ગયા હતા. તેમને બચાવવા તેમનો પુત્ર અંદર પડ્યો હતો પરંતુ બંને ટાંકીમાં ફસાઈ ગયા હતા. માતા-પુત્ર પાણીની ટાંકીમાં ફસાઈ જતા સ્થાનિકોએ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરના જવાન એકદમ સાંકડી પાણીની ટાંકીમાં ઉતરી અને બંનેને દોરડાની સીડી વડે જીવિત હાલતમાં બહાર કાઢ્યા હતા. માતા-પુત્રને 25 મિનિટમાં ફાયર બ્રિગેડના જવાને ભારે જહેમત બાદ સહી સલામત બહાર કાઢી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
અમદાવાદ ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમને શનિવારે સાંજે 6.45 આસપાસ કોલ મળ્યો હતો કે ઘોડાસર વિસ્તારમાં આવકાર હોલ પાસે રામકૃષ્ણ સોસાયટીમાં એક માજી અને તેમનો પુત્ર પાણીની ટાંકીમાં પડી ગયા છે. જેથી જશોદાનગર અને મણીનગર ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જશોદાનગર ફાયર સ્ટેશનના જવાન દ્વારા જતાની સાથે રોપ લેડર ઉતારી પાણીની ટાંકીમાં ઉતર્યા હતા. પાણીની ટાંકી એકદમ સાંકડી હતી જેમાં ફાયર લના જવાન ઉતર્યા હતા. સૌથી પહેલા પાણીમાં પડેલા 70 વર્ષના માજી ભગવતીબેન મિસ્ત્રીને બહાર કાઢ્યા હતા અને ત્યારબાદ તેમના પુત્ર સંજયભાઈ મિસ્ત્રીને સહી સલામત બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
રામકૃષ્ણ સોસાયટીમાં રહેતા ભગવતીબેન ઘરમાં આવવા જવાના રસ્તા ઉપર અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી આવેલી હતી અને તેનું ઢાંકણ ખૂબ જ જૂનું થઈ ગયું હતું. ત્યાંથી ચાલવા જતા તેઓ અંદર પડ્યા હતા. પાણી ભરેલી ટાંકીમાં વૃદ્ધ ભગવતીબેન અંદર પડતાની સાથે તેમના પુત્રને જાણ થઈ હતી. તેઓને બચાવવા માટે તેમના પુત્ર પણ અંદર ઉતર્યા હતા. જોકે તેઓ પણ પાણીમાં ફસાઈ ગયા હતા. બંને બહાર નીકળી ન શકતા બુમાબૂબ કરી હતી. જેથી સ્થાનિકો દોડી આવ્યા હતા. તેઓએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમે 25 મિનિટ સુધી રેસ્ક્યુ કરીને તેઓને સહી સલામત બહાર કાઢી લીધા હતા.