રાજકોટ2 કલાક પહેલા
- કૉપી લિંક

સાસુ-વહુ વચ્ચે નાની નાની વાતે ચડભડ થતી રહેતી હોય છે. પરંતુ ઘણીવાર વાત વણસી જતી હોય છે. રાજકોટના વાંકવડમાં રોટલા ઘડવા મામલે સાસુએ વહુને ટોકતા તેની સામે વહુએ જવાબ આપી દેતાં સાસુને માઠુ લાગી જવાથી ઝેર પી લઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. વાંકવડ રહેતાં લક્ષ્મીબેન રાજેશભાઇ થોરીયા (ઉ.વ.50)એ ગત તા. 13 એપ્રિલના રોજ ઝેરી દવા પી લેતાં સારવાર હેઠળ હતાં. તેમનું મોત નિપજતાં એરપોર્ટ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે લક્ષ્મીબેને તેમની વહૂને તને રોટલા બનાવતા નથી આવડતું તેમ કહેતાં વહૂએ રોટલા તો આવા જ બનશે…તેમ કહી સામે જવાબ આપી દેતાં સાસુ લક્ષ્મીબેનને માઠુ લાગી જતાં ઝેર પી લીધુ હતું જેનું સારવાર દરમિયાન દમ તોડી દેતા મોત નીપજ્યું હતું. તેમને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે.
વાહને હડફેટે લેતા જીવ ગુમાવ્યો
હિરાસર એરપોર્ટ પાસે રોડ ક્રોસ કરી રહેલા અજાણ્યા આધેડને પુરપાટ ઝડપે આવી રહેલ અજાણ્યા વાહને હડફેટે લેતા આધેડ ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. આધેડને ગંભીર ઈજા પહોંચતા 108 મારફતે સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતા પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલા જ તેનુ મોત નીપજયુ હતુ. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતકની ઓળખ મેળવી પરિવારની શોધખોળ હાથ ધરી હતી. મૃતકના વાલીવારસોએ એરપોર્ટ પોલીસનો સંપર્ક સાધવા અનુરોધ કરવામા આવ્યો છે.
વાડીએ ઝેરી દવા પીને જીવ ટૂંકાવ્યો
રાજકોટના ગઢકા ગામે રહેતાં અશ્વિનભાઇ નરસીભાઇ કલોલા (ઉ.વ.60) નામના વૃધ્ધે 16 મીએ રાતે વાડીએ ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગત મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. પરિવારજનોના કહેવા મુજબ અશ્વિનભાઇ કલોલા ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. તેઓ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં. તેમને માનસિક બિમારી હોઇ તેની દવા પણ ચાલુ હતી. આ બિમારીથી કંટાળીને પગલુ ભરી લીધુ હતું. આજીડેમ પોલીસ સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.
18 વર્ષની યુવતીએ ઝેર ગટગટાવ્યું
ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ બપોરે એક યુવતી પોતાના ઘરે ઝેરી પાવડર પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તેની સાથે સાથે એક યુવાન કે જે કોઠારીયા રોડ પર રહે છે તેને આ યુવતીના ઘર પાસે મારકુટ થતાં તેને પણ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવી હતી.18 વર્ષની યુવતીએ બપોરે ઝેરી પાવડર પી લેતાં હોસ્પિટલમાં ખસેડાઇ હતી. સામે કોઠારીયા રોડ પર જયરાજ પાર્ક પાસે રહેતાં ધ્રુવ નામના યુવાનને પણ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ યુવાન અને યુવતી ઇન્સ્ટાગ્રામ પર પરિચયમાં હોઇ ઘરમાં ખબર પડી જતાં યુવતીના પરિવારે પોલીસને અગાઉ અરજી કરી હતી. આ દરમિયાન આજે યુવાન બાઇક સાથે યુવતીના ઘર પાસે આવ્યો હતો અને બાઇકમાં ફુલ લિવર આપી ફટાકડા ફોડતો હતો ત્યારે લીવર વધુ અપાઇ જતાં બાઇક યુવતીના ઘર પાસેના વાહનમાં અથડાતાં તેણીના સગા મારફત ધ્રુવને મારકુટ થતાં તેણી ફિનાઇલ પી ગયાનું બહાર આવ્યું હતું.