ગાંધીનગરએક કલાક પહેલા
- કૉપી લિંક

ગાંધીનગરમાં ગાંજાનું વેચાણ કરી વારંવાર પોલીસના હાથે ઝડપાઈ જામીન પર છુટી પુનઃ નશાનો કારોબાર ચલાવતા રહેતાં કલોલના રીઢા ગુનેગાર ભરતભાઇ ગાંડાભાઇ રાવળને સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા NDPS એક્ટ હેઠળ અમદાવાદ ની સેન્ટ્રલ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે અત્યાર સુધીમાં આરોપી સામે NDPS સહિતના પાંચ ગુના નોંધાયા હોવા છતાં જામીન પર છૂટીને નશાનો કારોબાર ચલાવતો રહેતો હોવાથી સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા ખાસ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિદેશક, સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ, ગાંધીનગર દ્વારા રાજ્યમાં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્તનાબૂદ થાય તેમજ યુવા વર્ગને નશાના રવાડે ચડતા અટકાવવા માટે નારકોટીક્સ પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર, વેચાણ અને વહનની પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ લાવવા ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી.
જે અન્વયે ગાંધીનગરમાં માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને N.D.P.S એકટ હેઠળ વારંવાર ગુનાઓ કરતાં ઈસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા એસઓજી પીઆઈ વી ડી વાળા અને આર આર પરમારનાં માર્ગદર્શન હેઠળ NDPD એક્ટ 1988 મુજબ જિલ્લામાં કેફી પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિ વારંવાર આચરનાર આરોપી ભરતભાઇ ગાંડાભાઇ રાવળ (રહે. સુથાર વાસ, કલ્યાણપુરા, કલોલ તા. કલોલ) નો ગુનાહિત ઈતિહાસ તપાસવામાં આવ્યો હતો.
જેમાં ભરત રાવળ ગાંજાનાં વેચાણનો અઠંગ ખેલાડી હોવાનું બહાર આવ્યું હતું. જે ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો લાવી પોતાના રહેણાંકના ઘરે રાખી યુવાધનને નશાનાં રવાડે ચડાવતો રહેતો હતો. જેનાં વિરુદ્ધમાં પાંચ જેટલા ગુના દાખલ થયા હોવા છતાં જામીન પર છૂટીને આજ પ્રવૃતિઓ કરવાની ટેવ વાળો છે. જે હાલ રેગ્યુલર જામીન ઉપર છુટેલ હોવાથી આવી ગુનાહીત પ્રવૃત્તિ ફરીથી ચાલુ રાખે તેવી પુરેપુરી શક્યતાઓ રહેલી હોવાથી એસઓજી દ્વારા NDPS એક્ટ હેઠળ દરખાસ્ત તૈયાર કરીને ઉચ્ચ કક્ષાએ મોકલી અપાઈ હતી. જે દરખાસ્ત મજૂર થતાં જ એસઓજી રીઢા ગુનેગાર ભરત રાવળની અટકાયત કરી સેન્ટ્રલ જેલમાં ધકેલી દેવાયો છે.