સાધલીએક કલાક પહેલા
- કૉપી લિંક
- પોલીસ સ્ટેશનના ડિમોલિશનને 11 માસ થયા છતાં કોઇ કાર્યવાહી નહીં
- 11 મહિનાથી બજાર સમિતિમાં કાર્યરત પોલીસ સ્ટેશને ભાડું નથી ચૂકવ્યું
શિનોર તાલુકાના સાધલીમાં આવેલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના જૂના બિલ્ડિંગને ડિમોલિશન કરવાની કામગીરી શરૂ કર્યા પછી બજાર સમિતિ સાધલીના એસી હોલમાં હંગામી ધોરણે આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન 11 માસથી કાર્યરત છે. છતાં જિલ્લા પોલીસ વડા વડોદરા દ્વારા સાધલી બજાર સમિતિને આજદિન સુધી ભાડું આપવામાં આવેલ ના હોવાના કારણે બજાર સમિતિ દ્વારા સ્મૃતિપત્ર પાઠવીને ભાડા માટેની માંગ કરાઇ છે.
શિનોરના સાધલી મુકામે મેઇન બજારમાં વિશાળ જગ્યામાં જૂનું આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન, સ્ટાફ ક્વાર્ટર સાથે ખખડધ્વજ અને જર્જરિત થતાં માર્ચ 2022માં ડિમોલિશન કરવાની કામગીરી શરૂ કરાઇ હતી. ત્યારબાદ આ કામગીરી થોડા સમય માટે સ્થગિત થતાં વર્તમાનપત્રોમાં સમાચારો ચમકતાં 23 સપ્ટેમ્બરથી ફરી શરૂ કરાઇ હતી. આ સમયગાળા દરમિયાન સાધલી આઉટ પોસ્ટની ઓફિસ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સાધલીના મેડા ઉપર એરકન્ડિશન મીટિંગ હોલ સાથે ગેસ્ટ રૂમ વિથ ટોયલેટ બાથરૂમ ખાતે મે 2022 થી શરૂ કરેલ છે.
11 માસ જેવો સમય થઈ ગયો હોવા છતાં સાધલી આઉટપોસ્ટના જમાદાર, શિનોર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા વડોદરા જિલ્લાના જિલ્લા પોલીસ વડા ગ્રામ્ય વિસ્તાર દ્વારા બજાર સમિતિ સાધલીને વારંવારની રજૂઆત કરવા છતાં પણ ભાડું આપવામાં ન આવતાં તાજેતરમાં ફરી એકવાર ભાડા બાબતે જિલ્લા પોલીસ વડાને સ્મૃતિપત્ર પાઠવીને ભાડા બાબતે નિર્ણય લેવા જાણ કરાયેલ છે.
ભાડા બાબતના બિલો બનાવી જિલ્લા કચેરીએ મોકલી આપ્યા છે: પીએસઆઈ
બજાર સમિતિના ભાડા તથા આઉટ પોસ્ટનું નવીન બાંધકામ કેમ શરૂ કરાયેલ નથી, એ બાબતે શિનોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.એમ.કાંટેલીયાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે ભાડા બાબતના બિલો બનાવીને જિલ્લા કચેરીએ મોકલી આપેલા છે, અને નવીન બાંધકામ બાબતે સ્થળ સ્થિતિનો પ્લાન -નકશો હજુ મંજૂર થયો હોય તો આપણને મળ્યો નથી, બાંધકામની કામગીરી ઉપલી કક્ષાએથી કરાશે.
નવીન આઉટ પોસ્ટનું કામ વહેલી તકે થાય તેવી માગ
ડિમોલિશન કર્યા પછી જૂની જગ્યા જે મેઇન વિસ્તારમાં છે, ત્યાં આઉટપોસ્ટની હાજરી એકમાત્ર વીજ કંપનીનું મીટર વૃક્ષના થડ ઉપર લટકીને બતાવી રહી છે, તે સિવાયની અન્ય જગ્યા ઉપર બિનકાયદેસર પાર્કિંગ બની ગયેલ છે, અને પોલીસ તંત્ર દ્વારા હાલમાં નવીન બાંધકામ કરવા બાબતે કોઈપણ કાર્યવાહી થતી હોય તેમ લાગી રહ્યું નથી. ગૃહમંત્રી તથા વડોદરા જિલ્લાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી અંગત રસ લઈને સાધલી મુકામે નવીન આઉટ પોસ્ટ અને સ્ટાફ ક્વાર્ટર્સનું કામ વહેલી તકે શરૂ કરાવે એવી આ વિસ્તારની માંગ છે.