અંબાજીએક કલાક પહેલા
- કૉપી લિંક
આજે ગુજરાત અને દેશ વિકાસના ગગન ચૂંબી રહ્યા હોય તેવો દાવો ગુજરાત સરકાર કરી રહી છે. ત્યારે યાત્રાધામ અંબાજી જે તાલુકામાં આવ્યું છે તેજ તાલુકા મથકમાં બસ સ્ટેન્ડ નથી. યાત્રાધામ અંબાજીથી 20 કિલોમીટર દૂર આવેલું દાંતા ગામ જે બનાસકાંઠા જિલ્લાનું તાલુકા મથક છે. આ દાંતા ગામમાં આજુબાજુના વિસ્તારના લોકો તાલુકા પંચાયત અને કોર્ટ કચેરીના કામથી દાંતા આવતા હોય છે. ત્યારે દાંતામાં આ અગાઉ એક બસ સ્ટેન્ડ હતું. જે બસ સ્ટેન્ડ આજે ખંડર થઈ જવા પામ્યું છે. હવે આ ખંડર બસ સ્ટેન્ડમાં એક મીની જંગલનું નિર્માણ થઈ ગયું છે.

ત્યારે આટલા મોટા તાલુકા મથકમાં બસ સ્ટેન્ડ ન હોય માત્ર એક પીકઅપ સ્ટેન્ડ બનાવીને દાંતાના ગ્રામજનોને એક લોલીપોપ આપ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે દાંતાના ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણકે આ નાનું પીકઅપ સ્ટેન્ડ બજારની વચ્ચે બનાવવામાં આવતા નાનકડી ગલીઓમાંથી બસોને પસાર થવામાં તકલીફ થતી હોય છે.

જેને લઈને કેટલીય બસો આ પીકઅપ સ્ટેન્ડ પર જવાનું ટાળતી હોય છે અને બારોબાર હાઈવેથી જતી રહેતી હોય છે. જેને લઇ મુસાફરોને હાઇવે ઉપર કલાકો તડકામાં ઊભા રહી બસની રાહ જોવી પડતી હોય છે. તો કેટલાક લોકો નાની રૂટની મીની બસો પકડવા પીકઅપ સ્ટેન્ડ પર ઉભા રહેતા હોય છે.

મહત્ત્વની વાત તો એ છે કે, દાંતા ગામમાં સરકારી જમીન પણ મોટા પાયામાં છે, પણ હવે તકલીફ એ છે કે તે જમીનો પર ભુમાફિયાઓ દબાણ કરીને આ જમીનો પર શોપિંગ સેન્ટર બનાવી પૈસા વસૂલી રહ્યા છે. ત્યારે હવે આ જગ્યાઓ ખાલી કરાવીને અધ્યતન બસસ્ટેન્ડ બની શકે તેટલી જગ્યા પરનું દબાણ દૂર કરી આ તાલુકા મથકને બસ સ્ટેન્ડ સરકાર આપે તેવી માગ ઉઠી છે.


