રાજકોટ43 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર
રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર હુડકો ચોકડી પાછળ નાડોદાનગર-9માં રહેતાં બાલુભાઇ હરિભાઇ વાઢેર (ઉ.વ.60) નામના વૃધ્ધ ગઈકાલે સાંજે 5 વાગ્યા આસપાસ બાઇક ચલાવીને રામવન નજીક આજી નદીના પુલ પાસેથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે અજાણી કારે ઠોકર મારતા ગંભીર ઇજા પહોંચી હતી જેથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર કારગત નીવડે તે પહેલા મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર બાલુભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર છે. પોતે ભૂપગઢ ગામે ખેતી ધરાવતાં હોઇ ત્યાં ગયા હતાં. ત્યાંથી પરત રાજકોટ ઘરે આવતી વખતે અકસ્માતમાં મોત નીપજ્યું હતું. હાલ પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
બસમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો યુવક ઝડપાયો
રાજકોટ એસ.ટી. વિભાગના ટ્રાફિક ઇન્સ્પેકટર મહિપાલ ધાંધલ સહિતનો સ્ટાફ એસ.ટી. બસપોર્ટ પર ચેકીંગમાં હતા ત્યારે પ્લેટફોર્મ નં. 14 પર ઉભેલ નાસીક ગોંડલ રૂટની બસ નં.GZ.18.ZD.8510ના ડ્રાઇવર રોનક પરસોતમ ઘાડીયા (ઉ.વ.33) ને સાથે રાખી બેટરી બોકસ તથા સ્પેરવ્હીલ બોકસમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 30 બોટલ અને બિયરના 13 ટીન મળી કુલ રૂ. 31,690 નો મુદ્દામાલ મળી આવતા તેને એ ડીવીઝન પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.

મહિલા તસ્કર બદીબેન ઉર્ફે મધુ વિજય સોલંકી
ચોરાઉ પાકીટ સાથે મહિલા તસ્કર ઝડપાઇ
ગત તા.24 માર્ચના રોજ હલેન્ડા ગામના લક્ષ્મણભાઈ બાવાભાઈ સાવલીયા રાજકોટ બસપોર્ટથી હલેન્ડા જવા બસમાં ચડી રહ્યા હતા ત્યારે તેના ખીસ્સામાં રહેલ પાકીટનું કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. જેમાં રહેલ રોકડ રૂા.10 હજાર અને અગત્યના ડોકયુમેન્ટ ચોરી થયા અંગેની ફરીયાદ એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી. ચોરીના ગુના શોધી કાઢવાની પોલીસ કમિશનરની સુચનાથી ક્રાઈમ બ્રાંચ ટીમને મળેલ ચોકકસ બાતમીના આધારે ચોરી કરેલ પાકીટ સાથે બદીબેન ઉર્ફે મધુ વિજય સોલંકી (ઉ.વ.30) ને ઝડપી પાડી તેની પાસેથી રૂપિયા પાંચ હજારનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફાયરિંગ પ્રકરણમાં ફરાર ત્રિપુટી ઝડપાઇ
રાજકોટ જિલ્લાના ઉપલેટા પંચહાટડી ચોકમાં થયેલ ફાયરિંગ પ્રકરણમાં પોલીસે ત્રણ આરોપીને અજમેરથી ઝડપી પાડી ફરાર બે આરોપીની શોધખોળ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ ઉપલેટા શહેર ખાતે થોડા દિવસ પહેલા પંચહાટડી ચોકમાં રમઝાનના તહેવાર દરમિયાન બે જૂથ વચ્ચે બોલાચાલી થતા ફાયરીંગ કરવામાં આવ્યા હતા જેમાં ચાર વ્યક્તિને ઈજાઓ પણ પહોંચી હતી. ફાયરિંગ કર્યા બાદ આરોપીઓ નાસતા ફરતા હતા. દરમિયાન ગઈકાલે જિલ્લા પોલીસને આરોપીઓ અજમેરમાં છુપાયા હોવાની બાતમી મળતા રાજકોટ જિલ્લા પોલીસની ટીમ અજમેર પહોંચી હતી અને અજમેરથી દિલાવર ઓસમાણ હિંગોડા, તેમનો મોટો પુત્ર મોહસીન દિલાવર હિંડોળા અને નાનો પુત્ર અકરમ દિલાવર હિંડોળાને પોલીસે દબોચી દીધા હતા જ્યારે સલીમ દત્ત અને સોયબ સલીમ હિંગોડા પોલીસને જોઈને ભાગી છુટેલા હતા જે બંને શખ્સોને ઝડપી લેવા ફરીથી જિલ્લા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે

ફાયરિંગ પ્રકરણમાં ત્રણ આરોપી અજમેરથી ઝડપાયા
વિજયનગરમાં યુવકે આપઘાત કર્યો
રાજકોટની વિજયનગર સોસાયટીમાં રહેતા અને મજૂરી કામ કરતા હિતેશ વિનોદભાઈ સરવૈયા નામના 31 વર્ષના યુવકે ગઈકાલે રાત્રિના સમયે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં 108ને જાણ કરતા ઇએમટી કિશનભાઈ રાજાણીએ જોઈ તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો. હિતેશભાઈને દારૂ પીવાની ટેવ હતી તેમજ પોતે એક ભાઈ એક બહેનમાં નાના હતા અને તેમના પાંચ વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા. થોરાડા પોલીસ મૃતદેહનું પોસમોર્ટમ કરાવી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.