કચ્છ (ભુજ )37 મિનિટ પહેલા
- કૉપી લિંક

પશ્ચિમ કચ્છના સરહદી દરિયા વિસ્તારમાંથી ફરી માદક પદાર્થ મળવાનો સીલસીલો શરૂ થયો છે. આજે અબડાસાના જખૌ પાસેના સેખરણ ટાપુ પરથી મરીન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બીમવારસી હાલતમાં ચરસનું એક પેકેટ મળી આવ્યું હતું. ચાર દિવસ દરમિયાન ત્રીજી વખત અંગ્રેજીમાં અફઘાન પ્રોડક્ટ લખેલું પેકેટ મળી આવતા સુરક્ષા તંત્ર સતર્ક બની ગયું છે અને જખૌ પાસેના દરિયાઈ વિસ્તારના અલગ-અલગ સ્થળેથી સતત ત્રીજી વખત ચરસ મળી આવ્યું છે. આમ ચાર દિવસમાં નવા પેકિંગ ધરાવતા કુલ 12 પેક્ટ મળી આવતા લાંબા સમય બાદ ફરી એક વખત માદક પદાર્થ મળવાનો સીલસીલો શરૂ થવા પામ્યો છે.
ગઈકાલે કચ્છના જખૌ બંદરથી 10 કિલોમીટર દૂર ઓગાત્રા બેટ પરથી BSFને ચરસનું એક પેક્ટ મળી આવ્યું હતું તો તેના એક દિવસ પૂર્વે તા. 12ના એક સાથે ચરસના 10 પેકેટ મળી આવ્યા બાદ આજે જખૌ મરીન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન વધુ એક વખત ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવતા વધુ પેકેટ મળવાની સંભાવનાને પગલે પોલીસ દ્વારા દરિયાઈ વિસ્તરમાં તપાસ કામગીરી ચાલુ રાખવામાં આવી છે. આ વિશે જખૌ મરીનના પીઆઇ ડીએસ ઇશારાણીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે બપોરના સમયે હાલ એક પેકેટ મળ્યું હતું, જ્યારે વધુ પેકેટો પડ્યા હોવાની વાતને ધ્યાને લઇ પોલીસ સ્ટાફ અહીંના આસપાસના વિસ્તારમાં તપાસ ચલાવી રહ્યા છે. દરમિયાન લગાતાર મળી આવતા પેકેટ પાકિસ્તાન તરફથી સમુદ્રી લહરોમાં દરિયા કાંઠે તણાઈ આવતા હોવાનું આ પૂર્વે BSF દ્વારા જાહેર કરાયું હતું.