ગોધરા શહેરના મારવાડી વાસમાં રહેતા લોકો પ્રાથમિક જરૂરિયાતઓથી વંચિત; પંચાયત ઓફિસ બહાર માટલા ફોડી વિરોધ નોંધાવ્યો | People living in Marwari Vas of Godhra city deprived of basic necessities; Matla Fodi protested outside the municipal office | Times Of Ahmedabad

પંચમહાલ (ગોધરા)2 કલાક પહેલા

  • કૉપી લિંક

ગોધરા શહેરના જાફરાબાદ વિસ્તારમાં મારવાડી વાસ ખાતે ભીલ સમાજના 500થી વધુ લોકો વસવાટ કરે છે, પરંતુ હજુ સુધી આ લોકોના વિસ્તારમાં જોઈએ તેટલો વિકાસ થયો નથી. દેશને આઝાદ થયે ભલે 75 વર્ષ થઈ ગયા, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભલે વિકાસલક્ષી કામોની રૂપરેખા બતાવવામાં આવતી હોય છે. પરંતુ આજે પણ ગોધરાના ભીલ સમાજના લોકો પીવાના પાણી,રોડ રસ્તાઓ અને જાહેર શૌચાલય જેવી બાબતોથી વંચિત જોવા મળી રહ્યા છે. અને ન છૂટકે આજે ભીલ સમાજના લોકોએ ભેગા મળીને પોતાના વિસ્તારમાં અને જાફરાબાદ પંચાયતમાં વિરોધ કરીને પંચાયતનો ઘેરાવો કરીને માટલા ફોડીને પોતાનો રોષ ઠાલવ્યો હતો.

ગોધરા શહેરના જાફરાબાદ વિસ્તારમાં મારવાડી વાસમાં 500થી વધુ ભીલ સમાજના લોકો વસે છે અને દેશ આઝાદ થયે 75 વર્ષ વિતવા છતાં પણ આ વિસ્તારના લોકો પોતાની પ્રાથમિક સુવિધાઓ અળગા રાખવામાં આવી રહ્યા છે. આજે પણ આ વિસ્તારમાં પીવાના પાણીની એક બુંદ માટે લોકો તરસી રહ્યાં છે. આ વાત આટલે અટકતી નથી.. આ લોકોને આવવા જવા માટે યોગ્ય રોડ રસ્તાઓ પણ નસીબમાં નથી. જેના કારણે અવરજવર કરતા ઉંમરલાયક લોકો ઘણીવાર પડી જવાથી હાથ-પગ ફ્રેક્ચર જેવા બનાવો પણ બનતા હોય છે. રોડ રસ્તાની વાત તો સાઇડ ઉપર રહી, પરંતુ આ લોકોના વિસ્તારમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલા શૌચાલય પણ નસીબમાં નથી. જેના લીધે જવાન દીકરીઓને જાહેરમાં ખુલ્લી જગ્યામાં શોચક્રિયા કરવા માટે મજબૂર બનવું પડે છે અને જેને લઇને આજે ભીલ સમાજની મહિલાઓ અને પુરુષોએ ભેગા મળીને પોતાના વિસ્તારમાં પીવાના પાણી, રોડ રસ્તા શૌચાલય સાફ-સફાઈ જેવી બાબતોને લઈને પોતાના વિસ્તારમાં વિરોધ દર્શાવ્યો હતો.

પહેલા વિરોધ દર્શાવ્યા બાદ પણ કઈ નિરાકરણ ન આવતા ત્યારબાદ પોતાના વિસ્તારમાં માટલાઓ ફોડીને વિરોધ કર્યો. દરેક મહિલાઓ અને પુરુષો જાફરાબાદ પંચાયતમાં જઈને ચારે બાજૂથી ઘેરાવો કરી સૂત્રોચ્ચાર સાથે માટલાઓ ફોડી અને વિરોધ નોંધાવ્યો હતો. જેને લઇને જાફરાબાદ પંચાયતના તલાટીએ તાત્કાલિક સ્થળ ઉપર આવી તેમને પડી રહેલી મુશ્કેલીઓનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે તેવી હૈયાધારણા આપી હતી. ઉલ્લેખનીય છે કે, આજે મહાવીર જયંતિ નિમિત્તે જાફરાબાદ પંચાયતના તલાટીની રજા હોવા છતાં પણ તેઓ પ્રજાના કામને લઈને પંચાયત પર દોડી આવી દરેકની સમસ્યાઓને સાંભળી હતી. ત્યારે આ બાબતની જાણ દિવ્ય ભાસ્કરની ટીમને થતા તેઓએ ગોધરાના જાફરાબાદ વિસ્તારમાં આવેલા મારવાડી વાસમાં રહેતા ભીલ સમાજના લોકોની સમસ્યાની વ્યથા જાણવાનો પ્રયાસ કર્યો હતો.

મારવાડી વાસમાં રહેતા એક વયોવૃદ્ધ લેહરીબેને જણાવ્યું હતું કે, છેલ્લા ચાર માસથી પીવાના પાણીની સમસ્યા છે. જેના લીધે અમને ઘણી બધી તકલીફો ભોગવવી પડે છે. બીજી તરફ રોડ કે રસ્તાઓની પણ સુવિધાઓ નથી, નાતો સરકાર દ્વારા ફાળવવામાં આવેલા શૌચાલય પણ બનાવી આપ્યા નથી. જેના લીધે અમારે બહાર જાહેરમાં શોચ ક્રિયા કરવા માટે જવું પડે છે. છેલ્લા ઘણા સમયથી આવી સમસ્યાઓ અમે ભોગવી રહ્યા છીએ. ત્યારબાદ ત્યાંના જ એક સ્થાનિક ગીતાબેને પોતાની વેદના દર્શાવી હતી કે, જેઓના બંને પગથી વિકલાંગ છે અને છેલ્લા ચાર મહિનાથી પીવાના પાણી ન આવવાથી ઘણી તકલીફ ભોગવી રહ્યા છે. જેને લીધે ઘરમાં વાસણ, કપડાં, નાહવા માટે પાણી ન મળતા તેઓને 500 મીટર દૂર સુધી ઘસડાતા ઘસડાતા હેડપંપ ઉપર પાણી ભરવા જવું પડે છે અને પાણી લાવવું પડે છે.

ત્યારે અન્ય એક સ્થાનિક રેશમાબેને પોતાની વ્યથા દર્શાવવી હતી કે, તેઓ પોતે કેન્સર પીડિત છે અને પીવાના પાણીની સમસ્યાને લઈને તેઓ ફાટક બહાર પાણી ભરવા જવા માટે મજબૂર બન્યા છે. ત્યારે આ કેન્સર પીડિત રેસમાબેન આજીજી કરી રહ્યા છે કે અમને સરકાર દ્વારા આપવામાં આવેલા જરૂરી સુવિધાઓ પાણી, રોડ-રસ્તાઓ, શૌચાલય જેવી પ્રાથમિક જરૂરીયાત વાળી સુવિધાઓ આપો જ્યારે રમીલા બેને જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં શૌચાલય, પીવાના પાણીની સમસ્યા, રોડ રસ્તાઓ વગેરે જેવી સુવિધાઓ આજદિન સુધી પૂરી પાડવામાં આવી નથી. અમારા વિસ્તારમાં જાહેર શૌચાલય ના હોવાના કારણે અમારી બેન દીકરીઓને જાહેરમાં શોચ ક્રિયા કરવા જવા માટે મજબૂર બનવું પડે છે. અમારા વિસ્તારમાં 500થી વધુ લોકો રહે છે. જેમાં હજુ સુધી વિકાસ વિસ્તાર સુધી પહોંચ્યો નથી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم