નવસારી20 મિનિટ પહેલા
- કૉપી લિંક

ખેરગામમાં જનતા માધ્યમિક સ્કૂલના ગેટની સામે બિરસા મુંડા સર્કલ ઉપર પાંચ વર્ષ પહેલા આદિવાસી આગેવાનો,યુવાનો દ્વારા ઉત્સાહ અને ઉમંગથી આદિવાસી સમાજના જનનાયક એવા બિરસા મુંડાની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમાને કોઈ તીખળખોર દ્વારા મૂર્તિમાંના તીરને તોડી ખંડિત કરવામાં આવ્યું છે. જે અંગે આદિવાસી સમાજને જાણ થતા તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જે અંગે આવતીકાલે મામલતદાર અને ખેરગામ પોલીસને આવેદન આપી યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવશે.
ખેરગામમાં બિરસા મુંડાની પ્રતિમાને નુકસાન કરવામાં આવ્યું એવું જાણવા મળતા આદિવાસી સમાજમાં ઘેરા રોષની લાગણી પ્રવર્તી રહી છે. આ ઘટના બાબતે તમામ રાજકીય સામાજિક વિવિધ આદિવાસી સંગઠનો આગેવાનો આ અંગે તટસ્થ તપાસ થાય અને જે કોઈ પણ તત્વે આ બિરસા મુંડાની પ્રતિમાને ખંડિત કરી હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. હાલ તો સર્કલની આજુબાજુ લાગેલા સીસીટીવી કેમેરા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
નવસારી જિલ્લાના પ્રમુખ ડો. નીરવ ભૂલાભાઈ પટેલે જણાવ્યું છે કે, આજની પેઢી સારી રીતે જાણી શકે તે માટે બિરસા મુંડાજીની પ્રતિમા સમસ્ત આદિવાસી સમાજના યુવાનો વડીલો દ્વારા ભારે ઉત્સાહપૂર્વક થોડા વર્ષો પહેલાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકોની હાજરીમાં સ્થાપવામાં આવી હતી. આદિવાસી સમાજની વધી રહેલી એકતા સહન નહીં કરી શકતા કોઈ અસામાજિક તત્વ દ્વારા આવું કૃત્ય કર્યું હોય તેવું અમારું માનવું છે આ બાબતે આવતીકાલે ખેરગામ મામલતદાર અને પોલીસ મથકે આવેદન આપી કસૂરવારને શોધવા માટે અપીલ કરવામાં આવશે.

