સુરેન્દ્રનગરએક કલાક પહેલાલેખક: મનીષ પારીક
- કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં 6 એપ્રિલના રોજ પોરબંદરના એક બુટલેગર મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ બુટલેગર ચૈત્રી પૂનમ નિમિત્તે બે પુત્રી અને પત્ની સાથે પોરબંદરથી ચોટીલા માતાજીના દર્શન કરવા માટે આવ્યો હતો. તેમની બન્ને દીકરી અને પત્ની દર્શન કરવા ગઈ ત્યારે મૃતક બુટલેગર કાર દૂર પાર્ક કરીને બેઠો હતો. આ દરમિયાન લગભગ 1 વાગ્યા આસપાસ કોઈએ તેને લોહી લુહાણ હાલતમાં કારની સીટ પર પડેલા જોયા અને પોલીસને જાણ કરી હતી. જો કે ત્યાર બાદનો ઘટનાક્રમ કોઈ સસ્પેન્સ થ્રીલર ફિલ્મને ટક્કર મારે એવો છે.
મહિલાની લાશ અને બુટલેગરના મોત વચ્ચે શું સંબંધ છે?
એક તરફ ચોટીલા ચામુંડા મંદિર પાસે કારમાંથી બુટલેગર લોહી લુહાણ હાલતમાં મળે છે અને બાદમાં હોસ્પિટલમાં તેનું મોત થઈ જાય છે. તો બીજી તરફ ચોટીલાથી 225 કિલો મીટર દૂર આવેલા પોરબંદરમાં એક મહિલાની લાશ મળે છે. આશ્ચર્યની વાત તો એ છે કે, મહિલાની ગળું કપાયેલી લાશ બુટલેગરના પોરબંદર સ્થિત ઘરમાંથી જ મળે છે અને ઘર પર તાળુ પણ મારી દીધેલું હોય છે. આ મહિલાની લાશ અને બુટલેગરના મોત વચ્ચે શું સંબંધ હતો? શું બુટલેગરે આત્મહત્યા કરી હતી કે કોઈએ તેની હત્યા કરી દીધી? શું આ મહિલાની હત્યા બુટલેગરે કરી હતી કે પછી કોઈ અન્ય દ્વારા તેને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી.
બન્નેના મોત ગળાં કપાવાથી જ થયા
જો કે પોલીસે આ આત્મહત્યાના ભેદભરમનો ભેદ ઉકેલવા જતા અનેક નવા ખુલાસાઓ થયા હતા. જેમાં એક બાદ એક કડીઓ જોડાતી ગઈ હતી અને બુટલેગરની એક લાશમાંથી એક મહિલાના મર્ડરનો ઘટસ્ફોટ થયો હતો. આ કેસના તાર ચોટીલામાં લાશ મળવાથી લઈ પોરબંદરમાં એક મહિલાની હત્યા થવા સુધી જોડાયેલા હોવાનો ખુલાસો થયો હતો. માત્ર એટલું જ નહીં, ત્રિકમે જે રીતે કંચનબેનની ગળું કાપી હત્યા કરી તે જ રીતે પોતે પણ ચોટીલામાં કારમાં બેસીને પોતાના ગળે છરીના ઘા મારી મોત વ્હાલું કરી લીધું હતું.
બૂટલેગર ત્રિકમ અને કંચનની લાશ.
દિવ્ય ભાસ્કરે આ હત્યા અને હાલ પોલીસ જેને આત્મહત્યા માની રહી છે એવા કેસ અંગે વધુ જાણવા માટે પોલીસ અધિકારી સાથે વાતચીત કરી હતી. જેમાં અનેક નવા ખુલાસાઓ થયા છે.
કોણ હતા કંચન અને ત્રિકમ?
પોરબંદરના ખડપીઠ નજીક ખાડી કાંઠાના વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ બળેજા તેની પત્ની કંચનબેન (ઉં.વ.36) અને બે સંતાનો સાથે રહેતા હતા. તેમના પરિવારમાં કુલ 8 જેટલા સભ્યો હતા. જ્યારે તેમના પાડોશમાં મૂળ બોટાદનો વતની એવો ત્રિકમ નામનો એક લિસ્ટેડ બુટલેગર પત્ની, બે દીકરી તથા એક દીકરા સાથે રહેતો હતો. ત્રિકમ 20-25 વર્ષથી પોરબંદરમાં રહેતો હતો. જો કે બન્ને પાડોશી વચ્ચે ખાસ કોઈ સંબંધ નહોતા.
મૃતક મહિલાનો પતિ બુટલેગરનો ખાસ ભાઈબંધ
કંચનબેનના પતિ અશ્વિને પોલીસને જણાવ્યું હતું કે, પોતે અને ત્રિકમ ખાસ મિત્રો હતા. પરંતુ પાડોશી હોવા છતાં બંનેના પરિવારો વચ્ચે ખાસ સંબંધ ન હતો. પોતે આર્થિક રીતે નબળો હોવાથી મુન્ના(ત્રિકમ) સાથે સંબંધ રાખતો હતો. બુટલેગર ત્રિકમ ઉર્ફે મુન્નો ઉકા ચાવડા દારૂના નશામાં અવારનવાર દારૂ પીને દાદાગીરી કરતો હતો અને બધાને દબાવતો હતો. તેથી જ મૃતક કંચનબેનને પણ અનેકવાર આ બુટલેગર સાથે ઝઘડો થતો હતો. તેમજ મુન્નાનું ચારિત્ર્ય પણ ખૂબ જ ખરાબ હતું અને તેના કારણે પાડોશમાં રહેતી સોળ વર્ષની બે તરૂણીઓના પરિવારજનોને પણ હિજરત કરવી પડી હતી.
20 દિવસ પહેલા ત્રિકમે પરિવારને બોટાદ મોકલી દીધું
જો કે 20 દિવસ પહેલાં ત્રિકમે પત્ની અને બે દીકરીને બોટાદ મોકલી દીધાં હતા. બાદમાં 5 દિવસ પહેલાં દીકરાને પણ બોટાદ મોકલી દીધો હતો. માથા ભારેની છાપ ધરાવનારા ત્રિકમને અનેક સાથે દુશ્મની હતી. ત્રિકમ ચાવડાના પરિવાર અને કંચન બળેજા વચ્ચે આંતરિક તકરાર પણ રહેતી હતી. આથી ત્રિકમ ચાવડાનાં પત્ની 2 દીકરીને લઈને અમદાવાદ આવી ગયાં હતાં અને ત્રિકમ પુત્ર સાથે પોરબંદરમાં રહેતો હતો. ત્યાર બાદ 4-5 દિવસ પહેલાં ત્રિકમે દીકરાને પણ બોટાદ મોકલી દીધો હતો.
બૂટલેગરના ઘરના સોફા પાસે પડેલી કંચનની લાશ.
4 એપ્રિલે આંગણવાડીમાં જવાનું કહી મહિલા ઘરેથી નીકળી
પરંતુ અચાનક જ 4 એપ્રિલના રોજ રહસ્યમય ઘટનાઓ આકાર લેવા માંડે છે. પોરબંદરના ખડપીઠ નજીક ખાડી કાંઠાના વિસ્તારમાં રહેતા કંચનબેન બળેજા 4 એપ્રિલે સાડા દસ પોણા અગિયાર વાગ્યા આસપાસ કંચનબેન ઘરે આંગણવાડીમાં જવાનું કહી નીકળ્યા હતા. પરંતુ ઘણો સમય પસાર થવા છતાં તેઓ પરત ફર્યા નહોતા. ત્યાર બાદ કંચનબેનના સાસુએ તેમના દીકરા અશ્વિનને ફોન કરી કહ્યું કે, કંચન તો આંગણવાડીનું કહીને ગઈ છે, પરંતુ હજુ સુધી ઘરે આવી નથી અને એનો ફોન પણ બંધ આવે છે. પોલીસ ફરિયાદમાં અશ્વિને જણાવ્યું કે, મારી પત્ની પ્રેગ્નન્ટ હોવાથી અવાર નવાર આંગણવાડીએ બતાવવા માટે જાય છે, તેની મને ખબર છે. જેથી મેં આંગણવાડીએ તપાસ કરતા આંગણવાડી તો બંધ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ મેં સરકારી હોસ્પિટલે તપાસ કરી તો ત્યાં પણ મારી ઘરવાળી મળી નહોતી. સગા-વ્હાલામાં પણ તપાસ કરી પણ તેની ભાળ મળી નહીં.
ત્રિકમનું ઘર બંધ હોવાથી મહિલાના પતિને શંકા ગઈ
તમામ જગ્યાએ તપાસ કર્યા બાદ પતિ અશ્વિનભાઈએ પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થવાની જાણ કરી હતી. તેમની પત્ની કંચન બળેજા ઘરેથી નીકળ્યા બાદ બે દિવસ વિતવા છતાં પરત ફરી નથી અને તેનો ફોન પણ બંધ આવે છે. અશ્વિને એવી શંકા વ્યક્ત કરી હતી કે, તેની પત્ની જ્યારથી ગુમ થઈ છે ત્યારથી તેના પાડોશમાં રહેતા ત્રિકમ ઉકા ચાવડા ઉર્ફે મુન્નાનું ઘર પણ બંધ હાલતમાં હતું. એટલે તે પણ ગુમ હોય સાથે તેના પરિવારના તમામ લોકોના ફોન બંધ આવતા મુન્ના પર અશ્વિને શંકા વ્યક્ત કરી હતી. એક તરફ અશ્વિનભાઈ પત્નીને શોધતા હતા અને બીજી તરફ ત્રિકમ ચાવડા અલગ જ પ્લાન ઘડી રહ્યો હતો.
ચોટીલામાં કારમાં મળેલી લાશ અને તેની પાસે પડેલી છરીની તસવીર.
પત્ની-દીકરીઓને માતાજીના દર્શને મોકલ્યા, કારમાં લોહી લુહાણ હાલતમાં મળ્યો
એક તરફ પોરબંદરમાંથી ત્રિકમ ઉર્ફે મુન્નો ઉકા ચાવડા પણ ગુમ થઇ ગયો હતો. તેના ઘરે તાળું મારેલું હતું. તો બીજી તરફ કંચનબેન ગુમ થયાના બે દિવસ બાદ 6 એપ્રિલ એટલે કે હનુમાન જયંતીના દિવસે ત્રિકમ પોરબંદરથી નીકળીને વતન બોટાદ ખાતે આવેલા ઘરે જઈ પત્ની અને દીકરીઓને લઈ ચોટીલા માતાજીના દર્શન કરવા માટે આવ્યો હતો. ત્યાર બાદ તેણે બન્ને દીકરી અને પત્નીને ચામુંડા માતાજીના દર્શન કરવા મોકલી દીધી હતી અને મૃતક બુટલેગર અર્ટીગા કાર દૂર પાર્ક કરીને આરામ કરી રહ્યો હતો. આ દરમિયાન લગભગ 1 વાગ્યા આસપાસ કોઈએ તેમની કાર પાસે અન્ય કોઈ કાર પાર્ક કરવા જતા બુટલેગરના ગળે છરીના ઘા વાગેલા હતા અને લોહી લુહાણ હાલતમાં કારની સીટ પર પડેલો જોવા મળ્યો હતો. પોલીસે કારમાં તપાસ કરતા આધેડને ગળાના ભાગે છરીના ઘા વાગેલા જણાતા તાત્કાલિક ત્રિકમ ચાવડાને ગંભીર હાલતમાં પ્રાથમિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં ચોટીલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન એનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતુ. ત્યાર બાદ સુરેન્દ્રનગર પોલીસની તપાસમાં ત્રિકમે પોતાની જ કારમાં આત્મહત્યા કરી લીધી હોવાનો ખુલાસો થયો હતો.
મામલતદારે ઘર ખોલ્યું તો કંચનની લાશ સોફા પાસે પડી હતી
ત્રિકમની લાશ મળ્યા બાદ પોલીસને તેનું આધારકાર્ડ મળ્યું હતું અને તેમાં લખેલા એડ્રેસના આધારે સુરેન્દ્રનગર પોલીસે પોરબંદર પોલીસને જાણ કરી હતી. જેને પગલે પોરબંદર પોલીસે ત્રિકમ ઉર્ફે મુન્નાના ઘરે મામલતદારની હાજરીમાં તાળું તોડીને તપાસ કરતા ગુમ થયેલા કંચન બહેનનો તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોય તેવો મૃતદેહ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કંચનબેનની લાશ સોફા પાસે ભોંય તળિયે પડેલી હતી. ત્યાર બાદ પોલીસે લાશનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે ભાવસિંહજી હોસ્પિટલ ખાતે મોકલી દીધી હતી. જેની લાશ બુટલેગર ત્રિકમ ચાવડાના ઘરમાંથી મળી આવી હતી. તે કંચનબેન બળેજા બે સંતાનોની માતા હતા અને ત્રણેક મહિનાની સર્ગભાવસ્થા ધરાવતા હોવાનું કંચનબેનના પતિ અશ્વિનભાઇ બળેજાએ પોલીસને જણાવ્યું હતું.
મહિલાની લાશ લઈ જઈ રહેલા પોલીસ કર્મીઓ.
પતિએ પોલીસને કહ્યું કે મારી પત્ની પ્રેગ્નન્ટ છે ને PMમાં નવો ઘટસ્ફોટ
પરંતુ પોલીસને હજુ વધુ આંચકા લાગવાના બાકી હતા. ખુદ મૃતક કંચનબેન બળેજાનો પતિ અશ્વિન બળેજાએ હત્યા સમયે પોલીસને કહ્યું હતું કે તેની પત્ની સગર્ભા છે. પરંતુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં એક નવો જ ઘટસ્ફોટ થયો હતો. કંચનબેનના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે તેઓ સગર્ભા નહોતા. જેથી પોલીસ પણ ગોથે ચડી ગઈ હતી.
ઘરના CCTV બંધ કર્યા બાદ ફરી ચાલુ કરતા મૃતક છરી લૂછતો ઝડપાયો
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કંચનબેનની હત્યા તે ગુમ થઇ હતી તે જ દિવસે એટલે 4 એપ્રિલના રોજ થઇ હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ પોલીસે ત્રિકમ ઉર્ફે મુન્નાના ઘરમાંથી CCTV કેમેરાના ડીવીઆર કબ્જે કર્યા હતા. જેની તપાસ કરતા કંચનની હત્યા અગાઉ તેણે અનેક વખત ઘરના CCTV કેમેરા બંધ કર્યા હોવાનું સામે આવ્યું હતું. જો કે હત્યા બાદ તેણે સીસીટીવી કેમેરા ચાલુ કર્યા હોવાથી તે હત્યામાં વપરાયેલી છરી સાફ કરતો હોવાનું ફુટેજમાં સામે આવ્યું હતું. આમ બુટલેગરે મહિલાની ગળાના ભાગે છરીના ઘા મારી હત્યા કરી તે જ રીતે પોતે આત્મહત્યા કરી હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું છે.
હત્યા અને આત્મહત્યામાં કેવા કેવા સવાલો ઉઠે છે?
હાલ આત્મહત્યા અને હત્યા ગણાતા કેસમાં અનેક સવાલો ઉદ્દભવી રહ્યા છે. જો કંચનબેન અને બુટલેગર વચ્ચે ઝઘડાઓ થતા હોય તો લાશ તેમના ઘરમાંથી કેવી રીતે મળે? કંચનબેન આંગણવાડીએ જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ પાડોશીના ઘરમાં કેવી રીતે પહોંચ્યા? કંચનબેનના પતિએ પોલીસને પત્ની પ્રેગ્નન્ટ હોવાનું જણાવ્યું પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. દોલતગઢ ગામે પિયર ધરાવતી કંચનની હત્યા શા માટે કરવામાં આવી? આ સવાલોના જવાબ જાણવા માટે દિવ્ય ભાસ્કરે પોલીસ ઇન્સપેક્ટર એસ.ડી.સાળુંકે અને મૃતક કંચનબેનના પતિ અશ્વિન બળેજા સાથે વાતચીત કરી હતી.
પોરબંદર કમલાબાગ પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર એસ.ડી.સાળુંકે.
શું બન્ને વચ્ચે પ્રેમ સંબંધો હતા?
આ અંગે પોરબંદર કમલાબાગ પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર એસ.ડી.સાળુંકેએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મૃતક મહિલા કંચનબેન બળેજા ગુમ થયા બાદ એના પરિવારજનોને બુટલેગર ત્રિકમ ઉર્ફે મુન્ના ચાવડા પર શંકા હોવાથી પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી હતી. પરંતુ ત્રિકમ ચાવડાના ઘેર તાળું લટકતું હોવાની સાથે એનો ફોન પણ બંધ આવતા અમે શંકાના આધારે મામલતદારને સાથે રાખી એના ઘરનું તાળું તોડતા ઘરમાંથી મૃતક કંચનબેનની લાશ ગળું કપાયેલી હાલતમાં મળી આવી હતી. જ્યારે કંચનબેનના પતિ અશ્વિન બળેજાએ પોલીસ ફરીયાદમાં પત્ની સગર્ભા હોવાનું જણાવ્યું હતુ. પરંતુ ફોરેન્સિક રિપોર્ટમાં એ સગર્ભા ન હોવાનું બહાર આવ્યું હતુ. ત્યાર બાદ વધુ તપાસ હાથ ધરતા એ સગર્ભા નહીં પણ ગર્ભધારણ કરવા માટેની દવા કરાવતી હોવાનું બહાર આવ્યું હતું અને એ દિવસે(4 એપ્રિલ, 2023)એ પોતાના ઘેર આંગણવાડીમાં દવા લેવા જવાનું કહીને નીકળી હતી. તેઓ લાપતા બન્યા બાદ આખો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. બીજી બાજુ પોલીસ તપાસમાં મૃતક ત્રિકમ ચાવડાની પત્નિએ પોલીસને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે, તેમના મૃતક પતિ અને મૃતક મહિલા કંચનબેન વચ્ચે પ્રેમ સંબંધ હતો. પરંતુ હાલ તેઓ મૃતક ત્રિકમ ચાવડાની અંતિમવિધિમાં હોવાથી એમનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ લેવાનું બાકી છે. જ્યારે આ અંગે ચોટીલા પોલીસે અમને મૃતક ત્રિકમ ઉર્ફે મુન્ના ચાવડાએ ચોટીલા મંદિર પાસે છરી વડે જાતે ગળું કાપી આપઘાત કર્યો હોવાનું જણાવ્યું છે. હાલ પોલીસ દ્વારા આ કેસની સઘન તપાસ ચાલુ છે.
જ્યારે આ અંગે મૃતક મહિલાના પતિ અશ્વિનભાઈ બળેજાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હાલ તેઓ પત્નિની અંતિમવિધિમાં મહેમાનો આવતા હોવાથી હાલ આ બાબતે કંઇ પણ કહી શકવાની સ્થિતિમાં નથી એમ જણાવીને મોબાઇલ ફોન કટ કરી દીધો હતો.
મૃતક કંચનનો પતિ અશ્વિન બળેજા.
‘પાછળથી ઘા કર્યો હોય અથવા ડેલામાં ખેંચી લીધી હોય શકે’
ઘટના બહાર આવી તે દિવસે મૃતક કંચનના પતિ અશ્વિને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એના ઉપર તો મને શંકા હતી. મને પોલીસે કહ્યું કે પાક્કું તો મેં કહ્યું કે પાક્કું ન કહી શકું, કારણ કે અમારા બન્નેને ભાઈઓ જેવું બને. અમારા ઘરના અને એના ઘરનાને જામે જ નહીં અને મારી ઘરવાળીનો તો એ ખાસ દુશ્મન હતો. એના ઘરમાંથી લાશ મળે તો એ જ હોય ને. જ્યારથી મારા ઘરના ગુમ થયા ત્યારથી જ એ ગુમ થયો. એના ફેમિલીના બધા સભ્યોના ફોન બંધ, એકેયનો ફોન ચાલુ નહોતો. બીજું કોઈ કારણ નથી પણ મારી ઘરવાળી તેની સામે નમતી નહીં એની વધુ ખીજ ચડતી. મારી ઘર વાળી મને એની સાથે જવાની ના પાડે તો હું ના જતો. મારા જ ભાઈને ધમકી આપી હોય કે શું થયું પણ બારમાં મહિનામાં જ પાછળના વાળામાં ગળેફાંસો ખાય લીધો હતો. જ્યારે એક વાણિયાના ભાઈને ધમકાવતો હતો તો તેમણે કુતિયાણાના બસ સ્ટેશનમાં દવા પી લીધી હતી. મારા ઘરના કહેતા કે તે એકલો હોય ત્યારે મારી સામે કતરાતો હતો. મારી ઘરવાળીને એનો સ્વભાવ ન ગમતો. મારી ઘરવાળી એમના કબ્જામાં આવે જ નહીં, દગામાંથી ઘા કરેલો છે, આસપાસ કોઈ ન હોય ને દરવાજો ખુલ્લો રાખ્યો હોય અને તેણે સીસીટીવીમાંથી જોયું હોય કે આ જાય છે અને પાછળથી ઘા કર્યો હોય અથવા ડેલામાં ખેંચી લીધી હોય શકે.
આ અંગે પોરબંદર સિટી ડીવાયએસપી નીલમબેન ગોસ્વામીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મૃતક ત્રિકમ ચાવડા કમલાબાગ પોલીસ મથકનો લિસ્ટેડ બુટકેગર હતો. એના પર પ્રોહીબિશનના અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ મુન્નાના ઘરે મામલતદારની હાજરીમાં તાળું ખોલી તપાસ કરતા ઘરેથી ગુમ થયેલી કંચનબેન બળેજાનો તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોય તેવો મૃતદેહ મળી આવ્યો હતો.