10 કલાક પહેલા
- કૉપી લિંક
ચાંદીમાં શાનદાર તેજી
ચાંદીમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. બુધવારે પ્રથમ વખત પ્રતિ કિલો રૂ. 75,365 સુધી પહોંચી હતી. જો કે, તે 74,940 રૂપિયા પર બંધ થઈ હતી. અગાઉ 7 ઓગસ્ટ 20ના રોજ ભાવ 75,013 રૂપિયા પર પહોંચ્યો હતો. એટલે કે 977 દિવસ પછી ચાંદી ફરી 75 હજારને પાર થઈ ગઈ છે. અગાઉ 5 એપ્રિલ 23ના રોજ સોનું પણ 60,781 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ લેવલે પહોંચ્યું હતું. આ વર્ષમાં અત્યાર સુધીમાં ચાંદી પ્રતિ કિલો રૂ. 6,591 અને સોનું પ્રતિ દસ ગ્રામ રૂ. 5,450 મોંઘું થયું છે.એપ્રિલના છેલ્લા 10 દિવસમાં (3-12 એપ્રિલ) ચાંદીમાં પ્રતિ કિલો રૂ. 3,240 અને સોનું પ્રતિ દસ ગ્રામ રૂ.898 સુધી ઊછળ્યું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન મુજબ, બુધવારે સોનું રૂ. 60,613 પર બંધ થયું. દેશભરનાં 14 સેન્ટરોમાં સોના અને ચાંદીના લેટેસ્ટ રેટને લઈ તેના સરેરાશના આધારે ભાવ કાઢવામાં આવે છે.

પીએમ મોદીના ગુજરાત પ્રવાસની તારીખ નક્કી
પીએમ મોદીના ગુજરાત પ્રવાસની તારીખ સામે આવી છે. 26 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્ર – તમિલ સંગમ કાર્યક્રમના સમાપન સમારોહમાં હાજરી આપશે. 17 એપ્રિલે રક્ષામંત્રી રાજનાથ સિંહ અને તમિલનાડુના રાજ્યપાલ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. જુદાં જુદાં રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. તો આ સાથે જ આજે 13મી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટો ધડાકો કર્યો છે, પીએમ મોદીએ એક વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે દેશમાં લગભગ 71 હજાર યુવાઓને નોકરી માટેના એપૉઇન્ટમેન્ટ લેટર આપ્યા છે. આ જૉબ ઓફર લેટરનું વિતરણ પીએમ મોદી રોજગાર મેળા અંતર્ગત કરવામાં આવ્યું છે. આ સાથે પીએમ નરેન્દ્ર મોદી આમાં નિયુક્ત થનારા યુવાઓને પણ સંબોધિત કર્યા હતા.

રાહુલ ગાંધી માનહાનિ કેસ
રાહુલ ગાંધી માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા કરી છે. તેમજ તેમનું સંસદ પદ પણ રદ કરવામાં આવ્યું છે. આથી રાહુલ ગાંધીએ સ્ટે ઓફ કન્વિક્શનની અપીલ કરી હતી. જેનું કોર્ટમાં આજે હિયરિંગ હતું. બચાવ પક્ષ દ્વારા માનહાનિ કેસમાં વિવિધ જજમેન્ટના આધારે દલીલ કરવામાં આવી હતી. કોર્ટે ફરિયાદી અને બચાવ પક્ષની દલીલો સાંભળી હતી. રાહુલ ગાંધીની લીગલ ટીમે આજે દાખલ કરાયેલા નવા દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરી જવાબ આપવા સમય માગ્યો હતો. પરંતુ ફરિયાદી પક્ષના વકીલે વિરોધ કરતા જણાવ્યું હતું કે, તો પછી આ રીતે કોર્ટનો સમય કેમ બગાડવો? જો કે, કોર્ટે 20 એપ્રિલે ચુકાદો સંભળાવવામાં આવશે તેવું જાહેર કર્યું છે. ફરિયાદી પક્ષના વકીલના પ્રશ્ન સામે રાહુલ ગાંધીના વકીલ ચિમાએ દલીલ કરતા જણાવ્યું હતું કે, મારા અસીલ ગાંધીએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે, તેઓ તેમના દેશવાસીઓને પ્રેમ કરે છે અને તેમની વચ્ચે ભેદભાવ રાખતા નથી. તેમનું કહેવું છે કે, ફરિયાદી કે અન્ય કોઈને દુઃખ પહોંચાડવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો. પરંતુ પીએમ વિરુદ્ધ ભાષણ કર્યું હતું. અહીં અહંકાર ક્યાં છે? વધુમાં જવાબ આપતા ટોલિયા દ્વારા કરવામાં આવેલી મોટાભાગની દલીલો વારંવાર સમયનો વ્યય કરે છે.

ધવલસિંહ ઝાલાનો યુ ટર્ન
ગુજરાત વિધાનસભામાં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવાની આશાઓ ઘણા બધાને બંધાઈ હતી. 4000થી વધુ દાવેદારોએ ટિકિટ માગી હતી અને ટિકિટ હતી 182, જેના કારણે ઘણા નારાજ થયા હતા. નારાજ થઈ અને બાયડના ધવલસિંહ ઝાલાએ ભાજપમાંથી રાજીનામું ધરી અને અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ત્યારે હવે ધવલસિંહ ભાજપના ખેસ સાથે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પહોંચ્યા છે. તાજેતરમાં યોજાયેલ વિધાનસભા સત્ર પહેલાં બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ થોડીવારમાં રાજ્યપાલને મળ્યા હતા. ત્રણેય અપક્ષ ધારાસભ્યોએ આ બાદ ભાજપને ટેકો જાહેર કર્યો છે. ત્રણેય ધારાસભ્યો પહેલા ભાજપમાં જ હતા પરંતુ પક્ષમાંથી ટિકિટ ન મળતા બળવો કરીને અપક્ષથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.ઉલ્લેખનીય છે કે જ્યાં ભાજપના પ્રદેશ પ્રમુખે ચૂંટણી પહેલા જ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જે નેતાઓ નારાજ થઈને ભાજપની સામે પડ્યા છે તેમને ભાજપમાં નહીં લેવાય, જીતશે તો પણ તેઓને ભાજપમાં નહીં લેવાય. હવે ધવલસિંહ ભાજપમાં આવી ગયા છે. ત્યારે જોવાનું રહ્યું પાટીલ સ્વીકારે છે કે નહીં?
એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કર્યો હુમલો
ગુજરાતમાં મહિલા-દીકરીઓ સુરક્ષિત હોવાની વાતો કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા તો તદ્દત વિપરીત જ છે. રાજ્યમાં કોણ જાણે શું થઇ રહ્યું છે. દરરોજ છેડતીના બનાવો સામે આવી રહ્યા છે. ચકચારી ગ્રીષ્મા હત્યાકેસ હજી તો ભુલાયો નથી ત્યાં જ વધુ એક આવી જ ઘટના બનતા રહી ગઇ. અમદાવાદમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કિશોરી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા સનસનાટી મચી ગઈ છે. કિશોરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેને ગળાના ભાગે 35 જેટલા ટાંકા આવ્યા છે. હાલ પોલીસ દ્વારા હુમલો કરનારા યુવકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી સગીરા ગઈકાલે સાંજે શાકભાજી લેવા માટે ઘરેથી નીકળી હતી. આ દરમિયાન ભરત બોડાણ નામના 35 વર્ષીય યુવકે તેનો પીછો કરીને તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમા સગીરાને ગંભીર ઈજા થતાં તેને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અંગેની જાણ થતાં પોલીસની ટીમ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. સગીરાના પરિવારે ભરત બોડાણ નામના યુવક સામે ફરિયાદ નોંધાવી છે.

ધંધાકીય હરીફાઇમાં દુકાનમાં બોમ્બ બ્લાસ્ટ કરાયાનો ખુલાસો
રાજકોટમાં મોબાઇલની દુકાનમાં લાગેલી આગના કેસમાં મોટો ખુલાસો થયો છે. તપાસમાં ધંધાકીય હરીફાઇમાં દેશી બોમ્બ બનાવીને બ્લાસ્ટ કરાયો હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ યુટ્યૂબ ઉપરથી વીડિયો જોઇને ટાઇમર બોમ્બ બનાવ્યો હતો. થોડા દિવસ અગાઉ મોબાઇલની દુકાનમાં બ્લાસ્ટ થયો હતો. જે મહિલાએ પાર્સલ મૂક્યું હતું તેની અટકાયત કરતા સમગ્ર હકીકત સામે આવી છે. પોલીસે મહિલા સહિત 3ની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આવેલી એક મોબાઈલ એસેસરીઝની દુકાનમાં ગત 06 એપ્રિલના રોજ બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના બની હતી. જેમાં મોડી સાંજના સમયે એક અજાણી મહિલા મોબાઈલનું કવર લેવા માટે આવી હતી, જે એક પાર્સલ મૂકીને જતી રહી હતી. વધુ સમય વીતવા છતાં મહિલા પરત આવી નહોતી, જેથી દુકાનમાલિકે પાર્સલ સાચવીને દુકાનમાં રાખી દીધું હતું. જે બાદ મોડી રાત્રે પાર્સલમાંથી અચાનક ધડાકા બાદ આગ ભભૂકી ઊઠી હતી. ફાયરબ્રિગેડે પાણીમારો ચલાવી આગ બુઝાવી હતી, આગની ઘટનામાં દુકાનમાં મોટું નુકસાન થયું હતું. આ સીસીટીવી ફુટેજની મદદથી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે દુકાનમાં પાર્સલ મૂકી દેનારી મહિલા સહિત 3 લોકોની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. મહિલાની પૂછપરછમાં સામે આવ્યું કે, યુટ્યૂબના માધ્યમથી ટાઇમર બોમ્બ તૈયાર કરવામાં આવ્યો હતો.

સાવલીમાંથી ઝડપાયો 4 કિલો ગાંજો
રાજ્યમાંથી અવારનવાર ગાંજા અને ડ્રગ્સ જેવા માદક પદાર્થોનું વેચાણ કરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા પણ આ નશીલા પદાર્થના કારોબારને રોકવા માટે ઘનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એવામાં સાવલી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે સાવલી રોડ પરના મુવાલ ગામ પાસેથી બાઇક ઉપર 4 કિલો ગાંજાનો જથ્થો લઇને પસાર થતા બે યુવાનોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મોડી સાંજે સાવલી પોલીસની પેટ્રોલિંગ ટીમ દ્વારા વડોદરા જિલ્લાના સાવલીમાંથી ગાંજાની હેરાફેરી કરતા બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. સાવલી મેવલી રોડ પરના મુવાલ ગામ પાસે સાવલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન સાવલી તરફ પૂરપાટ પસાર થતી શંકાસ્પદ બાઇકને પોલીસે અટકાવી હતી. પોલીસે બાઈક ચાલકોને અટકાવતા જ બાઈક સવાર બંને યુવાનોના હોશ ઊડી ગયા હતા. બાઈક ચાલકો ગભરાઇ ગયેલા જણાતા પોલીસે બંને યુવાનોની તપાસ કરી હતી. જેમાં બાઈક સવાર દેવગઢ બારિયાના સાલિયા ગામના પ્રવીણ મણિલાલ બારિયા પાસેથી પ્રતિબંધિત શંકાસ્પદ 4.705 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
