રાજકોટએક કલાક પહેલા
- કૉપી લિંક
મુળ સંતરામપુરના અને હાલ વડીયાના લુણીધાર ગામે પાંચ વર્ષથી પોસ્ટમેન તરીકે ફરજ બજાવતાં રાકેશ શંબુરભાઈ ચારેલા (ઉ.વ.26) પાંચ મહિના બાદ તેમની બહેનના લગ્ન હોઈ જેથી તેના કપડાની ખરીદી સાથે તેની સાથેના ગ્રામીણ ડાક સેવક તરીકે ફરજ બજાવતાં મુળ દાહોદના ધર્મેશ સુરસીંગ હઠીલા (ઉ.વ.25) સાથે બાઈકમાં સવાર થઈ રાજકોટ ખરીદી માટે આવ્યા હતાં. ગઈકાલે બપોરે ખરીદી પુરી કરી બંન્ને રાજકોટથી લુણીધાર જવા માટે બાઈકમાં પરત ફરતા હતાં. ત્યારે મેતાખંભાળિયા અને દેરડીકુંભાજી વચ્ચે રોડ પર ઉભેલા ખુંટીયા સાથે બાઈક અથડાઈને ડીવાઈડરમાં અથડાતા બંન્ને યુવકોને ગંભીર ઈજા પહોંચતા બનાવ સ્થળે એકઠા થયેલા લોકોએ ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં ટુંકી સારવારમાં પોસ્ટમેન રાકેશનું મોત નિપજયું હતું. બનાવ અંગે સિવિલ ચોકીનાં સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરી હતી. મૃતક અપરિણીત હતો બનાવથી પરીવારમાં કલ્પાંત છવાયો હતો.
પતિ પત્નીનો સજોડે કારખાનાની ઓરડીમાં આપઘાત
મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલ રાજકોટમાં વિરાણી આઘાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા બેરિંગ બનાવવાના કારખાનામાં આવેલી ઓરડીમાં રહેતા ગુલશનકુમાર વિનોદ કુમાર ચૌહાણ (ઉ.વ.21) અને તેમના પત્ની સાવિત્રીબેન ગુલશનકુમાર (ઉ.વ.19) બંને સજોડે કારખાનાની ઓરડીમાં જ દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લેતા બંનેના મોતની નિપજ્યા હતા. બનાવ અંગે ભક્તિનગર પોલીસ મથકને જાણ કરવામાં આવતા પોલીસે તુરંત ઘટના સ્થળે પહોંચી જઈ બંનેના મૃતદેહને સરકારી હોસ્પિટલે પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યા હતા. બંનેના લગ્નને હાલ 10 મહિના થયા છે તેમજ સાવિત્રી ઉત્તરપ્રદેશથી 20 દિવસ પહેલા જ રાજકોટ આવી હતી.
ચા બનાવવા બાબતે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી
ગુલસનના માતા ઈસુબેન આજે સવારે દૂધ લેવા ગયા હતા અને પરત ફરતા તેઓને માલુમ પડ્યું કે તેમનો પુત્ર ગુલશન અને પુત્રવધુ સાવિત્રી બંને લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ ગઈકાલે ઘરે હતા. ત્યારે ચા બનાવવા બાબતે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી તેમજ અવારનવાર નાની-નાની બાબતે પણ ઝઘડાઓ થતા રહેતા હતા. જેનાથી કંટાળી બંનેએ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં સેમ આવ્યું છે. મૃતક ગુલશન બે ભાઈ એક બહેનમાં મોટો હતો અને પોતે મજૂરીકામ કરતો હતો. દંપતીના સજોડે આપઘાતથી પરિવારમાં શોક છવાયો છે.
શંકાસ્પદ પાંચ મોબાઈલ ફોન સાથે બે શખસોને દબોચ્યા
રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ બાતમીના આધારે લક્ષ્મીનગર મેઈન રોડ પર અશોક ગાર્ડન નજીક ઉભેલા અશોક પુના પરમાર (ઉ.વ.25) અને શાંતિ બાવસંગ કારડીયા (ઉ.વ.27)ની પાસે રહેલ મોબાઈલ ફોન અંગે તપાસ કરતાં તેની પાસે કોઈ આધાર-પુરાવા ન મળતા શંકાસ્પદ પાંચ મોબાઈલ ફોન રૂપિયા 5500ના મુદ્દામાલ સાથે બંન્ને શખસોને દબોચી વધુ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા પુછપરછ હાથ ધરી છે.
મેચ પર સટ્ટો રમડતા બે શખસોની ધરપકડ
રાજકોટ શહેરના માલવિયા પોલીસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે કાલાવડ મેઈન રોડ પર નકલંક હોટલની બાજુમાં ફાસ્ટફુટની દુકાન ચલાવતો શખસ અન્ય શખસને બોલાવી કિક્રેટમેચ પર સટ્ટો રમાડતો હતો. દરોડો પાડી ફાસ્ટફુડના ધંધાર્થી રૂપેશ બળવંત રાજા (ઉ.વ.23) તેની સાથેના વેપારી દેવ પરેશ ઠાકર (ઉ.વ.21) ને અટક કરી તેના મોબાઈલ ફોન ચેક કરતાં તેમાં ક્રિકેટઝોન નામની એપ ખોલી આઈપીએલની દિલ્લી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડીયન્સની મેચ પર સટ્ટો રમતો હોવાનું ખુલતાં બંન્ને શખસોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ટ્રેકટર અચાનક પલટી મારી જતા આધેડનું મોત
રાજકોટ શહેરના લાપાસરી ગામે આવેલી શીવાબાપાની વાડીએ ખેતમજૂરી કરતા હરસુખભાઈ કાળાભાઈ ટીડીયા નામના 48 વર્ષના આધેડ આજે સવારના સમયે વાડીમાં ટ્રેકટર ચલાવતા હતા. ત્યારે ટ્રેકટર અચાનક પલટી મારી જતા હરસુખભાઈ ટ્રેકટર નીચે દબાઈ ગયા હતા અને શરીરે ગંભીર રીતે ઇજાઓ થતા હરસુખભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તેમના મૃતદેહને તુરંત સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તેઓ ત્રણ ભાઈ એક બહેનમાં મોટા હતા તેમને સંતાનમાં બે પુત્ર એક દીકરી છે. હરસુખભાઈના મોતથી પરિવારમાં શોક છવાયો છે.
ટ્રાવેલ્સ ઓફિસમાંથી 2.64 લાખ રૂપિયાની તસ્કરી
રાજકોટ શહેરમાં તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે અને પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. એટલું જ નહિ ગઈકાલે રાત્રીના શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનથી માત્ર વોકિંગ ડિસ્ટન્સ પર પોલીસ સ્ટેશનથી બાજુમાં માત્ર 100 ડગલે આવેલ વેસ્ટ ગેઇટ કોમ્પ્લેક્ષમાં ત્રીજા માળે તસ્કરોએ બે ક્લિનિક તેમજ એક ટુર્સ ટ્રાવેલ્સ ઓફિસને ટાર્ગેટ બનાવી કુલ 2.64 લાખ રૂપિયાની તસ્કરી કરી નાસી છૂટ્યા છે. હાલ તેને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલ ડ્રીમ સિટીની સામે સોપાન હાઇટસમાં રહેતા તેજસભાઈ દયાલજીભાઈ પારેખ (ઉ.વ.47)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું રૈયા ચોકડી પાસે આવેલ વેસ્ટ ગેઇટ બિલ્ડીંગમાં ત્રીજા માળે બ્લોક નં.345 માં જે.ટી.સી. હોલીડેસ પ્રા.લી. નામે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વેપાર કરું છું. ગઈકાલે સવારના નવેક વાગ્યાની આસપાસ હું મારી ઓફિસે ગયેલ અને મારી ઓફીસ ખોલી મારું રોજનું કામકાજ કરવા લાગ્યો હતો અને ત્યારબાદ દશેક વાગ્યાની આસપાસ મારી ઓફિસમાં આવી ડ્રોવરમા જોયેલ તો મેં મુકેલ રોકડ નાણા રૂ.1,04,000 જેટલા જણાયેલ નહિ. જેથી મેં આજુબાજુમા તપાસ કરતા અમારી બાજુમા આવેલ ડો.રોશન મિસ્ત્રીના ક્લિનિકમાંથી પણ ટેબલના મેઈન ડ્રોવર તથા સાઈડના ડ્રોવરમાંથી આશરે રૂ.1,40,000 ની ચોરી થયેલ હોવાનુ જાણવા મળ્યું હતું. અમારી ઓફીસની લોબી બહાર નીકળતા જાણવા મળેલ કે ડો.જયસુખભાઈ ભરતભાઈ સંતોકી રેઈનબો દાંતનું દવાખાના માં પણ ટેબલના ડ્રોવરના ખાનામાંથી આશરે રૂ.20,000 જેટલી રકમ ચોરી થયેલ હોવાનું જાણવા મળ્યું હતું. આમ ત્રણેયની ઓફીસમાંથી કુલ રોકડ રૂ.2,64,000ની ચોરી થઈ હોવાનું માલુમ પડતા ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.