અમદાવાદ15 મિનિટ પહેલા
- કૉપી લિંક
દેશમાં ગુજરાતથી શરૂ કરીને ઉત્તર પૂર્વીય રાજ્યો સુધી મહત્વના શહેરોને રોડ દ્વારા લિંક કરવા સરકાર દ્વારા ભારત માલા પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. ગુજરાતના સુરત, નવસારી, ગાંધીનગર, બનાસકાંઠા વગેરે જિલ્લાઓમાંથી પણ ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત રોડ પસાર થાય છે.
જમીન સંપાદન યોગ્ય રીતે થતું ન હોવાનો આક્ષેપ
રોડ બનાવવા માટે સરકારે ખેડૂતોની જમીન સંપાદન કાર્ય કરવાનું રહે છે. ગુજરાત સહિત પ્રોજેકટ અંતર્ગતના અન્ય રાજ્યોમાં પણ કેટલાય ખેડૂતો પોતાની ફળદ્રુપ જમીન આપવા તૈયાર થતા નથી તો કેટલાક ખેડૂતોએ જમીન સંપાદન યોગ્ય રીતે થતું ન હોવાનો આક્ષેપ પણ કર્યો છે. ગુજરાતના દાહોદ અને નવસારીમાંથી અગાઉ ખેડૂતોનો અવાજ ઉઠી ચુક્યો છે.
એક્સપ્રેસ હાઇવેથી ખેડૂતોને નુકશાન થઈ રહ્યું છે
ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં પણ આ પ્રોજેકટ મામલે ખેડૂતોએ જાહેર હિતની અરજી ફાઈલ કરી છે. આ અરજી ભારત માલા પ્રોજેકટ અંતર્ગત થરાદ અને અમદાવાદ વચ્ચે એક્સપ્રેસ વે મામલે દાખલ કરવામાં આવી છે. ખેડૂતોએ રજુઆત કરી છે કે જમીન સંપાદન મુદ્દે યોગ્ય અમલવારી થઈ રહી નથી. સરકાર દ્વારા ગેરકાયદે રીતે જમીન સંપાદન કરવામાં આવી રહ્યું છે. એક્સપ્રેસ હાઇવેથી ખેડૂતોને નુકશાન થઈ રહ્યું છે.
આ મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકાર, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને જિલ્લા કલેકટરને જવાબ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. આ મુદ્દે આગામી સુનાવણી 15 જૂનના રોજ હાથ ધરાશે.