પાટણ21 મિનિટ પહેલા
- કૉપી લિંક

ગુજરાતમાં 30 એપ્રિલ સુધી હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. ત્યારે આજે પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ વરસતા ધરતીપુત્રોની ચિંતામાં ફરી એકવાર વધારો થયો છે.

કચ્છમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદી કહેર
હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જિલ્લામાં ત્રણ દિવસથી છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. આજે પણ ભુજ અને અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. અંજારના રત્નાલ ગામે કરા સાથે પોણો કલાક સુધી વરસાદ ખાબક્યો હતો જેને લઈ એક ઇંચ જેટલું પાણી પડી ગયું છે. લોકોએ ગામમાં ચાલતી કથાને લઈ વરસાદ બંધ રહે તે માટે મંદિરમાં આરતી પણ કરી હતી. ત્યારબાદ ઇન્દ્રદેવે જાણે પ્રાર્થના માન્ય રાખી હોય તેમ વરસાદ બંધ થયો હતો.

પાટણના હારીજ યાર્ડમાં ખુલ્લામાં પડેલો માલ પલળ્યો
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના વાતાવરણમાં આજે બપોરના સમયે અચાનક પલટો આવ્યો હતો. અહીં ભારે પવન સાથે વરસાદ વરસતા હારીજ માર્કેટિંગ યાર્ડમાં અફરાતફરી મચી હતી. હારીજ માર્કેટીંગ યાર્ડમાં હરાજી માટે આવેલી 4500થી વધુ બોરી એરંડા સહિતના પાકોની આવક થઈ હતી. જેમાં 2500થી વધુ બોરી ધોધમાર વરસાદના કારણે પલળી જતા વેપારીઓ અને ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

બનાસકાંટાના ધાનેરામાં કરા સાથે વરસાદ
બનાસકાંઠા જિલ્લાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં આજે કરા સાથે વરસાદ વરસ્યો હતો. ધાનેરા, બાપલા, કુંડી, વાછોલ, માંડલ સહિતના ગામડાઓમાં ગાજવીજ અને કરા સાથે માવઠું થતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.

મહેસાણાના જોટાણામાં રસ્તાઓ પર પાણી વહેતા થયા
ઉત્તર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠા ઉપરાંત મહેસાણાના જોટાણામાં પણ માવઠું થયું હતું. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા. આકરી ગરમી વચ્ચે વરસાદ વરસતા લોકોએ તો ગરમીમાં રાહત અનુભવી હતી. તો બીજી તરફ માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
0 comments:
Post a Comment