- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Road Blocked From Nawagam Pumping Station To Vasant Bhikhani Wadi In Varachha Due To Drainage Work, Causing Inconvenience To Motorists
સુરત41 મિનિટ પહેલા
- કૉપી લિંક

સુરત મહાનગર પાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા વરાછા ઝોનમાં સમાવિષ્ઠ નવાગામ પંપીંગ સ્ટેશનથી વસંત ભીખાની વાડી સુધીના વિસ્તારમાં રાઈઝીંગ મેઈન નાખવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવતાં આ વિસ્તાર વાહન ચાલકો અને રાહદારીઓ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. એક પખવાડિયા કરતાં વધુ સમય સુધી ચાલનારી આ કામગીરીને પગલે પાલિકાના વહીવટી તંત્ર દ્વારા વાહન ચાલકોને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા સુચના આપવામાં આવી છે.
વાહન ચાલકોની હાલત દયનીય
શહેરમાં એક તરફ ઠેર – ઠેર મેટ્રોની કામગીરીને કારણે રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ હવે ડ્રેનેજ વિભાગ દ્વારા પણ આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને વિકાસ કામગીરી હાથ ધરવામાં આવતાં વાહન ચાલકોની હાલત દયનીય થવા પામી છે. શહેરના વરાછા ઝોન વિસ્તારમાં આવેલા નવાગામ પંપીંગ સ્ટેશનથી વસંત ભીખાની વાડી સુધીમાં મેઈન લાઈનની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આખો રસ્તો 16 દિવસ સુધી વાહન વ્યવહાર માટે બંધ
આ સિવાય આ વિસ્તારમાં અન્ય સર્વિસ લાઈનોને પણ શિફ્ટ કરવાની કામગીરીને પગલે આખો રસ્તો 16 દિવસ સુધી વાહન વ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહાનગર પાલિકા દ્વારા આ વિસ્તારમાંથી પસાર થતાં વાહન ચાલકોને એલઆઈસી સર્કલથી લંબે હનુમાન તરફ જતાં રસ્તાને બદલે પ્રાઈમ સ્ટોરથી નંદેશ્વરી સોસાયટી થઈ વરાછા ઝોન ઓફિસ રોડનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે.
અન્ય રસ્તાનો ઉપયોગ કરવા સૂચના
આ સિવાય સુરત – કામરેજ રોડથી સેન્ટ્રલ વેર હાઉસ થઈ નવાગામ પંપીપ સ્ટેશન તરફ જતાં વાહન ચાલકોને સાધના સોસાયટી – લક્ષ્મી નારાયણ સર્કલ (માતાવાડી) થઈને રંગ અવધૂત ચોકના રસ્તાનો ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું છે.