અમદાવાદ5 કલાક પહેલા
- કૉપી લિંક
અમદાવાદ શહેરમાં ચોમાસા પહેલા રોડની કામગીરીને લઈ આજે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં 31 મે પહેલા શહેરમાં જેટલા રોડ બનાવવાના બાકી છે, તેને પૂર્ણ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીમાં કેટલા રોડ બનાવવાના બાકી છે? અને કેટલા મેટ્રિક ટનની કામગીરી થઈ છે? તથા ચોમાસા પહેલા રોડની પૂર્ણ થાય તે મામલે ચર્ચા કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, જૂન મહિનામાં ચોમાસું શરૂ થાય છે ત્યારે 31 મે પહેલા તમામ રોડ બનાવવાની કામગીરી પૂર્ણ કરવા માટે સુચના આપવામાં આવી છે.
વ્હાઈટ ટોપીંગ રોડનાં ટેન્ડર ન આવતા ચેરમેન અકળાયા
80.5 કિમી વિસ્તારમાં 127 જેટલા રોડ બનાવવાના બાકી છે. તેને ઝડપથી પૂર્ણ કરવા માટે જણાવવામાં આવ્યું છે. દરરોજના 5000 મેટ્રિક ટન ડામરનો ઉપયોગ કરી અને જો કામગીરી કરવામાં આવે તો જે રોડ બનાવવાના છે તે પૂર્ણ થઈ શકે તેમ છે. ઝડપથી રોડ પ્રોજેક્ટની કામગીરી કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ચાલુ વર્ષે બજેટમાં જે વ્હાઇટ ટોપીંગ રોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેના ટેન્ડર આવ્યા નથી. હજી સુધી ટેન્ડર ન આવતા તેને લઈને આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અકળાયા હતા અને તેઓએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે, હજી સુધી કેમ ટેન્ડર અપલોડ કરવામાં આવ્યા નથી?
ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત રહેશે
આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં કોરોનાકાળ દરમિયાન જે ઓક્સિજન પ્લાન્ટ મૂકવામાં આવ્યા હતા તે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત રહે અને ઉપયોગી થાય તેના માટેની ચર્ચા કરવામાં આવી હતી. દર્દીઓને ઓક્સિજન આપવાની જરૂરિયાત રહે છે તે ઓક્સિજનની બોટલ હાલમાં કોર્પોરેશન દ્વારા બહારથી ભરી લાવવામાં આવે છે ત્યારે આ ઓક્સિજનની બોટલો ઓક્સિજન પ્લાન્ટમાંથી જ ભરી અને ઉપયોગમાં લેવામાં આવે તેમ સૂચન કરવામાં આવ્યું હતું.
1 હજારથી 5 હજાર લિટરનાં પ્લાન્ટ કાર્યરત
કોરોનાકાળ દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં 1000 લિટરથી લઈ અને 5000 લિટર સુધીના ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. હાલમાં કોરોનાના કેસો એટલા ગંભીર નથી આવતા કે વ્યક્તિને ઓક્સિજનની જરૂર પડે. ઓક્સિજન પ્લાન્ટનો યોગ્ય ઉપયોગ થાય તેના માટે હવેથી હોસ્પિટલમાં દર્દીઓ માટે ઓક્સિજન બોટલોનો ઉપયોગ લગાવેલા ઓક્સિજન પ્લાન્ટમાંથી જ કરવા માટે જણાવવામાં આવ્યું હતું.
ડ્રેનેજનાં કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચન
વધુમાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરમાં વધતી ગરમીને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે હીટ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે, તેને લાગુ કરવા માટે અને તેનું અમલીકરણ કરાવવા માટેની સૂચના આપવામાં આવી હતી. શહેરના જે નવા વિસ્તારો મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ભળ્યા છે ઉપરાંત જ્યાં પણ ડ્રેનેજની સમસ્યા છે તે ઝડપથી પૂર્ણ કરવા આદેશ કરવામાં આવ્યો છે જે પણ ડ્રેનેજના કામો બાકી છે તે બજેટના કારણે ઉભા ન રહે અને ઝડપથી કામગીરી પૂર્ણ થાય તેની સૂચના આપવામાં આવી છે.
કોર્પોરેશનનાં પ્લોટમાં દિવાલ અને ફેન્સીંગ કરવાની સૂચના
શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ આવેલા છે. આ તમામ પ્લોટોમાં દિવાલ અને ફેન્સીંગ કરવા માટેની સૂચના આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં આપવામાં આવી હતી. કોર્પોરેશનના પ્લોટ ખુલ્લા હોવાના કારણે ત્યાં દબાણ થઈ જાય છે અને ત્યારબાદ કોર્પોરેશનના દબાણો ખાલી કરાવવા પડે છે જેથી દબાણો દૂર કરવાની પ્રક્રિયાના કરવી પડે અને ત્યાં દબાણ ન થાય તેના માટે થઈને દિવાલ અને ફેન્સીંગ કરવા સૂચના આપી છે.