ભુજમાં મુખ્યમંત્રીના હસ્તે ભૂકંપ અસરગ્રસ્તોને સનદ અને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરાયા | Sanad and property cards were distributed to the earthquake affected by the Chief Minister in Bhuj | Times Of Ahmedabad

કચ્છ (ભુજ )4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કચ્છ મુલાકાતે આવ્યા છે. મુખ્યમંત્રી દ્વારા આજે કચ્છ જિલ્લાના ભૂકંપ અસરગ્રસ્તોને સનદ અને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમ ભુજના ટાઉનહોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મંચ પરથી પ્રતિકરૂપે 20 લાભાર્થીઓને મુખ્યમંત્રીના હસ્તે સનદ અને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સનદ વિતરણ કાર્યક્રમમાં પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોનું અભિવાદન ઝીલતા જણાવ્યું હતું કે, આજે મોટા પ્રશ્નનું નિરાકરણ આવ્યું છે જેથી સૌ માટે આનંદની ક્ષણ છે. ભૂકંપ પછીની પરિસ્થિતિ એવી હતી કે કચ્છ બેઠું થશે કે નહીં તે પણ એક પ્રશ્ન હતો. જોકે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કચ્છ પ્રત્યે અનન્ય પ્રેમ રહ્યો છે. વડાપ્રધાને કચ્છ માટે જે પણ કરવું પડે તે કરીને આજે કચ્છને બીજા જિલ્લાઓ સમકક્ષ, ઝડપથી વિકાસ કરતું બનાવ્યું છે. કચ્છમાં ભૂકંપ બાદ સરકારના પ્રયત્નોથી અનેક વેપાર ઉદ્યોગો આવ્યા છે. પાણી સહિત વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત સરકારે સૌથી વધારે નાણાં કચ્છ જિલ્લા માટે ફાળવ્યા છે.

મુખ્યમંત્રીએ તાજેતરમાં યોજાયેલા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમનો ઉલ્લેખ કરીને કહ્યું કે, આ સ્વાગત કાર્યક્રમ વર્ષ 2003માં વડાપ્રધાને શરૂ કર્યો હતો. પ્રજાના પ્રશ્નો અને મુશ્કેલીઓને વાચા આપતો કાર્યક્રમ એટલે સ્વાગત કાર્યક્રમ છે. સ્વાગત ઓનલાઇન કાર્યક્રમથી લાંબા સમયના પડતર પ્રશ્નોનો નિકાલ થયો છે. નાનામાં નાના માણસનો વિચાર કરીને આગળ વધવું તે જ વડાપ્રધાનની કાર્યપદ્ધતિ છે. આ કાર્યપદ્ધતિ પર ગુજરાત સરકારની ટીમ કામ કરી રહી છે.

તેઓએ ઉમેર્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત અનેક લોકોને પોતાના આવાસો મળ્યા છે. કચ્છમાં ધરતીકંપ આવ્યો અને લોકોના ઘર પડી ગયા. પુનર્વસન થકી નવા બનાવેલા મકાનોનું પોતાપણું આજે સનદ દ્વારા પૂર્ણ થયું છે. આજે 14 હજાર લોકોને પોતાના ઘરની સનદ અને પ્રોપર્ટી કાર્ડ મળી રહ્યા છે આ વાતનો તેમને ખૂબ જ આનંદ છે. ભૂકંપના દિવંગતોની યાદમાં બનાવેલા સ્મૃતિવન મ્યૂઝિયમનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે ખૂબ જ સારી રીતે આ મ્યુઝીયમને તૈયાર કરવામાં આવ્યું છે. અહીં ભૂકંપના દિવંગતોના સ્વજનો અને લોકો આવીને એ વખતની કચ્છની ભૂકંપની પરિસ્થિતિનો ખ્યાલ મેળવી શકે છે. ભૂકંપ પછી કચ્છના લોકો અને કચ્છ જે રીતે બેઠું થયું એ સિદ્ધિને બિરદાવતા જણાવ્યું હતું કે, રાખમાંથી પણ બેઠી થાય એવી ખમીરવંતી પ્રજા કચ્છની પ્રજા છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે, સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે ભારતને વિકસિત બનાવવાનો સંકલ્પ લઈને ગુજરાતના વિકાસમાં ભાગીદાર બનીએ.

આ પ્રસંગે કચ્છ સાંસદ વિનોદ ચાવડા, પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, ત્રિકમભાઈ છાંગા, અનિરુદ્ધ દવે, અગ્રણી પૂર્વ રાજ્યમંત્રી વાસણ આહિર, કચ્છ કલેકટર અમિત અરોરા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.‌પ્રજાપતિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Previous Post Next Post