જામનગરએક કલાક પહેલા
- કૉપી લિંક

જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લાલપુર બાયપાસ ચોકડી પાસે ખંભાળિયા બાયપાસથી રાજકોટ બાયપાસ તરફ જઈ રહેલા વાહનોની બે કિલોમીટર સુધી લાંબી કતારો લાગી હતી, તેજ રીતે જામનગર શહેરથી લાલપુર તરફ જવાના માર્ગે પણ વાહનોના થપ્પા લાગ્યા હતા. ખાસ કરીને મસ મોટા ટ્રક કન્ટેનરો, ગેસ અને ઓઇલના ટેન્કરો, તેમજ અન્ય નાના-મોટા માલવાહક વાહનો ઉપરાંત પેસેન્જર વાહનોની હેરાફેરી કરતા છોટાહાથી, ઇકો કાર સહિતના વાહનો ની લાંબી લાંબી કતારો લાગી ગઈ હતી.

આ અંગેની પંચકોષી બી. ડિવિઝન પોલીસને જાણ થતાં કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, અને સતત બે કલાકની જહેમત પછી આખરે વાહન વ્યવહારને પૂર્વવત્ બનાવ્યો હતો. લાલપુર બાયપાસ ચોકડી પર ફલાયઓવર બ્રિજ બનાવવા માટેની લાંબા સમયની માંગ છતાં તંત્રદ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતાં અને જરૂરી ટ્રાફિક બંદોબસ્ત પણ નહીં હોવાના કારણે વારંવાર આવી સમસ્યાઓ સર્જાય છે, અને અનેક વાહનચાલકોએ કલાકો સુધી અટવાયેલા રહેવું પડે છે. જેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સાંજના સમયે કારખાનાઓમાંથી કામદારો છૂટે તે સમયે ખાસ કરીને આ સમસ્યા વિશેષ જોવા મળી રહી છે.

