સુરતમાં SMCની સામાન્ય સભામાં પક્ષ પલટુ કોર્પોરેટરોનો આક્ષેપ, અરવિંદ કેજરીવાલને હિરણ્ય કશ્યપ ગણાવ્યા | Party-turned corporator's outcry for the old party in the meeting, calling Arvind Kejriwal a monster | Times Of Ahmedabad

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક

દેશમાં એકબીજાને ઉતારી પાડવામાં રાજકીય નેતાઓ હદ વટાવી રહ્યા છે. કર્ણાટકમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ વડાપ્રધાનને ‘ઝેરી સાપ’ કહેતાં BJP ધારાસભ્યએ સોનિયા ગાંધીને ‘વિષકન્યા’ કહ્યાં હતાં. તેવામાં હવે સુરતમાં પણ સ્થાનિક સ્તરે રાજકારણ ગરમાયું છે. સુરત મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં સામાન્ય સભાખંડની બેઠક વ્યવસ્થા આ વખતે બદલાતી જોવા મળી હતી આમ આદમી પાર્ટી (AAP)માંથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા 12 કોર્પોરેટરો હવે આપની હરોળમાં નહીં, પરંતુ ભાજપની હરોળમાં બેઠક વ્યવસ્થા ગોઠવાઈ ગયાં હતાં. એટલું જ નહીં, પક્ષ પલટુ કોર્પોરેટર કનુ ગેડિયાએ આપના નેશનલ કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સરખામણી હિરણ્ય કશ્યપ સાથે કરી હતી.

આપના પક્ષ પલટુ નેતાનો પક્ષ પ્રત્યે સભામાં આક્રોશ
સામાન્ય સભા શરૂ થઈ તે પહેલા 0 અવર્સ સ્વતંત્ર ચર્ચાના સમયમાં આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા કોર્પોરેટરોએ સભાખંડમાં આમ આદમી પાર્ટીને પક્ષ પ્રત્યે આક્રોશ ઠાલવ્યો હતો. જે કોર્પોરેટરો અત્યાર સુધી આ સભાખંડમાં આમ આદમી પાર્ટી તરફથી બોલતા હતા, તે જ કોર્પોરેટરો ભાજપમાં જોડાયા બાદ આપના વિરુદ્ધમાં આક્રોશ સાથે બળાપો કાઢ્યો હતો.

હું ઊંઘી લાઈનમાં ચાલતો હતો- ગેડિયા
આપના પક્ષ પલટુ કોર્પોરેટર કનુ ગેડિયા સભાખંડમાં એટલા આક્રોશમાં આવી ગયા હતા અને બોલ્યા હતા કે, અત્યાર સુધી હું ઊંઘી લાઈનમાં ચાલતો હતો હવે વિકાસની ગંગામાં જોડાયો છું. આપના મેનેજરો અમારું શોષણ કરતા હતા. અજ્ઞાનતાની પટ્ટી જ્યાં સુધી આંખ પર હોય ત્યાં સુધી સત્ય દેખાતું ન હતું. અરવિંદ કેજરીવાલની સરખામણી હિરણ્ય કશ્યપ સાથે કરી હતી. ચૂંટણી સમયે પોતે ભગવાન હોય એવા કેજરીવાલે વીડિયો બનાવ્યા હતા અને કાર્યકર્તાઓ પાસે પ્રચાર કરાવ્યો હતો. આમ આદમી પાર્ટીમાં કાર્યકર્તાઓનું શોષણ થાય છે. હવે આ આમ આદમી પાર્ટીમાં સુરતમાં એક પણ ઓબીસી, એસ.સી,એસ ટીનો કોર્પોરેટર રહ્યો નથી, માત્ર પટેલોની પાર્ટી બની ગઈ છે.

કેજરીવાલનો કૃષ્ણ ભગવાન જેવો કોઈ વીડિયો જ નથી: વિપક્ષ નેતા
આમ આદમી પાર્ટી ના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, પક્ષ પલટો કરનાર કોર્પોરેટરોને માત્ર ગુલાબી નોટો જ દેખાય છે. આજે સામાન્ય સભામાં પણ ગુલાબી નોટોનો તેમને ઉલ્લેખ કર્યો છે. તેઓ અરવિંદ કેજરીવાલ માટે જે કૃષ્ણ ભગવાનના વીડિયોની વાત કરી રહ્યા છે, તેવો કોઈ વીડિયો તેમણે બનાવ્યો નથી અને અમે કે અમારા કોઈ કાર્યકર્તાઓએ પ્રચારમાં ઉપયોગ કર્યો નથી. આ માત્ર હવા-હવાઈ વાતો છે.

AAPમાંથી અવાજ ઉઠાવનાર હવે ભાજપના સમર્થનમાં
આમ આદમી પાર્ટીના 12 જેટલા કોર્પોરેટરો પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા છે. ત્યારે આપના કોર્પોરેટરના ભાજપમાં જોડાણ બાદ આજે સુરત મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી. આમ આદમી પાર્ટીમાં અત્યાર સુધી અવાજ ઉઠાવનાર કોર્પોરેટર આજે ભાજપના સમર્થનમાં અને આપના વિરોધમાં અવાજ ઉઠાવશે, જેને લઇ સામાન્ય સભા તોફાની બનવાની શક્યતા સેવાઈ રહી હતી. આ શક્યતાને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. મનપા સિક્યુરિટી ઉપરાંત પોલીસ બંદોબસ્ત અગાઉથી જ ગોઠવી દેવાયો હતો.

બેઠક વ્યવસ્થા બદલાઈ
આમ આદમી પાર્ટીને બાર કોર્પોરેટરો સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ જતાં આજે સામાન્ય સભાની બેઠક વ્યવસ્થા પણ બદલાઈ હતી. અત્યાર સુધી સામાન્ય સભામાં જે કોર્પોરેટરો આમ આદમી પાર્ટીની હરોળમાં બેસતા હતા, તે કોર્પોરેટરો હવે ભાજપ તરફી થઈ જતાં ભાજપના હરોળમાં ગોઠવાઈ ગયા હતા. જેને પગલે નવી બેઠક વ્યવસ્થા કરાઈ હતી. જેને લઇ સભાખંડની બેઠક વ્યવસ્થા બદલવી પડી હતી. કેટલાક સંજોગોમાં અત્યાર સુધી ભાજપના કોર્પોરેટરો જે બેઠક પર બેસતા હતા, તેની બેઠક વ્યવસ્થા પણ બદલવી પડી હતી.

أحدث أقدم