અમદાવાદ24 મિનિટ પહેલા
- કૉપી લિંક

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી. નિગમ) ખાનગીકરણની દિશામાં એક પછી એક ડગ માંડતી જાય છે. હાલ રાજયમાં દોડતી પ્રિમિયમ બસો કોન્ટ્રાકટરોને સોંપી દીધી છે. ત્યારબાદ નિગમના બસ સ્ટેશન પર કાઉન્ટર બુકિંગ તથા કરંટ બુકિંગ કરવા માટે ખાનગી એજન્સીઓની નિમણૂંક કરવાનો નિર્ણય કરાયો હતો. જો કે, પાછળથી નિગમ દ્વારા હાલ પુરતો આ નિર્ણય સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે અંગે 18 એપ્રિલના રોજ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જો કે, કયા કારણોસર નિર્ણય સ્થગિત રાખવામાં આવ્યો છે તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. આમ નિગમને પારોઠના પગલાં ભરવાનો વારો આવ્યો છે.
ટિકિટ બુકિંગ એજન્સી નિમવા માટે ટેન્ડર બહાર પાડ્યા
નિગમના સંચાલક મંડળની ગઇ તા.27-5-2022ના રોજ મળેલી બેઠકમાં નિગમના બસ સ્ટેશન પર કાઉન્ટર બુકિંગ તથા કરંટ બુકિંગ કરવા માટે ખાનગી એજન્સીની નિમણૂંક કરવા બાબતે નક્કી કરવામાં આવ્યું હતું. તેના પગલે ઓનલાઇન ટિકિટ બુકિંગ એજન્સી નિમવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવેલ હતું. હાલ તમામ બસ સ્ટેશન ખાતે નિગમના પોતાના બુકિંગ કાઉન્ટર આવેલા છે અને ત્યાં એક કર્મચારી તથા કોમ્પ્યુટર, પ્રિન્ટર, ઇન્ટરનેટ, વીજળી સહિતના ખર્ચથી મુસાફરોને સુવિધા આપવામાં આવી રહેલી છે.
એજન્સીની નિમણૂંક કરવાની બાબત વિચારણાં હેઠળ
આ સુવિધાને રાજ્ય વ્યાપી બનાવવા અને મુસાફરી જનતાને વધુ લાભ મળે તેમ જ નિગમના ખર્ચમાં પણ ઘટાડો થાય તે હેતુસર નિગમના તમામ બસ સ્ટેશન ખાતે ઓનલાઇન ટિકિટ બુકિંગ માટે સોલ એજન્સીની નિમણૂંક કરવાની બાબત વિચારણાં હેઠળ હતી. ઉપરોક્ત બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં એજન્સીની નિમણૂંક કરાઇ હતી. આ અંગે તા.10 એપ્રિલના રોજ નિગમ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં એજન્સીની નિમણૂંક તથા તેની બુકિંગની કામગીરી અને શરતો દર્શાવવામાં આવી હતી. જે અહીં રજૂ કરી છે.
કઇ એજન્સી નક્કી કરાઇ હતી
- કે. કે. ટ્રાવેલ્સ, કિશોર સી. શાહ, ગીતા નગર, હઝીરા રોડ, અડાજણ, સુરત
- ગોપી સર્વિસીસ, એમ્પાયર બિઝનેસ હબ, શકુન મોલની પાસે સાયન્સ સીટી રોડ, અમદાવાદ
- શ્રી નંદન કુરિયર લીમીટેડ, દેવ અટેલીયર, આનંદ નગર ચાર રસ્તા, અમદાવાદ
એજન્સી તથા પ્રતિ સીટ સર્વિસ ચાર્જ-કમિશન દર
વિભાગ | પાર્ટીનું નામ | સર્વિસ ચાર્જ-કમીશન દર + GST અલગથી |
પાલનપુર | ગોપી સર્વિસીસ | 9.28 |
અમરેલી | કે. કે. ટ્રાવેલ્સ | 9.55 |
વડોદરા | કે. કે. ટ્રાવેલ્સ | 9.64 |
ભાવનગર | કે. કે. ટ્રાવેલ્સ | 9.43 |
ગોધરા | કે. કે. ટ્રાવેલ્સ | 9.05 |
હિંમતનગર | કે. કે. ટ્રાવેલ્સ | 9.75 |
જામનગર | કે. કે. ટ્રાવેલ્સ | 9.50 |
નડિયાદ | કે. કે. ટ્રાવેલ્સ | 9.75 |
સુરત | કે. કે. ટ્રાવેલ્સ | 9.50 |
વલસાડ | કે. કે. ટ્રાવેલ્સ | 9.70 |
અમદાવાદ | શ્રી નંદન કુરિયર | 8.96 |
ભૂજ | શ્રી નંદન કુરિયર | 9.15 |
જૂનાગઢ | શ્રી નંદન કુરિયર | 9.35 |
મહેસાણા | શ્રી નંદન કુરિયર | 9.55 |
રાજકોટ | શ્રી નંદન કુરિયર | 8.96 |
એજન્સીએ દર 15 દિવસે બિલ રજૂ કરવાનું રહેશે
એજન્સી દ્વારા દર 15 દિવસે રજૂ થનાર બિલોનું પેમેન્ટ મધ્યસ્થ કચેરી ખાતેથી કરવાનું રહે છે. તેને અનુલક્ષીને જીએસટી-ટીડીએસ ભરવા બાબતે કરવાની થતી કાર્યવાહી કરવાની રહે. જાહેર રજા તથા તહેવારો દરમિયાન અવિરત બુકિંગ કાઉન્ટર ચાલુ રાખવાના રહેશે.
બુકિંગ માટે ડ્રાઇવર-કડંકટરનો ઉપયોગ બંધ કરાશે
હાલ જે બુકિંગ વિન્ડો પર બુકિંગ કલાર્ક બેસાડવામાં આવે છે તેમની પાસે અન્ય કામગીરી લેવાની રહેશે. ડ્રાઇવર- કંડકટર સંચાલકીય સ્ટાફનો ઉપયોગ તાત્કાલિક અસરથી બંધ કરવાનો રહેશે. બસ કેન્સલ- રદ થાય તેવા કિસ્સામાં રિફંડ કરવા બાબતના કિસ્સામાં પેઢીને લેખિતમાં સૂચના આપવાની રહેશે. પેઢીના કર્મચારીઓ નિયમિત સમયસર હાજર રહે તેમ જ મુસાફરોને અગવડ ન થાય તે મુજબનું શિડયૂલ ગોઠવવાનું રહેશે અને બુકિંગની કામગીરી સારી રીતે ચાલે તે મુજબની કામગીરી કરવાની રહેશે.
કરારની અવધિ ત્રણ વર્ષની રહેશે
આ કરારની અવધિ ત્રણ વર્ષના સમયગાળા તા.1-4-2023થી તા.31-3-2026 સુધીની છે. અને પરસ્પર સમજણથી તેને વધુ બે વર્ષ માટે લંબાવી શકાય છે. પસંદ કરેલી પેઢી દ્વારા તા.15-4-2023થી પોતાને ફાળવણી કરેલ વિભાગ ખાતે કામગીરી ક્રમશઃ શરૂ કરવાની રહે છે.
એજન્સીને નિયમ પ્રમાણે કેન્સલ ટિકિટની રકમ ચુકવાશે
પેસેન્જર દ્વારા ટિકિટ રદ કરવાના કિસ્સામાં એજન્ટ જીએસઆરટીસીના નિયમો મુજબ કોઇપણ ટિકિટ કેન્સલ કરી શકે છે. ટિકિટ કેન્સલ થવા પર એજન્સીને કમિશન ચાર્જ ટેન્ડર અને કરારની શરતો મુજબ આપવામાં આવશે. બસ રદ થવાના તથા વાહનના પ્રકારમાં ફેરફાર થવાના કિસ્સામાં જે ડેપોમાંથી બસ ઉપડે છે તે ડેપોમાંથી અથવા જીએસઆરટીસીના તમામ ડેપોમાંથી રિફંડ કરવામાં આવશે.
માથાદીઠ 2 હજાર રૂપિયા દંડ વસૂલાશે
એજન્ટ જીએસઆરટીસી દ્વારા નિર્ધારિત ભાડા-ભાડાના દર અને આરક્ષણ દરથી વધુ કોઇપણ વધારાની રકમ વસૂલ કરી શકશે નહીં. સેવા-પ્રદાતા પર પ્રતિ દિવસ-ઘટના દીઠ, માથાદીઠ 2 હજાર રૂપિયા દંડ લાદવામાં આવશે. જીએસઆરટીસી દ્વારા કોઇપણ ખર્ચ વિના પ્રિન્ટેડ ટિકિટ પુરી પાડવામાં આવશે. આ ઉપરાંત એજન્સીના દરેક કર્મચારીને યુનિફોર્મ તથા ઓળખ કાર્ડ આપવામાં આવશે. જો બેમાંથી કોઇ એક અથવા બંને વગર કર્મચારી જોવા મળશે તો એજન્સીને પ્રતિ દિવસ-પ્રતિ ઘટનાના માથાદીઠ 2 હજાર રૂપિયાના દરે દંડ વસૂલવામાં આવશે. તે જ રીતે બુકિંગ વિન્ડો સમય કરતાં મોડી અથવા વહેલી બંધ કરવામાં આવે તો પણ દંડ કરવામાં આવશે.
પેઢી મુસાફરોના વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરી શકશે નહીં
એજન્ટે તેની ઓફિસમાં જીએસઆરટીસી દ્વારા જાહેર કરાયેલી બસ ભાડાની વિગતો તથા વિવિધ ડિસ્કાઉન્ટ યોજનાઓ વ્યાપકપણે પ્રદર્શિત કરવાની રહેશે. બુકિંગ એજન્ટે પણ પોસ્ટર, હેન્ડ બિલ, ટીવી જાહેરાતો વગેરે દ્વારા તેમના કાર્યક્ષેત્રમાં વ્યાપકપણે પ્રકાશિત અને જાહેરાત કરવી પડશે. તેના માટેનો ખર્ચ પેઢી દ્વારા ઉઠાવવાનો રહેશે. પેઢી મુસાફરોના વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરી શકશે નહીં.
કોઇપણ કિસ્સામાં જીએસઆરટીસી જવાબદાર નથી
બસો પાછી ખેંચવા અથવા રદ કરવાના કારણે પેઢી દ્વારા ભોગવવી પડી શકે છે તેવા કોઇપણ નુકસાન અથવા બંધ, આંદોલન, અથવા બહારના લોકો દ્વારા તોડફોડ, હડતાલ, યુધ્ધ, પુર, આગ, રમખાણો અથવા કોઇપણ અન્ય કારણોથી થનાર નુકસાન માટે જીએસઆરટીસી જવાબદાર રહેશે નહીં.