અમદાવાદ31 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજ્યમાં રખડતા ઢોરોના ત્રાસના કારણે રોજના અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર દ્વારા રખડતા ઢોર નિયંત્રણ કાયદો લાવવાના હતા, પરંતુ ચૂંટણીના કારણે આ કાયદાને મંજૂરી આપવામાં આવી ન હતી. ત્યારે સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાયદામાં જે જોગવાઈઓ હતી તેને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પોલિસી તરીકે કરવામાં આવનાર હતી. જે હાલ પૂરતી ભાજપના સત્તાધીશોએ શહેરમાં લાગુ નહીં કરવા માટેનો નિર્ણય લીધો છે. ઢોર પોલિસીને મ્યુનિસિપલ કમિશનર દ્વારા રાજ્ય સરકાર સાથે વધુ એક વાર ચર્ચા કરી અને તેમાં ફેરવિચારણા કરી નવી પોલિસી બનાવવા જણાવ્યું છે.
ઢોર નિયંત્રણ મામલે પોલિસી નક્કી કરાઈ નથી
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં રખડતાં ઢોર નિયંત્રણ પોલિસીને ફરી વિચારણા કરી અને બનાવવા જણાવવામાં આવ્યું છે. રાજ્ય સરકાર સાથે મ્યુનિસિપલ કમિશનર ફરી એકવાર ચર્ચા કરવા જાણ કરી છે. હાલ શહેરમાં રખડતાં ઢોર નિયંત્રણ મામલે કોઈપણ પ્રકારની પોલિસી નક્કી કરાઈ નથી.
પોલિસીમાં માત્ર બેથી ત્રણ જ નવી બાબતોનો સમાવેશ
નવી પોલિસી અંતર્ગત શહેરમાં ઢોર રાખવા માટે પશુ માલિકોએ લાયસન્સ લેવું પડશે અને પશુઓ રાખવા માટેની જગ્યા નક્કી કરવાની રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પકડવામાં આવેલા ઢોરોને પશુ માલિકો દ્વારા જો સમય મર્યાદામાં ન છોડાવવામાં આવે તો દુધાળા, ખેતીલાયક અને અન્ય ઉપયોગી પશુઓને અમદાવાદ શહેરની બહાર ગામડામાં જાહેર હરાજીથી વેચાણ કરી અને આવક ઊભી કરવાની જોગવાઈ પણ પોલિસીમાં મૂકવામાં આવી હતી. જોકે, પોલિસીમાં માત્ર બેથી ત્રણ જ નવી બાબતોનો સમાવેશ કરાયો હતો. રખડતા ઢોર પકડવા અંગેની જે જૂની પોલિસી છે તે બાબતોને યથાવત રાખવામાં આવી હતી.
ઢોર ત્રાસ અંકુશ માટેના નિયમોનો સમાવેશ
ગુજરાત હાઇકોર્ટના દિશાનિર્દેશ મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રોડ ઉપર પશુઓ રખડતા જોવા ના મળે, રોડ પર પશુઓને કારણે થતા અકસ્માત નિવારી શકાય અને ઢોરને પકડવાની કામગીરીના ચુસ્ત અમલીકરણ માટે ઢોર ત્રાસ અંકુશ માટેના નિયમોનો સમાવેશ કરતી નવી પોલિસી બનાવવામાં આવી હતી. રોડ, જાહેર સ્થળોએ રખડતા પશુઓનો ત્રાસ અટકાવવા ગુજરાત સરકારના પરિપત્રો પોલીસ અને જીપીએમસી એક્ટ મુજબની અલગ અલગ જોગવાઈઓ મુજબ કોર્પોરેશન દ્વારા નવી પોલિસી બનાવવામાં આવી હતી.
નવી પોલિસીમાં કઈ જોગવાઈનો સમાવેશ હતો
- ઢોર માલિકોએ શહેરમાં ઢોર રાખવાની જગ્યાની જોગવાઇ
- ઢોર રાખવા લાયસન્સ/ પરમીટ પ્રથા દાખલ કરવાની
- પોલીસ કમિશનરના જાહેરનામાની અમલવારી
- દંડ/ ચાર્જમાં સૂચિત વધારો
- ઢોર માલિક તથા ઢોર નોંધણી
- RFID ચીપ અને ટેગ ફરજીયાતપણે લગાવવી
- જાહેરનામા ભંગની ફરિયાદો દાખલ કરવી
- ઢોર માલિકો દ્વારા નહિ છોડાવેલા પશુઓને શહેર બહારની પાંજરાપોળમાં મોકલવા
- ઢોરને આજીવન નિભાવવામાં વન ટાઇમ નિભાવ ખર્ચ રૂ. 4000 ચૂકવવા
- દુધાળા, ખેતીલાયક, અન્ય ઉપયોગી પશુઓને શહેર બહારના દુરના ગામડાના લાભાર્થીને જાહેર હરાજીથી આપવા
- કેટલ પોન્ડ/ ટેમ્પરરી કેટલ શેડ બનાવવા
- એનિમલ હોસ્ટેલ બનાવવી