અમદાવાદ7 કલાક પહેલા
- કૉપી લિંક

રાજ્યમાં રખડતા ઢોરોના ત્રાસના કારણે રોજના અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર દ્વારા રખડતા ઢોર નિયંત્રણ કાયદો લાવવાના હતા, પરંતુ ચૂંટણીના કારણે આ કાયદાને મંજૂરી આપવામાં આવી ન હતી. ત્યારે સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાયદામાં જે જોગવાઈઓ હતી તેને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પોલિસી તરીકે બનાવવામાં આવી છે. આજે રખડતાં ઢોર નિયંત્રણ પોલિસીને સ્ટેન્ડિંગ કમિટિ દ્વારા વિચારણા માટે બાકી રાખવામાં આવી છે. રખડતા ઢોરને છોડાવવા માટે રકમ નક્કી કરવા માટે તેમજ પ્રતિ ઢોર લાઇસન્સ હોવું જોઈએ કે પછી ઢોર માલિક દીઠ એક લાઇસન્સ હોવું જોઈએ તે અંગેની સ્પષ્ટતા કમિશનર પાસે માંગી છે જેથી આ મામલે વિચારણા બાદ આગામી કમિટીમાં આ મામલે નિર્ણય લેવામાં આવશે.
નવી પોલિસીમાં કેટલીક બાબતો અંગે વિચારણા
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, રખડતા ઢોર મામલે નવી પોલિસી બનાવવામાં આવી છે. જે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવી હતી. જોકે, નવી પોલિસીમાં કેટલીક બાબતો અંગે વિચારણા કરવાની છે. જેમાં ખાસ કરીને જે લાઇસન્સ લેવાનું છે તેમાં પ્રતિ ઢોર લાઇસન્સ લેવું પડશે કે ઢોર માલિક દીઠ એક લાઇસન્સ લેવાનું રહેશે તેની કોઈ સ્પષ્ટતા હોતી નહીં. આ ઉપરાંત દંડની રકમમાં જે રીતે વધારો કરવામાં આવ્યો છે તે દંડની રકમ પણ કેટલી રાખવી તે અંગે વિચારણા કરવી જરૂરી છે. જેથી હાલ આ પૂરતી પોલિસીને વિચારણા માટે બાકી રાખવામાં આવી છે. જો કે, આ પોલિસીને લાગુ તો કરવામાં આવશે જ પરંતુ થોડા તેમાં ફેરફાર કરવામાં આવશે.
પોલિસીમાં બેથી ત્રણ જ નવી બાબતોનો સમાવેશ
નવી પોલિસી અંતર્ગત હવે શહેરમાં ઢોર રાખવા માટે પશુ માલિકોએ લાઇસન્સ લેવું પડશે અને પશુઓ રાખવા માટેની જગ્યા નક્કી કરવાની રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પકડવામાં આવેલા ઢોરોને પશુ માલિકો દ્વારા જો સમય મર્યાદામાં ન છોડાવવામાં આવે તો દુધાળા, ખેતીલાયક અને અન્ય ઉપયોગી પશુઓને અમદાવાદ શહેરની બહાર ગામડામાં જાહેર હરાજીથી વેચાણ કરી અને આવક ઊભી કરવાની જોગવાઈ પણ પોલિસીમાં મૂકવામાં આવી છે. જો કે, પોલિસીમાં માત્ર બેથી ત્રણ જ નવી બાબતોનો સમાવેશ કરાયો છે. રખડતા ઢોર પકડવા અંગેની જે જૂની પોલિસી છે તે બાબતોને યથાવત રાખવામાં આવી છે.
આગામી કમિટીમાં નિર્ણય લેવામાં આવશે
ગુજરાત હાઇકોર્ટના દિશાનિર્દેશ મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રોડ ઉપર પશુઓ રખડતા જોવા ના મળે, રોડ પર પશુઓને કારણે થતા અકસ્માત નિવારી શકાય અને ઢોરને પકડવાની કામગીરીના ચુસ્ત અમલીકરણ માટે ઢોર ત્રાસ અંકુશ માટેના નિયમોનો સમાવેશ કરતી નવી પોલિસી બનાવવામાં આવનાર છે. રોડ, જાહેર સ્થળોએ રખડતા પશુઓનો ત્રાસ અટકાવવા ગુજરાત સરકારના પરિપત્રો પોલીસ અને જીપીએમસી એક્ટ મુજબની અલગ અલગ જોગવાઈઓ મુજબ કોર્પોરેશન દ્વારા નવી પોલિસી બનાવવામાં આવી છે. આ પોલિસીને ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે.
નવી પોલિસીમાં આ જોગવાઈનો સમાવેશ
- ઢોર માલિકોએ શહેરમાં ઢોર રાખવાની જગ્યાની જોગવાઇ
- ઢોર રાખવા લાઇસન્સ/ પરમીટ પ્રથા દાખલ કરવાની
- પોલીસ કમિશનરના જાહેરનામાની અમલવારી
- દંડ/ ચાર્જમાં સૂચિત વધારો
- ઢોર માલિક તથા ઢોર નોંધણી
- RFID ચીપ અને ટેગ ફરજીયાતપણે લગાવવી
- જાહેરનામા ભંગની ફરિયાદો દાખલ કરવી
- ઢોર માલિકો દ્વારા નહિ છોડાવેલા પશુઓને શહેર બહારની પાંજરાપોળમાં મોકલવા
- ઢોરને આજીવન નિભાવવામાં વન ટાઇમ નિભાવ ખર્ચ રૂ. 4000 ચૂકવવા
- દુધાળા, ખેતીલાયક, અન્ય ઉપયોગી પશુઓને શહેર બહારના દુરના ગામડાના લાભાર્થીને જાહેર હરાજીથી આપવા
- કેટલ પોન્ડ/ ટેમ્પરરી કેટલ શેડ બનાવવા
- એનિમલ હોસ્ટેલ બનાવવી