આણંદ29 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતીકાત્મક તસવીર
આણંદ શહેરની બી.એન.પટેલ ફિઝીયોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓ અંદર અંદર બાખડતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ અંગે શહેર પોલીસે એક વિદ્યાર્થી સહિત ત્રણ ઈસમો સામે ગુનો નોંધ્યો હતો.
બોરસદની ધરતીનગર સોસાયટીમાં રહેતા અને આણંદ શહેરની બી.એન.પટેલ ફિઝીયોથેરાપી કોલેજમાં ફિઝીયોથેરાપીસ્ટના પહેલા વર્ષમાં અભ્યાસ કરતાં મોક્ષ રાજેશભાઈ પટેલને કલાસમાં જ અભ્યાસ કરતાં દર્શન બાબુ વાડિયા (રહે.રાજુલા, અમરેલી, હાલ આણંદ) સાથે માથાકુટ થઇ હતી.આ સમયે માઇક લઇ આવવાની ના પાડી દીધી હતી. આ દરમિયાનમાં 3જી એપ્રિલના રોજ મોક્ષ પટેલ કોલેજ પર આવ્યો હતો તે સમયે સવારનું સેશન પતાવી બપોરના રિશેષ પડતાં કોલેજની બહાર આવ્યો હતો. તે વખતે દર્શન વાડિયા તથા તેના મિત્રો કોલેજની બહાર ઉભેલા હતાં.
આ દરમ્યાન દર્શન વાડિયા અને તેના મિત્રોએ મોક્ષને જોઇને ધમકાવતા જણાવ્યું હતું કે, બહું ચરબી ચડી ગઇ છે, તું અમને માઇક લાવવાનું કહે છે ? તેમ કહી ઉશ્કેરાઈ હુમલો કર્યો હતો. જેમાં મોક્ષ જમીન પર નીચે પડી જતાં તેને લાતો મારવા લાગ્યાં હતાં. જોકે, બૂમાબૂમ થતાં તેના અન્ય મિત્રો દોડી આવતા દર્શન વાડિયા અને તેના મિત્રો ભાગી ગયાં હતાં. જોકે, જતાં જતાં તેઓએ આજે તો તું બચી ગયો છો. ફરી લાગમાં આવીશ તો જાનથી મારી નાંખીશ. તેવી ધમકી આપી હતી. આ અંગે મોક્ષ પટેલની ફરિયાદ આધારે આણંદ શહેર પોલીસે દર્શન વાડિયા અને તેના બે મિત્રો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.