સુરતએક કલાક પહેલા
- કૉપી લિંક
સુરત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેર પૈકીનું એક બની ગયું છે. સુરતની અંદર ચારે તરફ ખૂબ જ વિકાસની બોલબાલા જોવા મળી રહી છે, એની પાછળનું સૌથી મોટું કારણ છે કે, સુરત શહેર ઔદ્યોગિક દૃષ્ટિએ ખૂબ ઝડપથી વિકસ્યું છે. પરંતુ સુરતનો વિકાસ એટલો વધી ગયો છે કે, મનપા દ્વારા બનાવેલા શૌચાલયને રસોડા તરીકે યુઝ કરવામાં આવી રહ્યો છે. અંદર રસોઈ બનાવવાની કામગીરી ધમધમતી હોય તેવો વીડિયો વાઇરલ થતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે.
પારલે પોઇન્ટ પોશ વિસ્તારમાં ટોઇલેટમાં રસોડું
સુરત શહેરના ખૂબ જ પોશ વિસ્તાર તરીકે પારલે પોઇન્ટને માનવામાં આવે છે. અહીં મોટાભાગનો ધનવાન વર્ગ રહે છે. અહીં મોટાભાગે વેપારીવર્ગ રહેતો હોવાને કારણે વિકાસના કામો પણ ખૂબ ઝડપથી થાય છે. પરંતુ સુરત શહેરનો આ વીડિયો વાઇરલ થતા એવું લાગે છે કે, કંઈક વધુ પડતો વિકાસ સુરતમાં જોવા મળી રહ્યો છે. પારલે પોઇન્ટ વિસ્તારના પે એન્ડ યુઝ ટોઇલેટમાં કોન્ટ્રાક્ટરના માણસો રસોડું ચલાવી રહ્યા છે. આ વીડિયોના કારણે શહેરભરમાં ચર્ચાએ જોર પકડ્યું છે.
ટોઇલેટમાં કોન્ટ્રાક્ટરના લોકો રહે છે
શહેરમાં મનપાના ટોઇલેટ માટે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું છે. તેના દ્વારા જે માણસો કામ માટે રાખવામાં આવતા હોય છે તેઓ વિકલાંગ ટોઇલેટમાં જ રહેતા જોવા મળી રહ્યા છે. ટોઇલેટની અંદર કોઈએ રસોડું બનાવી દીધું હોય તેવા દૃશ્યો તમે ક્યારેય નહીં જોયા હોય. પરંતુ સુરતમાં જોવા મળી રહ્યા છે. અધિકારીઓની ઉદાસીનતા અને કોન્ટ્રાક્ટરોની વધારે રૂપિયા કમાય લેવાની લ્હાયમાં સ્પષ્ટ દેખાય આવે છે કે, પોતાના કોન્ટ્રાક્ટ ઉપર રાખેલા માણસોને અન્ય કોઈ જગ્યા પર રાખવાને બદલે મનપા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા પે એન્ડ યુઝ ટોઇલેટમાં રાખવામાં આવી રહ્યા છે.
કોન્ટ્રાક્ટરના માણસોએ ટોઇલેટની અંદર જ રસોડું બનાવ્યું.
પે એન્ડ યુઝમાં ગયા તો દ્રશ્યો જોઈને અમે ચોંકી ગયા
સુરતના સ્થાનિક રહેવાસી અજયસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, અમે પારલે પોઈન્ટ વિસ્તારની અંદર એક સાઉથ ઇન્ડિયન હોટલની અંદર જમવા માટે ગયા હતા. આ દરમિયાન મને વોશરૂમ જવાનું હતું, જેથી મેં પૂછ્યું તો કાર પાર્કિંગમાં જ મને કહ્યું કે, સામે પે એન્ડ યુઝ ટોઇલેટ છે. હું ટોઇલેટ જતો હતો તો એક તરફથી બંધ હતું અને બાજુમાં દિવ્યાંગો માટે જે ટોઇલેટ બનાવ્યું હતું ત્યાં મેં દરવાજો ખોલીને જોયું તો અંદર રસોડું દેખાતા હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો.
ટોઇલેટનો ખોટો ઉપયોગ થવો ન જોઈએ
અજયસિંહે વધુમાં જણાવ્યું હતું કે, આ કેવી રીતે શક્ય બની શકે. તરત જ મેં મારી સાથે મારા મિત્ર હતા તેમને આ વીડિયો બનાવવા માટે કહ્યું અને ત્યારબાદ ત્યાંના કોન્ટ્રાક્ટર અને ત્યાં કામ કરતા વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ પ્રકારની સ્થિતિ ખૂબ જ દુઃખદ છે. કોઈ પણ વ્યક્તિ મનપાના ટોઇલેટમાં રસોડું બનાવીને ગુજરાન ચલાવે તે ચોંકાવનારું છે. આવી રીતે ટોઇલેટનો ખોટો ઉપયોગ પણ થવો ન જોઈએ. આ અંગે અધિકારીઓએ ધ્યાન રાખવું જરૂરી છે.
જાગૃત નાગરિકે કોન્ટ્રાક્ટરના માણસ સાથે વાત કરી.
અંદર રહેતા યુવકે ચોંકાવનારા ખુલાસા કર્યા
દિવ્યાંગોના ટોઇલેટમાં રસોડું ચલાવતા રઘુવીરસિંઘે જણાવ્યું હતું કે, શહેરના ઘણા બધા ટોઇલેટમાં આ જ પ્રકારે લોકો રહે છે. આ તો ખૂબ સારી સ્થિતિમાં છે, શહેરના અન્ય પે એન્ડ યુઝ ટોઇલેટની અંદર તો ખૂબ જ ખોટા કામ થાય છે. ઘણા લોકો તેને દારૂ પીવા માટે, ચરસ, ગાંજા અને ડ્રગ્સ લેવા માટે પણ ઉપયોગ કરતા હોય છે. આ બાબતોથી તમે લોકો અજાણ છો. અહીં તેઓ કોઈ ખોટું કામ થઈ રહ્યું નથી.