આણંદ41 મિનિટ પહેલા
- કૉપી લિંક

પેટલાદ શહેરના સ્ટેશન રોડ પર આવેલા વૈભવ નિવાસ કોમ્પ્લેક્સમાં ઓનલાઇન સટ્ટો રમતા ત્રણ શખસને આણંદ સ્થાનિક ગુના શોધક શાખાએ પકડી પાડ્યાં હતાં. પ્રાથમિક તપાસમાં ચોથા શખસનું નામ ખુલતાં એલસીબીએ ચાર સામે ગુનો નોંધ્યો હતો.
આણંદ સ્થાનિક ગુના શોધક શાખા ક્રિકેટ સટ્ટા બેટીંગ રમતા શખસોને પકડી પાડવા સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કર્યું છે. જે અંતર્ગત ખાસ ટીમ પેટ્રોલીંગમાં નિકળી હતી, તે સમયે પેટલાદ કોલેજ ચોકડી પાસે આવતા બાતમી મળી હતી કે, પેટલાદમાં રહેતા સુશીલ શના પટેલ, રીતેશ દીલીપ પંડિત, પ્રણય હરિશચંદ્ર શાહ પેટલાદ સ્ટેશન રોડ પર આવેલા વૈભવ નિવાસ કોમ્પ્લેક્સ પાસે બેસી પોત પોતાના મોબાઇલ ફોનના માધ્યમથી હાલમાં રમાતી આઈપીએલ મેચની હારજીતનો ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમી રહ્યાં છે.
આ હકિકત આધારે એલસીબીની ટીમ તુરંત તે સ્થળે પહોંચ્યાં હતાં. જ્યાં ત્રણ શખસ જોવા મળ્યાં હતાં. આથી, પોલીસે તેની અટક કરી પુછપરછ કરતાં તે સુશીલ શનાભાઈ પટેલ (રહે. પ્રતાપનગર, પેટલાદ), પ્રણય ઉર્ફે પિન્કેશ હરિશચંદ્ર શાહ (રહે.ગ્રીન એવન્યુ, આણંદ) અને રીતેશ દીલીપ પંડિત (રહે.ધોળીકુઇ પેટલાદ)( હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેમની પાસેના મોબાઇલ કબજે કરી તપાસતાં તેમાં મોબાઇલમાં ઇન્ટરનેટના માધ્યમથી વેબ સાઇટ ચાલુ હતી. જેમાં લાઇવ સ્કોર લખેલો હતો. જે ક્રિકેટ મેચનો હારજીતનો જુગાર રમતાં હોવાનું ખુલ્યું હતું. આથી, આ ત્રણેયની સઘન પુછપરછ કરતાં તેઓ ઓનલાઇન સટ્ટા માટે આઈડી મેહુલ રમેશચંદ્ર શાહ (રહે.પેટલાદ) પાસેથી લીધા હોવાનું કબુલ્યું હતું. આથી, પોલીસે સુશીલ શના પટેલ, પ્રણય ઉર્ફે પિન્કેશ હરિશચંદ્ર શાહ, રીતેશ દિલીપ પંડિત અને મેહુલ રમેશચંદ્ર શાહ સામે ગુનો નોંધી રોકડ, મોબાઈલ મળી કુલ રૂ.1,43,390 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.