મુંબઈ6 મિનિટ પહેલા
- કૉપી લિંક
- અદાણી કેસમાં JPC મુદ્દે પણ પવારે વલણ સ્પષ્ટ કર્યું
મુખ્ય મંત્રીપદ પરથી રાજીનામું આપતી વખતે ઉદ્ધવ ઠાકરેએ સાથી પક્ષોને વિશ્વાસમાં લીધા નહોતા, એમ રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવારે મંગળવારે એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું. આ સમયે તેમણે અદાણી કેસમાં જેપીસી, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારના વહેલી સવારે શપથગ્રહણ અને ફડતુસ કાડતુસ શબ્દો પર ચગેલા રાજકારણ સહિતના વિવિધ મુદ્દાઓ પર ટિપ્પણી કરી હતી. આ સાથે તેમણે રાજકીય નેતાઓને સલાહ આપતાં કાન આમળ્યા હતા.
શરદ પવારે કહ્યું કે મુખ્ય મંત્રી અને ઉપ મુખ્ય મંત્રીપદ પર કોણ બિરાજમાન થશે તે અંગે ત્રણેય પક્ષોએ સંખ્યાના આધારે નિર્ણય લીધો હતો. આથી જો કોઈ રાજીનામું આપવા માગે તો તે તેમનો અધિકાર છે, પરંતુ અન્ય સાથી પક્ષો જોડે વાતચીત કરવાની જરૂર હતી. ચર્ચા વિના નિર્ણય લેવાનું આ પરિણામ છે. તે સમયે ઠાકરેએ રાજીનામું આપવા અંગે કોઈ ચર્ચા થઈ નહોતી તે હકીકતને નકારી શકાય નહીં.
દરમિયાન, પવારે અદાણી કેસમાં જેપીસીને લઈને પોતાનો સૂર બદલ્યો હોય તેવું લાગે છે. પવારે કહ્યું કે જો સાથી પક્ષોને જરૂર લાગે તો તેઓ જેપીસીનો વિરોધ નહીં કરે. જોકે સાથી મિત્રોનો અભિપ્રાય મારા કરતાં જુદો છે, મેં મારો અભિપ્રાય વ્યક્ત કર્યો, પરંતુ જો સાથી પક્ષોને લાગે કે તેમને જેપીસી જોઈએ તો હું તેનો વિરોધ નહીં કરું. તેમના અભિપ્રાય સાથે સંમત નથી પરંતુ અમારી આઘાડી પર અસર થવા નહીં દઉં. રાજ્યમાં ઉદ્ધવ ઠાકરે અને વર્તમાન ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે ફડતુસ શબ્દને લઈને ઉગ્ર લડાઈ જોવા મળી હતી.
પવારે ફડતુસ અને કાડતુસ જેવા શબ્દોથી એકબીજા પર નિશાન સાધવા માટે તમામ નેતાઓના કાન આમળ્યા. પવારે આ રીતે વ્યક્તિગત ટીકા ન કરવાની સલાહ આપી. હું મહારાષ્ટ્રને જાણું છું, તેની સંસ્કૃતિ જાણું છું, હું લોકોની માનસિકતા જાણું છું, આથી શક્ય હોય ત્યાં સુધી આવા શાબ્દિક હુમલા ટાળવા જોઈએ. વ્યક્તિગત હુમલા નહીં કરો, રાજકીય મુદ્દાઓ ઉઠાવો, લોકોના મુદ્દાઓ ઉઠાવો, તેની પર આક્રમક બનો, પરંતુ વ્યક્તિગત હુમલાઓ, કાદવ ઉછાળવો ન જોઈએ. આવું સભાનપણે ટાળવું જોઈએ.