USAમાં 40 લોકો પાસેથી નાણા ઉધારી હોટલ ખરીદી, મંદીમાં 22 લાખ ડોલરનું નુકસાન, હોટલ વેચવી પડી! | Borrowed money from 40 people in the USA and bought a hotel, lost 22 million dollars in recession, had to sell the hotel! | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nrg
  • Borrowed Money From 40 People In The USA And Bought A Hotel, Lost 22 Million Dollars In Recession, Had To Sell The Hotel!

અમાદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

અમેરિકા એ કોઈ પણ વ્યક્તિના સપનાનો દેશ હોય જ શકે છે, પરંતુ અહીં આવીને વસેલા દરેક વ્યક્તિ કોઈને કોઈ અલગ જ કહાની ધરાવતું હોય છે. અમેરિકાની કુલ વસ્તી પૈકી 2 ટકા જેટલી વસ્તી ભારતીયોની છે અને તેમાં પણ મોટાભાગે ગુજરાતના લોકો છે. આજે વાત કરવી છે એવા ગુજરાતી યુવાનની કે જેણે અમેરિકામાં વસી અને પોતાનું તથા પરિવારનું સપનું સાકાર કરવાની કોશિશ તો કરી પરંતુ આ પ્રયત્નો દરમિયાન તેણે કેટકેટલી હાડમારીનો સામનો કર્યો છે. આવતીકાલે 13 એપ્રિલના રોજ એશિયન અમેરિકન હોટલ એસોસિએશનની ચૂંટણી છે. તેના સેક્રેટરી પદના દાવેદાર રાહુલ પટેલ છે. રાહુલ પટેલે અમેરિકામાં 40 લોકો પાસેથી ઉધાર નાણાં લઈ હોટલ ખરીદી હતી. પરંતુ મંદીમાં 22 લાખ ડોલરનું નુકસાન ભોગવી હોટલ વેચી હતી.

રાહુલ પટેલ 2004માં અમેરિકા ગયા
વાત છે સુરતના કુંભારીયા ગામ વિસ્તાર કે જે ચોર્યાસી તાલુકામાં આવ્યો છે. વર્ષ 2004માં અહીં રહેતા રાહુલ પટેલ નામના યુવાન અમેરિકા ખાતે કાયમી વસવાટ કરવાના હેતુસર ગયા. પોતાના પરિવારનો ખેતીનો વ્યવસાય છોડીને ગયેલા પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા રાહુલ પટેલ શરૂઆતમાં સૌ પહેલા ઇન્ડિયામાં હોટલની શરૂઆત કરી હતી. ખાનગી હોટલની ફ્રેન્ચાઈઝીવાળી સૌપ્રથમ હોટલ લા ક્વિન્ટાની વર્ષ 2004માં શરૂઆત કરી હતી.

માતા-પિતા સુરતમાં સરપંચ હતા
રાહુલ પટેલના પિતા છેલ્લા 50 વર્ષથી સહકારી ક્ષેત્રમાં સક્રિય છે. વર્ષ 1980થી વર્ષ 2020ના સમયગાળા દરમિયાન 40 વર્ષ સુધી કો-ઓપરેટીવ સોસાયટીમાં તેમજ 10 વર્ષ સુધી સહકારી મંડળીમાં સક્રિય રહ્યા છે. આ સમય દરમિયાન તે 5 વર્ષ સુધી ઉપ સરપંચ પદ પર રહ્યા. જ્યારે 5 વર્ષ સુધી કુંભારિયા ગામના સરપંચ તરીકે પણ ભૂમિકા નિભાવી છે. બીજી તરફ 5 વર્ષ સુધી તેના માતા પણ સરપંચ રહ્યાં છે તેમ રાહુલ પટેલે પોતાની વાતચીતમાં જણાવ્યું હતું.

રાહુલ પટેલે પહેલી હોટલ ખરીદી તેની તસવીર.

રાહુલ પટેલે પહેલી હોટલ ખરીદી તેની તસવીર.

રાહુલ પટેલ ખેતી કરવા ઈચ્છતા હતા
સુરતના ચોર્યાસી તાલુકામાં આવેલા કુંભારીયા ગામ ખાતે પારિવારીક ખેતીનો ધંધો કરવાની ઈચ્છા ધરાવતા રાહુલ પટેલને તેમના પરિવારજનોએ જ સુરત અને ભારતમાં રહેવાનું ના પાડી અને અમેરિકા જવા સૂચન કર્યું હતું. જે રીતે ગુજરાતનો વિકાસ થતો હતો અને સુરત કોર્પોરેશનની હદમાં વધારો થઈ રહ્યો હતો એટલે રાહુલ પટેલના પિતાને મનમાં ડર હતો કે તેમની જમીન કપાતમાં જશે અને તેમનો પારિવારિક ખેતીનો ધંધો બંધ થઈ જશે. આ કારણોસર તેમણે રાહુલ પટેલને પોતાનું ભવિષ્ય બનાવવા માટે અમેરિકા જવા સૂચન કરતાં પિતાની ઈચ્છા અનુસાર તેઓ અમેરિકા ખાતે વસવાટ કરવા આવ્યા.

ઉછીના નાણાં લઈ 8 લાખ ડોલરમાં હોટલ ખરીદી
અમેરિકામાં આવવાની સાથે જ રાહુલ પટેલે હોટલ શરૂ કરવા માટે 8 લાખ ડોલરની જરૂર હતી. આ હોટલ ખરીદવા માટે તેમની પાસે પૂરતા પ્રમાણમાં નાણાં ન હતા. જો કે, કાયમી વસવાટ કરવાનો હેતુ હતો અને સાથે જ કંઈક કરી છૂટવાની જીદને કારણે અલગ અલગ લોકો પાસેથી ઉછીના નાણા લીધા. અલગ અલગ 40 લોકો પાસેથી તેમણે 2 હજાર ડોલર ઉધાર લઈ અને 8 લાખ ડોલરમાં ઇન્ડિયાના ખાતે ફ્રેન્ચાઈઝી ધરાવતી હોટલની ખરીદી કરી અને શરૂઆત કરી.

લાખો ડોલર ખર્ચવા છતાં હોટલ ચાલી નહીં
લાખો ડોલર ઉધાર લઈ શરૂ કરવામાં આવેલી હોટલ લગભગ બે વર્ષ સુધી ચલાવવામાં આવી. જો કે, પર્યાપ્ત પ્રમાણમાં આ હોટલ મારફતે નફો થયો નહોતો અને બીજી તરફ ખર્ચ વધતો જતો હતો. આમ, હોટલ ચાલતી ન હોવાના કારણે તાત્કાલિક હોટલ વેચી દેવાનો નિર્ણય કર્યો હતો. જે હોટલ 8 લાખ ડોલરમાં ખરીદી હતી તે હોટલ 7.85 લાખ ડોલરમાં વેચી દીધી. આ ઉપરાંત જ્યાં રહેતા હતા તે વિસ્તાર પણ છોડી દીધો અને ફ્લોરિડા ખાતે રહેવાની શરૂઆત કરી.

ડાબી બાજુથી બીજા નંબરે ઉભેલા રાહુલ પટેલ.

ડાબી બાજુથી બીજા નંબરે ઉભેલા રાહુલ પટેલ.

ડેઈઝીન પેડન્ટ ખાતે બીજી હોટલ ખરીદી
પૂરતી ધંધાકીય સ્થિતિ ન મળવાને કારણે રાહુલ પટેલે ઈન્ડિયાના છોડી અને ફ્લોરિડા ખાતે રહેવાની શરૂઆત કરી. આ ઉપરાંત તેણે પોતાની બહેન, કાકા-કાકી સહિતના તમામ લોકોને પણ પોતાની સાથે રાખી અને નવા જીવનની શરૂઆત કરવા પ્રયત્ન કર્યો. આ ઉપરાંત તેમણે ભાગીદારીમાં ડેઈઝીન પેડન્ટ ખાતે 132 રૂમ ધરાવતી બીજી હોટલ ખરીદી. નવી હોટલ તેમણે 5.5 મિલિયન ડોલરમાં ખરીદ્યા બાદ તેના થકી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા પ્રયાસ કર્યો.

મંદી આવી અને બધું જ ખોઈ દીધું
જીવનમાં ચડાવ-ઉતાર આવતા જ રહેતા હોય છે તેમ રાહુલ પટેલના જીવનમાં પણ આ જ સ્થિતિ ફરી ઉદભવી. વર્ષ 2008માં અમેરિકામાં ભારે મંદી આવી હતી. આ મંદીને કારણે રાહુલ પટેલ માટે સર્વાઈવ કરવાની તકલીફ ઊભી થઈ. 21 લાખ રૂપિયાનો વાર્ષિક ધંધો કરતી હોટલ 1.7 લાખ રૂપિયા જ આવક કરતી થઈ ગઈ. આ કારણોસર હોટલના બિલ પણ ચૂકવી શકતા નહોતા.

અમેરિકા જઈને રાહુલ પટેલે ઉતાર-ચઢાવ જોયો.

અમેરિકા જઈને રાહુલ પટેલે ઉતાર-ચઢાવ જોયો.

ઈલેક્ટ્રિસિટી પણ પરવડે તેમ નહોતી
દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરતાં રાહુલ પટેલ મંદીનો સમયગાળો યાદ કરીને ભાવુક થઈ ગયા હતા. તેઓએ જણાવ્યું હતું કે, મંદીમાં અમે બધું ખોઈ દીધું હતું. કંઈ જ પહોંચી વળી શકતા નહોતા. અમારો પરિવાર જ 132 રૂમની હોટલ ચલાવતો હતો. પાર્કિંગ લાઈટ પણ અમે લગાવતા હતા. કેમ કે, ઈલેક્ટ્રિસિટી પણ પરવડે તેમ નહોતી. રૂમની ઉપર ટેમ્પરરી પતરાં લગાવવાના હોય તો પણ જાતે જ કરતા હતા. આ ઉપરાંત 25 ફૂટ ઊંચી સીડી પર ચડીને લાઈટના બલ્બ પણ જાતે બદલતા હતા. આજે પણ જો ક્યારેક એ.સી. બગડે તો મને ખ્યાલ આવી જાય કે એમાં શું તકલીફ થઈ છે.

32 લાખ ડોલરની ખોટ ભોગવી હોટલ વેચવી પડી
રાહુલ પટેલે ઉમેર્યું હતું કે, વર્ષ 2006માં 5.5. મિલિયન ડોલરમાં ખરીદેલી હોટલ ધંધો આપતી નહોતી. જો કે, મંદીની અસર એટલી હતી કે આ ખરીદેલી હોટલને 2.3 મિલિયન ડોલરમાં એટલે કે 2.2 મિલિયન ડોલર નુકસાન કરી અને વેચી દેવી પડી હતી. આ સમય દરમિયાન જ મારી પત્ની ગર્ભવતી હતી. હોટલનો કોઈ નફો મળતો નહોતો. અમેરિકા ખાતે રહેતા પરિવારના સભ્યોની સંખ્યા પણ વધારે હતી. દીકરીનો જન્મ થયો તો કોઈને જાણ એટલે નહોતી કરી કેમ કે ખર્ચ થઈ જાય. ભારત પણ આવી શકીએ તેમ નહોતા કેમ કે, રૂપિયાની જ વ્યવસ્થા નહોતી.

સમય પલટાયો, વેચેલી હોટલ જ પરત ખરીદી
વ્હીટની નેશનલ બેંક દ્વારા હોટલને મોર્ગેઝ કરી અને બાદમાં તેને 23 લાખ ડોલરમાં વેચી દેવામાં આવી હતી. જો કે, મંદીનો સમયગાળો અમેરિકામાં વર્ષ 2011માં પૂરો થયો અને રાહુલ પટેલનો સમય ફરીથી પલટાયો. ટૂકડે ટૂકડે ફરીથી નાણાં ભેગા કરીને રાહુલ પટેલે મંદીને કારણે જે હોટલ વેચવાનો વારો આવ્યો હતો તે જ હોટલ ફરીથી ખરીદી અને નવેસરથી ધંધો શરૂ કર્યો. મંદીનો સમયગાળો કેવી રીતે જીવન જીવવું તે શીખવાડી ગયો તેમ અંતે રાહુલ પટેલે જણાવ્યું હતું.

રાહુલ પટેલે અમેરિકામાં વર્ચસ્વ જમાવ્યું.

રાહુલ પટેલે અમેરિકામાં વર્ચસ્વ જમાવ્યું.

ઉછીના લીધેલા રૂપિયા આપ્યા તે તમામને નાણાં-કાર્ડ મોકલ્યા
રાહુલ પટેલને અમેરિકામાં કારકિર્દીની શરૂઆતથી લઈને વર્ષ 2011 સુધીના 7 વર્ષમાં અનેક ખાટાં-મોળા અનુભવ થઈ ગયા હતા. અમેરિકાની આર્થિક પરિસ્થિતિ લોકોના અનેક કડવા અનુભવ કરાવતા ગઈ તેમ છતાં તમામ લોકો પાસેથી ઉછીના લીધેલા નાણા રાહુલ પટેલે પરત આપવાની શરૂઆત કરી. જે-જે લોકોએ ઉછીના નાણાં આપ્યા હતા તે તમામને રાહુલ પટેલે આભાર વ્યક્ત કરતા કાર્ડ મોકલી આપ્યા હતા.

કોણ છે રાહુલ પટેલ ?

  • 2004માં આહોઓની બધી ઈવેન્ટ અટેન્ડ કરવાની શરૂ કરી.
  • 2007માં આહોઆ મેમ્બર બન્યા
  • આહોઆના સભ્ય બન્યા બાદ ફ્લોરિડા એમ્બેસેડર બન્યા
  • 3 વર્ષ સુધી એમ્બેસેડર રહ્યા, જેમાં સારી કામગીરીને કારણે બે વખત એવોર્ડ મળ્યા.
  • 2020માં ચૂંટણી લડી અને ફ્લોરિડા રિજીયોનલ ડિરેક્ટર બન્યા.
  • બોર્ડ સભ્યો સાથે મળીને એસોસિએશનમાં ટ્રાન્સપરન્સી લાવ્યા.
  • પહેલી બોર્ડ મિટિંગમાં ફ્રેન્ચાઇઝીંગ અંગે 12 પોઈન્ટ પર કામ કરવા વિચારણા કરી, જેમાં કોન્ટ્રાક્ટ કંઈ રીતે નેગોસિએટ કરી શકાય.
  • નિયમો બહાર જઈ અને બોર્ડ મેમ્બરને બદલે નોન બોર્ડ મેમ્બરને સભ્યો બનાવ્યા.
  • રીજીયોનલ ડિરેક્ટર તરીકે 25 કી પર્સન એન્ગેજમેન્ટ કર્યા
  • અલગ અલગ સેશન્સ જેમાં કેપિટલ ડે, એજ્યુકેશન સેશન્સ, ટાઉનહોલ વગેરેનું આયોજન કર્યું
  • ઈન પર્સન મિટિંગમાં પ્રચાર માટે આ તમામ વાતો આહોઆ મેમ્બર સમક્ષ કરી રહ્યા છે.

મને સેક્રેટરી પદની ચૂંટણી લડવાનો મોકો મળ્યો
સેક્રેટરી પદના દાવેદાર રાહુલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હું જ્યારે સભ્ય બન્યો અને એ પછી પહેલી વખતની કમિટીમાં ચર્ચા માટે મારો અનુભવ ઓછો પડતો હતો. 1998માં જે બાયલોઝ અંગે કામ થયું હતું એ જ હતું. એ પછી કોઈએ આ મુદ્દા પર કામ કર્યું નહોતું, પણ ચેરમેને મને આ જવાબદારી સોંપી અને મારા પોતાના કમિટી મેમ્બર બન્યા. મારા જે સભ્ય બન્યા તે પણ આઉટ ઓફ બોક્સ જઈને બનાવ્યા. આટલા સમય બાદ હવે જ્યારે મને સેક્રેટરી પદની ચૂંટણી લડવાનો મોકો મળ્યો છે ત્યારે મારા સમયગાળા દરમિયાન મેં જે પણ કામગીરી કરી છે તે તમામ કામગીરીનો પ્રચાર કરું છું.

રાહુલ પટેલ પરિવાર સાથે અમેરિકા રહે છે.

રાહુલ પટેલ પરિવાર સાથે અમેરિકા રહે છે.

લોસ એન્જેલસ ખાતે આહોઆ કન્વેન્શન
તારીખ 11થી 14 એપ્રિલ સુધી આહોઆનું કન્વેન્શન યોજાઇ રહ્યું છે. આ વખતે આ કન્વેશન લોસ એન્જેલસ ખાતે યોજાવા જઈ રહ્યું છે. કાર્યક્રમ દરમિયાન અલગ અલગ મુદ્દાઓ પર અલગ અલગ સમયે ચર્ચા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં એજ્યુકેશન માટે સેમિનાર, યંગ પ્રોફેશનલ સેશન્સ, હ્યુમન ટ્રાફિકિંગ નિવારણ માટે તાલીમ તથા સર્ટિફિકેશન કોર્ષ તથા ટ્રેડ શો યોજાશે. આ કાર્યક્રમમાં સદગુરૂ તેમજ બ્રહ્મ વિહારી સ્વામી સહિતના વક્તાઓ વક્તવ્ય આપશે.

સેક્રેટરી પદ માટે હરિફ ઉમેદવાર તરીકે પિનલ પટેલ
બીજી તરફ રાહુલ પટેલના હરિફ ઉમેદવાર તરીકે અમેરિકામાં વસતા પિનલ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. હોટેલ ઉદ્યોગમાં તેમના અનુભવની શરૂઆત 20 વર્ષ અગાઉ એક સ્વતંત્ર હોટલમાં શરૂ થયો હતો. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં પીનલ પટેલે જણાવ્યું હતું કે, આહોઆના સાધનો અને સંશાધનો એ એક ભાગ હતા, જેણે મને આજે મલ્ટી બ્રાન્ડેડ હોટેલ ઓપરેટર બનવામાં મદદ કરી.

એમ્બેસેડર તરીકે ચાર વખત એવોર્ડ મેળવ્યો
પિનલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 10થી વધુ વર્ષો સુધી મેં આહોઆ જવાબદારીના ઘણા મુખ્ય હોદ્દાઓ પર હેતુ અને જુસ્સા સાથે સભ્યો વતી સક્રિયપણે કામ કર્યું છે. એમ્બેસેડર તરીકે ચાર વખત પ્રતિષ્ઠિત પ્રીમિયર એમ્બેસેડર એવોર્ડ મેળવ્યો છે. મારા અનુભવમાં રેડ રૂફ ફ્રેન્ચાઇઝ એડવાઇઝરી કાઉન્સિલમાં ચાર વર્ષ અને ગુજરાત કલ્ચરલ એસોસિએશનમાં વિવિધ નેતૃત્વની ભૂમિકાઓનો પણ સમાવેશ થાય છે. મારી વ્યવસ્થાપન શૈલી ઉકેલ આપવા, સખત નિર્ણયો લેવા અને સભ્યો માટે મજબૂત ઊભા રહેવાની છે.

આહોઆ શું છે
AAHOA (એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસિએશન) સમગ્ર અમેરિકામાં લગભગ 20,000 હોટેલિયર્સનું પ્રતિનિધિત્વ કરે છે અને 10 લાખથી વધુ કર્મચારીઓ સાથે 34,000થી વધુ સભ્યોની માલિકીની હોટેલ યુએસ અર્થતંત્રના નોંધપાત્ર ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. અમેરિકાના 22 રાજ્યોમાં ફેલાયેલું આહોઆ નેટવર્કને કારણે અંદાજે 367 બિલિયન ડોલરનો ફાળો યુએસ ઈકોનોમીમાં આહોઆનો રહેલો છે.

કેવી રીતે યોજાશે આહોઆ ચૂંટણી
લોસ એન્જેલસ ખાતે યોજાઈ રહેલા કન્વેન્શન દરમિયાન આહોઆના નવા ચેરમેન, મહામંત્રી સહિત બોર્ડ ડિરેક્ટર્સ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. અત્યારસુધી ઓફ લાઈન અને ઓનલાઈન એમ બંને રીતે આહોઆના સભ્યો મતદાન કરી શકતા હતા, પરંતુ હવે એટલે કે આ વખતથી મતદાન પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન કરવામાં આવી છે. આહોઆના સભ્યો ઈ-વોટિંગ જ કરી શકશે.

ગવર્મેન્ટ અફેર્સ કમિટીમાં સૌથી મોટો બદલાવ
રાહુલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારસુધી પોલિટીકલ એક્શન કમિટી રેસિપીયન્ટ લીસ્ટ (પેક મેમ્બર) પ્રતિ 2 વર્ષ માટે આહોઆને 5થી 6 લાખ ડોલર આપે અને આહોઆ નક્કી કરે કે એ નાણાં ફેડરલમાં કોને આપવા છે? એક વખત આ નાણાં અપાય જાય એટલે લોબિંગ ટીમ અને ગવર્મેન્ટ અફેર્સ ફંડ હોય ત્યાં સુધી કાબૂમાં આવતા હોય. જ્યારે પૈસા આપતા હતા તે સમયે આહોઆ બોર્ડ મેમ્બર, રિજીયોનલ ડાયરેક્ટર જેવા હોદ્દો ધરાવતા લોકોના સંકલનથી જ નાણાં અપાય છે. આમ, લેજીસ્ટલેટર્સ એ સભ્યોને જ ઓળખતા હોય, અન્ય કોઈને નહીં.

છેલ્લા એક વર્ષના કામોનું પેક ટાર્ગેટ લીસ્ટ કર્યું
ભલે નારાજગી હોય, કામ ના થયા હોય તો પણ નાણાં તો આપવાના જ. એટલે અમે એમ કર્યું કે છેલ્લા એક વર્ષના કામોનું પેક ટાર્ગેટ લીસ્ટ કર્યું. આ લીસ્ટ લોબિંગ ટીમને આપ્યું અને બતાવ્યું કે આપણે જે લોકોને રૂપિયા આપીએ છીએ તે આપણા કામ કરતા હોવા જોઈએ. આમ, સૌથી મોટો બદલાવ એ આવ્યો કે ફંડિંગ માટેના નાણા હવે આહોઆ રાખે છે. આ ઉપરાંત લોબિંગ ટીમ અને ગવર્મેન્ટ અફેર્સ ટીમ જે રૂપિયા માગે તેને હવે દર 3 મહિને રૂપિયા આપવાની શરૂઆત કરી છે. જ્યારે જ્યારે તે નાણાં માગે ત્યારે ત્યારે બોર્ડ અને કમિટી નાણાં જેને આપવામાં આવે છે તે આહોઆના કામ કરે છે કે નહીં તેનો રિવ્યુ કરે છે તેમ રાહુલ પટેલે વધુમાં જણાવ્યું હતું.

પ્રેસિડેન્ટ અને સીઈઓ પાસેથી પાવર છીનવી લેવાયા
આહોઆ જ્યારથી શરૂ થયું ત્યારથી તેના બાયલોઝમાં પ્રેસિડેન્ટ અને સીઈઓને પાવર આપ્યા હતા. તે કોર્પોરેટ તરીકે વિચાર કરી અને ગ્લોરી બનાવવાની કોશિશ કરતા હતા. તેની અસર એવી થઈ કે મેમ્બરશીપ બંધ થઈ ગઈ. તમામ પાવર તેમની પાસે હતા. ટ્રેઝરર લેઝર તપાસવા, કોઈ રિપોર્ટ જોવા હોય, બિલ તપાસવા હોય, કોન્ટ્રાક્ટ અંગેની માહિતી વગેરે કંઈ જ જોઈ શકાતું નહોતું. આ તમામ પાવર તેમની પાસે જ હતા. બોર્ડ મેમ્બર તરીકે રાહુલ પટેલ જે ટીમમાં કામ કરે છે તે બોર્ડ ટીમે આ તમામ હક પરત અપાવ્યા. આ ત્યારે જ શક્ય બને જ્યારે 75 ટકા બોર્ડ સંમત થાય તો જ બાયલોઝ બદલાય શકે છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post