વલસાડ4 કલાક પહેલા
- કૉપી લિંક
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ફરી માવઠાની આગાહી કરતા ધરતીપુત્રોની ચિંતા વધી છે. ત્યારે આજે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો હતો. એકથી દોઢ કલાક સુધી સતત વરસાદ વરસતા ખેતરો અને રસ્તા પર પાણી વહેતા થઈ ગયા હતા. વલસાડ જિલ્લામાં માવઠાના કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ભારે પવન સાથે કરા વરસ્યા
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આજે મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. કપરાડાના વાવર, કાસતવેરી, બારપૂડા, હુડા, કેલધા, ટોકરપાડા, રાજબારી, કોટલગામ વિસ્તારમાં ચૈત્ર મહિનામાં અષાઢી માહોલ જામ્યો હતો. ગાજવીજ અને ભારે પવન સાથે કરા સાથે વરસાદ વરસ્યો હતો. સતત એક કલાક કરતા વધુ સમય સુધી વરસાદ ચાલુ રહેતા રસ્તા અને ખેતરો પર પાણી વહેતા થઈ ગયા હતા.
ગુજરાતમાં 5 દિવસ ફરી માવઠાની આગાહી
ઉનાળાના બે મહિના પૂર્ણ થવાના આરે છે પરંતુ કમોસમી વરસાદ કેડો મૂકતો નથી. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી ખેડૂતોની આ વર્ષે માઠી બેસી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કાલે કચ્છ, બનાસકાંઠામાં વરસાદ પડશે. જ્યારે 12થી 14 એપ્રિલ સુધી અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, વલસાડ, નવસારીમાં કમોસમી વરસાદ પડી શકે છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બે સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ બાદ ઠંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ પડી શકે છે.
કેરીના પાકને નુકસાનની ભીતિ
વલસાડ જિલ્લામાં કેરીની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે. તે પહેલા જ માવઠાએ આંબાવાડી ધરાવતા ખેડૂતોની ચિંતા વધારી છે. ભારે પવન અને કરા સાથે વરસાદ વરસવાના કારણે કેરીના પાકને માઠી અસર થવાની ભીતિ વ્યકત કરવામાં આવી રહી છે.