- Gujarati News
- Local
- Gujarat
- Why Was Your Leader Gopal Italia Arrested? The Road Melted Like Ice Cream In Vadodara, See The Condition Of The Newly Constructed Road.
21 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજનાથ સિંહના કોંગ્રેસ પર પ્રહાર
ભારત સરકાર દ્વારા વિસ્થાપિત થયેલા તમિલ સૌરાષ્ટ્ર વાસીઓ ફરી સૌરાષ્ટ્રમાં આવે અને ગુજરાતીઓ સાથે લાગણીઓ, સંસ્કૃતિ, રિવાજોનું આદન-પ્રદાન થાય તેમજ ભારતના દરેક નાગરિકો એકબીજા સાથે જોડાય તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા સોમનાથ ખાતે દસ દિવસીય સૌરાષ્ટ્ર તામિલ સંગમ કાર્યકમનું આયોજન કર્યું છે. જેમાં કાર્યક્રમમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે રાહુલ ગાંધી પર આડકતરા પ્રહાર કરતા કહ્યું હતું કે, ‘અખંડ ભારતને જોડવાની આજકાલ ફેશન ચાલે છે, જે લોકોથી કંઈ થઈ શકતું નથી તે ભારત જોડવા નીકળી પડ્યા છે, પરંતુ ભારત કહે છે હું અખંડ છું હું ક્યારેય તૂટ્યું જ નથી.’

ગોપાલ ઈટાલિયાની ધરપકડ બાદ જામીન પર છુટકારો
છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લઈને નવા નવા ઝટકા લાગી રહ્યા છે. સુરત કોર્પોરેશનના 10 કોર્પોરેટર ભાજપમાં ભળી ગયા છે. ત્યારબાદ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કુલસચિવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે વડાપ્રધાનની ડિગ્રી માગવા મુદ્દે માનહાનિની ફરિયાદ કરી છે. ત્યારે આજે 17 એપ્રિલે સુરતમાં આપના ગુજરાતના પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અંગે વિવાદિત કોમેન્ટ બદલ ધરપકડ કરાઈ હતી. જો કે, પૂછપરછ બાદ જામીન મળ્યા હતા.ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આજ રોજ એક જૂની એફઆરઆઈ બાબતે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મને પૂછપરછ માટે બોલાવ્યો હતો, ત્યાર પછી પૂછપરછ દરમિયાન પોલીસે મારી કાયદેસરની ધરપકડ કરી હતી, ક્રાઈમ બ્રાન્ચનું એવું કહેવું છે કે ભાજપના કોઈ વ્યક્તિએ મારા વિરુદ્ધમાં થોડાક સમય અગાઉ એક ફરિયાદ આપેલી છે અને એ ફરિયાદમાં ભાજપના કાર્યકર્તાની મારા કોઈ ઉચ્ચારણ બાબતે લાગણી દુભાઈ ગઈ છે. એમનું એવું કહેવું છે કે મેં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ વિષે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિષે કેટલાક શબ્દો વાપર્યા છે. જે બાબતથી ભાજપના કાર્યકરની લાગણી દુભાઈ છે. એવું ભાજપના કાર્યકર્તા માને છે, એમણે એવી ફરિયાદ આપીં છે અને તે અનુસંધાને પોલીસે મારી ધરપકડ કરી છે, કેમ કે જામીનપાત્ર ગુનો છે, જેથી મને ક્રાઈમ બ્રાન્ચથી જામીન આપવામાં આવ્યા છે.

બોટાદ રેલવે સ્ટેશને આગની લપેટમાં ટ્રેન
બોટાદ રેલવે સ્ટેશને ટ્રેનમાં આગ લાગી છે. ડેમુ ટ્રેનમાં આગ લાગતા દોડધામ મચી હતી. પ્લેટફોર્મ નંબર 7 ઉપર બંધ હાલતમાં હતી ત્યારે આગ લાગી જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. રેલવે વિભાગના અધિકારીઓને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરના 30 જવાનો સહિત 3 ફાયરની ગાડી દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ આ ડેમુ ટ્રેન બોટાદથી સુરેન્દ્રનગર સાંજે 6 વાગે ઊપડે છે. ટ્રેન બોટાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 ઉપર બંધ હાલતમાં હતી ત્યારે એકાએક વિકરાળ આગ લાગી હતી. જોકે આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. ફાયર ટીમને જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.બોટાદ-ધ્રાંગધ્રા ટ્રેનમાં આગ લાગતા લોકોમાં દોડધામ મચી હતી. કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. ફાયર ટીમ દ્વારા આગ ઓલવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આશરે 3 ડબ્બામાં આગ લાગી હતી. સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી.

ભાવનગર પોલીસે વધુ 2 આરોપીઓને ઝડપ્યાં
ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા ડમીકાંડ મામલે ભાવનગર પોલીસે વધુ બે આરોપીઓની અટકાયત કરી છે. આ મામલે ઝડપાયેલા કુલ આરોપીઓનો આંક હવે 6 પર પહોંચ્યો છે. ભાવનગર પોલીસે આજે કરાઈ પોલીસ એકેડમીમાં PSIની તાલીમ લઈ રહેલા અને ભાવનગરની ગર્વેમેન્ટ એન્જિનિયરીંગ કોલેજમાં કલાર્ક તરીકે નોકરી કરતા યુવકોને ઝડપી પાડ્યા છે. કરાઈ એકેડમીમાં તાલીમ લઈ રહેલા યુવકે ભાવનગરના યુવક માટે ડમી તરીકે પરીક્ષા આપી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે બંનેને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.ભાવનગર પોલીસે આજે જે બે આરોપીઓની અટકાયત કરી છે. તેમાં એકનું નામ સંજય પંડ્યા છે જે કરાઈ પોલીસ એકેડમીમાં પીએસઆઈની તાલીમ લઈ રહ્યો છે. જ્યારે અન્ય આરોપીનું નામ અક્ષર બારૈયા છે. જે ભાવનગરની ગર્વેમેન્ટ એન્જિનિયરીંગ કોલેજમાં કલાર્ક તરીકે નોકરી કરી રહ્યો છે. વર્ષ 2021માં બિનસચિવાલય કલાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં અક્ષર બારૈયા તરીકે સંજય પંડ્યાએ ડમી તરીકે પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં અક્ષર બારૈયા પાસ થતા તેને સરકારી નોકરી પણ મળી ગઈ હોવાનું સામે આવ્યું છે.

એક જ દિવસમાં બે યુવકોના રહસ્યમય રીતે મોત
સુરત સહિત રાજ્યમાં નાની ઉંમરે જ યુવાનોના હાર્ટ એટેકથી મૃત્યુ થવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં હાર્ટ એટેકની શંકા સાથે આવા બે બનાવો સામે આવ્યા છે. એક તો દીકરાની છઠ્ઠીના પ્રસંગમાં નાચતા નાચતા ઢળી પડ્યા બાદ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવક સોડા પીધા બાદ ઢળી પડ્યા બાદ મોતને ભેટ્યો હતો. બંનેના મોત હાર્ટ એટેકથી થયા હોવાની શક્યતાઓ જોવાઈ રહી છે. જોકે, રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે.છેલ્લા ઘણા દિવસથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકથી મૃત્યુના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. ક્રિકેટ રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે સુરતમાં ખુશીનો પ્રસંગ અચાનક જ માતમમાં ફેરવાઇ ગયો હતો. કોસાડ ગામ ખાતે કિરણ ઠાકુર નામના વ્યક્તિનું નાચતા નાચતા મોત થતા સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. કિરણ ઠાકુરનું મોત હાર્ટએટેકથી થયાની આશંકા વ્યકત કરાઇ છે.સુરતના કાપોદ્રા વિસ્તારમાં વધુ એક યુવકનું રહસ્યમય મોત નીપજ્યું છે. 32 વર્ષીય યુવકનું સોડા પીતા પીતા મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. યુવક સોડા પીધા બાદ તબિયત લથડી હોવાથી તે નજીકમાં આવેલી એક દુકાનના બાંકડા પર બેસી ગયો હોવાનું સીસીટીવીમાં કેદ થઈ ગયું છે. ત્યારબાદ તે ચાલતાં ચાલતાં જતાં ઢળી પડ્યા હતા.

હર્ષ સંઘવી, મને 24 લાખના દેવામાંથી બહાર કાઢો
અરવલ્લી જિલ્લાના પીપરાણા ગામના મૂળ વતની અને મોડાસા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતા નવઘણભાઈ ભરવાડ છેલ્લા કેટલાક અરસાથી ઓનલાઈન ગેમના રવાડે ચઢી ગયા હતા. આ લત ના કારણે અગાઉ રૂપિયા 8 લાખનું દેવું થઈ જતા આ દેવું માંડ માંડ પરિવારજનોએ ભરી દીધું હતું, પરંતુ ઓનલાઈન ગેમની ખરાબ લતે ચઢી ગયેલા આ પોલીસકર્મીએ તાજેતરમાં જ ફરી રૂપિયા 24 લાખનું દેવું કરી દીધું હતું. દેવાના ભાર નીચે દબાઈ ગયેલા નવઘણ ભરવાડે 24 કલાક પહેલા મોબાઇલ પર વીડિયો બનાવી હર્ષ સંઘવીને મદદ માટે આજીજી કરી વાઇરલ કરી દીધો હતો અને પોતાના મોબાઇલને સ્વીચ ઓફ કરી ઘર છોડી દીધું હતું.વીડિયો વાઇરલ કરતાની સાથે નવઘણ ઘર છોડી ગાયબ થઈ ગયો હતો. વાઈરલ વીડિયો ફરતા ફરતા પોલીસના હાથમાં પહોંચતા જ પોલીસકર્મી કોઈ અઘટિત પગલું ન ભરી બેસે તે માટે પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી. અધિકારીઓએ પોલીસકર્મીની શોધખોળ શરૂ કરી ટેક્નિકલ સર્વેલન્સ અને છેલ્લા મોબાઇલ લોકેશન પ્રમાણે તપાસ આદરી. મળેલી સચોટ વિગત લઈ પોલીસકર્મી નવઘણ ભરવાડને મજરા નજીકથી હસ્તગત કરી લીધો હતો. ત્યારબાદ પોલીસે નવઘણ ભરવાડને તેના પરિવારજનોને સુપ્રત કર્યો હતો. જેથી પરિવારે પણ હાશકારો અનુભવ્યો હતો.

ભાયલીમાં રોડ પીગળી ગયો
વડોદરા શહેરમાં ગરમીનો પારો સતત ઉંચે જઈ છે. ગરમીનો પારો વડોદરામાં 40 ડીગ્રીએ પહોંચી ગયો છે, જેને કારણે શહેરીજનો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. માત્ર 40 ડિગ્રી ગરમીમાં જ વડોદરા શહેરના રોડ-રસ્તાઓ પીગળી રહ્યા છે. વડોદરા શહેરના ભાયલી રોડ પર ડામર પીગળીને ઉપર આવી ગયો છે. જેના કારણે લોકોના ચપ્પલ અને શૂઝમાં ડામર ચોટતો હતો. જેથી રાહદારીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત રોડની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.ઉનાળાના પ્રારંભે રોડ પરનો ડામર પીગળી જતા રોડની કામગીરીમાં ગુણવત્તા સામે પણ સવાલો ઉભા થયા છે. આ પહેલા પણ શહેરમાં રોડ પીગળ્યો હોવાનું સામે આવ્યું હતું અને આજે ફરીથી શહેરમાં રોડ પીગળ્યો છે, ત્યારે લોકો રોડની ગુણવત્તા અને કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે.
