અમદાવાદ3 કલાક પહેલા
- કૉપી લિંક
અમદાવાદના મણીનગર રેલ્વે ક્રોસિંગ પાસે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન આજે સાંજે એક દુર્ઘટના બની હતી. બે પિલરની વચ્ચે સેન્ટીંગ માટે લોખંડની મોટી જાળી ક્રેઇન દ્વારા લઈ અને ગીરી કરવામાં આવતી હતી. ત્યારે ત્યાંથી ચાલતા પસાર થતાં એક મહિલા ઉપર આ લોખંડની જાળી પડી હતી જેથી મહિલા દબાઈ ગઈ હતી. લોખંડની જાળી વચ્ચે દબાઈ જતા મહિલાએ બૂમાબૂમ કરી હતી. તાત્કાલિક લોખંડની જાળીને હટાવી અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં તેઓને સારવાર માટે વટવાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન આ ઘટના બની હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.
લોખંડની જાળી નીચે મહિલા દબાઈ ગઈ હતી
મળતી માહિતી મુજબ મણીનગર રેલ્વે ક્રોસિંગથી મણિનગર રેલવે સ્ટેશન વચ્ચે બુલેટ ટ્રેનની કામગીરી ચાલે છે. આજે સાંજે સાડા છ વાગ્યાની આસપાસ બુલેટ ટ્રેનના બે પિલરની વચ્ચે સેન્ટીંગ માટે એક મોટી લોખંડની જાળી ક્રેઇન વડે ઉંચી કરી અને ત્યાં રાખવામાં આવી રહી હતી. તે દરમિયાન ત્યાંથી એક મહિલા પસાર થઈ રહી હતી તેની ઉપર આ લોખંડની જાળી પડી હતી. લોખંડની જાળી નીચે મહિલા દબાઈ ગઈ હતી. તાત્કાલિક 108ને જાણ કરાઈ હતી. બંને પગના ભાગે ઇજાઓ થઈ હતી અને સ્પાઇનમાં ઇજા થતાં વટવાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું 108ના સૂત્રોએ જણાવ્યું હતું.

ઘટનાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો
ઇજાગ્રસ્ત મહિલાનું નામ સ્મિતાબેન મેકવાન (ઉ.વ.47) હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ બુલેટ ટ્રેનની આ કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન આ લોખંડની જાળી મહિલા ઉપર પડી હતી અને આ દુર્ઘટના બની હતી. ઘટનાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસને જાણ થતા મણીનગર પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બુલેટ ટ્રેનના અધિકારીઓ અને કર્મચારીઓ પણ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા અને મહિલાને સારવાર મળે તેવી વ્યવસ્થા કરી હોવાનું જાણવા મળ્યું છે.

કેશવનગરના બ્રિજનો અમુક ભાગ ધોવાયો હતો
2022માં રાજ્યમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાંથી 76 હજાર ક્યૂસેકથી વધુ પાણી છોડવામાં આવતાં સાબરમતી નદીમાં મોટા પ્રમાણમાં પાણી આવ્યું હતું. નદીમાં છોડવામાં આવેલા ધસમસતા પાણીને કારણે કેશવનગર પાસે રેલવે બ્રિજને અડીને બની રહેલા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટેના બ્રિજનો અમુક ભાગ તૂટી ગયો હતો અને બુલેટ ટ્રેનની કામગીરી માટેનાં બેરિકેડ્સ પણ નદીમાં વહી ગયાં હતાં.
બુલેટ ટ્રેનની કામગીરીમાં ભૂમાફિયાઓ પણ અડચણ બન્યા
2022માં આણંદ જિલ્લામાં બુલેટ ટ્રેનના બ્રિજનું કામ ધીમી ગતિએ થવા પાછળ ભૂમાફિયાઓ અડચણ કરતા હોવાનું બહાર આવ્યુ હતુ. આ બાબતની જાણ થતા જ અધિકારીઓ અને જાપાનના નિષ્ણાતોની ટીમ દોડી આવી હતી. અહીં બુલેટ ટ્રેન માટે 18 કિમી રેલવે ટ્રેક તૈયાર કરવામાં આવતો હતો. જાપાનની બુલેટ પ્રોજેકટ સાથે સંકળાયેલ નિષ્ણાંત જાપાનની ટીમે રાજુપુરા ગામે તૈયાર થઇ રહેલા બ્રિજની મુલાકાત લીધી હતી. પ્રોજેકટના સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરતાં બહાર આવ્યું હતું કેટલાંક સ્થાનિક ભુમાફિયા બ્રિજની કામગીરી અડચણ રૂપ બની રહ્યાં છે. જેના કારણે બ્રિજનું કામ ધીમી ગતિ ચાલી રહ્યું છે.

બુલેટ ટ્રેનના પ્રોજેકટ સાથે સંકળાયેલા એચ એસ આર સ્પીડ એલના એમ.ડી.રાજેન્દ્ર પ્રસાદે જણાવ્યું હતું કે, મહી નદીના બુલેટ ટ્રેન માટે બ્રિજ નકશા મુજબ ઝડપી પુરો કરવા સુચના આપી હતી. બ્રિજની કામગીરી અડચણ રૂપ બનતાં તત્વો સામે સ્થાનિક પોલીસ સાથે રાખીને તેમની સામે કડક કાર્યવાહી કરવા સુચના આપી હતી. સાથે સાથે બ્રિજની કામગીરી દરમિયાન તમામ તકેદારી રાખીને બ્રિજ મજબુત બને તે માટે ધ્યાન રાખવા સુચનો કરવામાં આવ્યાં હતા.