- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- A Youth Committed Suicide By Hanging Himself In Jalaram Society, An Old Man Suffering From Mental Illness In Mwadi Cut Short His Life By Consuming Poison Pills.
રાજકોટ29 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર.
રાજકોટના મોરબી રોડ પર જકાતનાકા પાસે જલારામ સોસાયટીમાં રહેતાં મોહિત ભરતભાઇ જેઠા (ઉં.વ.23) નામના યુવકે ગઈકાલે સાંજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં બી. ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. બીજી એક આપઘાતની ઘટના મવડી વિસ્તારમાં બની હતી. જેમાં વૃદ્ધાએ માનસિક બિમારીથી કંટાળી ઝેરી ટીકડા ખાઇ જિંદગી ટૂંકાવી હતી.
મોહિત પાનની દુકાન ચલાવતો હતો
મૃતક મોહિત પાનની દુકાન ચલાવતો અને બે ભાઈમાં નાનો હતો. ગઈકાલે સાંજે તેમની માતાની તબિયત ખરાબ હોવાથી તેની દવા લેવા માટે માતા-પિતા હોસ્પિટલ ગયા હતાં. જે બાદ ઘરે એકલા રહેલા મોહિતે તેના રૂમમાં જઈ પંખાના હુકમાં લૂંગી વડે ફાંસો ખાઈ અંતિમ પગલું ભરી લીધું હતું. જે બાદ ઘરે પરત ફરેલા તેના માતા-પિતાએ મકાનનો દરવાજો ખખડાવતા તેણે દરવાજો ન ખોલતાં પડોશીઓએ દીવાલ કુદી અંદર જોતા મોહિત લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો. પોલીસે આપઘાતનું કારણ જાણવા પરિવારની પૂછપરછ હાથ ધરી હતી.
વૃદ્ધાએ ઘઉંમાં નાખવાના ટીકડા ખાધા
રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા પંચશીલનગર 2માં રહેતાં જયાબેન ખીમજીભાઈ વાઘેલા (ઉં.વ.70) નામના વૃદ્ધાએ આજે બપોરે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા વધુ પ્રમાણમાં ખાઈ જતા સારવારમાં સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે માલવિયાનગર પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં ત્રણ પુત્ર છે. તેઓ લાંબા સમયથી માનસિક બિમારીથી પીડિત હતા. અંતે કંટાળીને અંતિમ પગલું ભરી લીધું હોવાનું પરિવારજનોની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે.
સગાઈ તૂટતા યુવકે યુવતીના ભાઈ પર હુમલો કર્યો
રાજકોટ શહેરના રેલનગરમાં સગાઈ તૂટી ગયા બાદ યુવકે યુવતીના ભાઈ પર છરી વડે હુમલો કર્યો હતો. તેમજ ‘જો તારી બહેન ઘરની બહાર નીકળશે કે બજારમાં દેખાશે તો તેનું ગળું કાપી નાખીશ’ તેવું કહી ધમકી આપી હતી. હાલ પ્રદ્યુમનનગર પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે.
ચાર મહિના પહેલા સગાઈ હતી
પ્રાપ્ત વિગત મુજબ રેલનગરમાં આવેલી શ્રદ્ધા રેસિડેન્સીમાં રહેતો રોનક રાજુભાઈ ચાવડા નામનો 17 વર્ષનો યુવાન આજે બપોરના સમયે 12 વાગ્યે પોતાના ઘર પાસે હતો ત્યારે ભાવેશ પરમાર, જયદીપ અને તેની સાથેના અજાણ્યા શખ્સે છરી વડે હુમલો કરતા ઘવાયેલી હાલતમાં રોનકને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેને જણાવ્યું હતું કે, મારી બહેનની સગાઈ ભાવેશ સાથે ચાર મહિના પૂર્વે થઈ હતી. પરંતુ થોડા દિવસ પૂર્વે પરિવારજનો સાથે વાતચીત કર્યા બાદ આ સગાઈ તોડી નાખી હતી. બાદમાં આજે ભાવેશ અને તેમના પરિવારને ઘરનો સામાન લઈ જવાનું કહેતા તેઓ ઘરનો સમાન લેવા આવ્યા હતા અને આ સમયે મારા પર છરી વડે હુમલો કર્યો હતો.
ચાર વેપારીએ જાહેરનામાનો ભંગ કર્યો
રાજકોટના ગોપાલ ચોક પાસે સીસીટીવી કેમેરા ન રાખનાર ચાર વેપારી સામે પોલીસે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી છે. રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સાધુ વાસવાણી રોડ પર આવેલ ગોપાલ ચોકમાં સીસીટીવી કેમેરા રાખ્યા વગર રોડ પર વેપાર કરતાં ડી.પટેલ સેલ્સનાં માલિક ધાર્મિક જીતેશ ભૂત, ભાગ્યોદય શોપના માલિક ધ્રુમીલ સંદીપ મહેતા, ગણેશ પ્રોવિઝન સ્ટોરના માલિક મનસુખ ઓધવજી કગથરા અને સ્તુતી કટલેરી સ્ટોરનાં માલિક ભુમિકાબેન વાઢેર વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.