અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક
રાજ્યભરમાં ખળભળાટ મચાવનારા ડમીકાંડ મામલે રોજબરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર પૈસા લેવાના આક્ષેપ બાદ યુવરાજસિંહનું નિવેદન લેવા માટે ભાવનગર પોલીસ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. ત્યારે ડમીકાંડ મામલે આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં યુવરાજસિંહ જાડેજાએ વધુ એક ખુલાસો કરતા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ડમીકાંડમાં મારા પર નામ છુપાવવાના આક્ષેપો લાગી રહ્યા છે. પરંતુ બે નામ મારી પાસે હતાં તે હું જાહેર કરું છું.
યુવરાજસિંહ જાડેજાએ ડમીકાંડમાં બે નામ જાહેર કર્યાં
ડમીકાંડ મામલે નામ જાહેર કરતા વિદ્યાર્થી નેતાએ જણાવ્યું હતું કે, ઋષિ અરવિંદ બારૈયાએ પ્રકાશ દવેના કહેવાથી ધોરણ 12ની પરીક્ષા આપી હતી. દર્શન ભરતભાઈ બારૈયાએ પણ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી છે. ઋષિનાં માતાએ વિનંતી કરી હતી એટલે માનવતાના ધોરણે નામ જાહેર નહોતું કર્યું. મેં જાહેર કરેલો ઋષિનો વીડિયો ગામના સરપંચ અને પંચની હાજરીમાં તેણે આપેલી કબૂલાતનો વીડિયો છે. ભૂતકાળમાં પોલીસે હાથચાલાકી કરી છે. આશા રાખીએ કે પોલીસ આ વખતે એવું નહીં કરે.

ઋષિ અરવિંદ બારૈયા
ભાવનગર SIT સમક્ષ નામ જાહેર કરીશ
વિદ્યાર્થી નેતાએ વધુમાં જણાવ્યું હતું કે, આવતીકાલે મોટા નેતા અને મંત્રીઓનાં નામ જાહેર કરીશ. ભાવનગર SIT સમક્ષ નેતાઓ અને મંત્રીઓનાં નામ જાહેર કરીશ. મંત્રી અને નેતાઓના પણ નિવેદન લેવાવાં જોઇએ. મને ડિનર માટે બોલાવવામાં આવ્યો હતો. આ માર્ચ મહિનામાં પરીક્ષા આપી હતી. ધોરણ 12 કોમર્સની પરીક્ષા આપી હતી. ગઈકાલે ચક્કર આવ્યાં અને મૂર્છા આવી જતા SOG સમક્ષ નહોતો જઇ શક્યો.
મને ખોટી રીતે ફસાવવાના પ્રયાસો થઈ રહ્યા છે
વધુમાં યુવરાજસિંહએ જણાવ્યું હતું કે, મારી પાસે બીજા 17 વીડિયો છે. નેતાઓ અને મંત્રીઓના પણ પુરાવા છે. મને ખોટી રીતે ફસાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આરોપીને સાક્ષી બનાવી મને આરોપી બનાવવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે. એક મંત્રીએ એવું કહ્યું હતું કે, યુવરાજે ભૂતકાળ ભૂલી જવો પડશે. MPHWમાં 24 વિદ્યાર્થીઓ બેઠા હતા.

મારા પરિવારને પણ ધમકી આપવામાં આવી રહી છે
મને જેને જે કરવું હોય તે થાય એ કરી લેવાની છૂટ છે. મારા પરિવારને પણ ધમકી આપવામાં આવી રહી છે. ડમીકાંડમાં માત્ર 36 નામ જ નથી મારી પાસે 136 નામો આપવાની તાકાત છે. નેતાઓ, મંત્રીઓ, અધિકારીઓની પણ સંડોવણી છે. આ કૌભાંડ 2011થી નહીં 2004થી ચાલી રહ્યું છે. પોલીસ રાજકીય હાથો બનીને પ્રતાડિત કરશે તો સાંખી લેવામાં નહીં આવે. જો બિપીન ત્રિવેદીના વીડિયોના આધારે મને બોલાવે તો હું નામ આપું તેમને પણ પોલીસે નિવેદન માટે બોલાવવા પડશે. BRCનાં 5 નામ પણ મારી પાસે છે. 3 ડમી ઉમેદવારનાં નામ પણ છે.