સતત સાતમા દિવસે વરસાદથી નદીઓમાં પૂર, રાહુલની સજાનો ફેંસલો ક્યારે? જાણો 12 સાયન્સનું પરિણામ ઘટવાના 4 કારણ | SIT seized important evidence against Yuvraj Singh, is father-in-law also involved in the racket? Goon in Ahmedabad, watch live CCTV | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • SIT Seized Important Evidence Against Yuvraj Singh, Is Father in law Also Involved In The Racket? Goon In Ahmedabad, Watch Live CCTV

30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાહુલ ગાંધીને વચગાળાની રાહતથી હાઈકોર્ટનો ઈન્કાર

ગુજરાત હાઇકોર્ટમાં માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી. 2 વર્ષની સજાના હુકમને પડકારતી અરજી સુરત સેશન્સ કોર્ટે ફગાવતા રાહુલે સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો છે. આ મામલે ગત 29 માર્ચે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી ત્યાર બાદ આજે રાહુલ ગાંધીની અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.કોર્ટ રૂમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા બિમલ શાહ તેમજ હિંમતસિંહ પટેલ, વકીલ પંકજ ચાંપાનેરી સહિતના લોકો હાજર રહ્યાં હતાં. જ્યાં રાહુલ ગાંધીના વકીલ અને પૂર્ણેશ મોદીના વકીલે સામ સામે દલીલો કરી હતી. રાહુલ ગાંધીના બદનક્ષી કેસમાં કોર્ટનો ઓર્ડર વેકેશન પછી આવશે.પૂર્ણેશ મોદીના વકીલે કહ્યું કે, રાહુલ ગાંધીએ ભાષણમાં કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી ચોકીદાર નથી, દેશના પૈસા લૂંટ છે, નીરવ, લલિત અને વિજય માલ્યા તેમજ મહેલ ચોક્સી પૈસા લઈને ભાગી ગયા છે. મોદી મોદી મોદી બધા મોદી કેમ છે?. કોર્ટમાં પૂર્ણેશ મોદીના વકીલ નાણાવટીS દલીલ કરી છે કે, ફરિયાદી કે કોર્ટે રાહુલ ગાંધીને ગેરલાયક નથી ઠેરવ્યા સંસદે ગેરલાયક ઠેરવ્યા છે તેમજ દલીલ એવી ન કરી શકે કે ફરિયાદીના લીધે તેઓ નુકસાન સહન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, રાહુલે ગાંધીએ ‘બધા મોદી ચોર કેમ હોય છે?’ એવું નિવેદન આપ્યું હતું તેમજ હું પૂર્ણેશ મોદી હોવાથી મેં ફરિયાદ કરી છે અને ડિસ્ક્વૉલિફિકેશન બાદ રાહુલે કહ્યું, હું ગાંધી છું સાવરકર નહીં જેથી માફી નહીં માગુ અને રાહુલ ગાંધીએ માફી માગવાનો પણ ઈનકાર કર્યો. વકીલે વધુમાં કહ્યું કે, તમારુ મોં છે તમે ગમે તે બોલી શકો છો પરંતુ ફરી અહીં અપીલ ન કરી શકો અને તમે તમારા જાહેર નિવેદનોના સ્ટેન્ડ પર રહો તેમજ નિવેદનો બાદ નાના બાળકની જેમ રડો નહીં કે ડિસ્ક્વૉલિફાય કરી દેવાયા.

યુવરાજસિંહ વિરુધ્ધ SITને વધુ એક પુરાવો હાથ લાગ્યો

ડમી ઉમેદવાર કૌભાંડના તોડકાંડમાં SITને યુવરાજસિંહ વિરૂદ્ધ વધુ એક મોટો પુરાવો હાથ લાગ્યો છે. પૂછપરછમાં ખુસાલો થયો હતો કે યુવરાજસિંહે ગાંધીનગરના દહેગામમાં પણ મિલકત ખરીદી હતી. જેની તપાસ કરી રહેલી SITને કેટલાંક CCTV હાથ લાગ્યા છે. આ CCTVના દ્રશ્યોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે યુવરાજસિંહના સસરા ભાવનગરના પી.એમ.આંગડિયા મારફતે રૂપિયા મોકલી રહ્યા છે.યુવરાજસિંહના સસરા રૂપિયા 6 લાખ રોકડા લઇને આંગડિયામાં આવે છે અને આંગડિયાનો કર્મચારી રૂપિયા ગણીને આંગડિયું કરી રહ્યા છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર આ CCTV 6 એપ્રિલના છે, જાણવા મળી રહ્યું છે કે દહેગામમાં ખરીદેલી મિલકત માટે યુવરાજસિંહના કહેવાથી તેમના સસરાએ આંગડિયા દ્વારા આ રૂપિયા મોકલ્યા હતા.ઉલ્લેખનીય છે કે SITની તપાસમાં દહેગામની મિલકતનો દસ્તાવેજ પણ હાથ લાગ્યો છે. આમ તોડકાંડમાં એક પછી એક યુવરાજસિંહ વિરૂદ્ધ SITને મોટા પુરાવા હાથ લાગી રહ્યા છે. ત્યારે એક વાત સ્પષ્ટ છે કે આ જ પુરાવા યુવરાજસિંહની મુશ્કેલી વધારી શકે છે.

આજે ધો.12 સાયન્સનું પરિણામ જાહેર
ધો. 12 સાયન્સનું 65.58% પરિણામ જાહેર થયું છે. એ ગ્રૂપનું પરિણામ 72.27 ટકા અને બી ગ્રુપનું 61.71 ટકા છે. આ પરિણામ ગત વર્ષ કરતા 6.44% ઓછું છે. રાજ્યમાં હળવદ કેન્દ્રનું સૌથી વધુ 90.41 ટકા અને લીમખેડા કેન્દ્રનું સૌથી ઓછું 22 ટકા પરિણામ છે. જિલ્લાની દૃષ્ટિએ મોરબીનું સૌથી વધુ 83.22 ટકા અને દાહોદનું સૌથી ઓછું 29.44 ટકા પરિણામ રહ્યું છે. A1 અને A2 ગ્રેડમાં સૌથી વધુ સુરત જિલ્લાના વિદ્યાર્થી છે. કેમિસ્ટ્રી અને ફિઝિક્સના પેપર અઘરા નીકળતા વિદ્યાર્થીઓને ધારી સફળતા મળી નથી. મહેનત પ્રમાણે પરિણામ ના આવતાં વિદ્યાર્થીઓ નિરાશ થયા છે.રાજ્યમાં આ વર્ષે 1 લાખ 10 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી 61 વિદ્યાર્થી જ A1 ગ્રેડ સાથે પાસ થયા છે.

સતત સાતમા દિવસે કમોસમી વરસાદનો માર
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભરઉનાળે ઠેર-ઠેર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે ફરી અનેક પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. આ વચ્ચે અમરેલી જિલ્લામાં છેલ્લા સાત દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે.ગુજરાતમાં માવઠાંની આગાહી વચ્ચે છેલ્લા સાત દિવસથી અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે સાવરકુંડલા, રાજુલા અને ખાંભા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલાના આદસંગ, ઘનશ્યામનગર, ખોડિયાણા સહિતનાં ગામડાંમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વૈશાખ મહિનામાં ભરઉનાળે આદસંગ ગામ પાસે આવેલી શિર નદીમાં પૂર આવ્યું હતું.બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પણ પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ વરસાદ આવતાં ઠંડક પ્રસરી હતી. જોકે ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. પાલનપુર ઉપરાંત વડગામ, ડીસા, ધાનેરા, અમીરગઢ સહિતના પંથકમાં વરસાદ વરસ્યો છે.

નિખિલ દોંગાને સાબરમતી જેલમાં મોકલાશે
હત્યાની કોશિશ સહિતના 14થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડેલ અને ગુજસીટોકના ગુનામાં જેલની હવા ખાતા નિખિલ દોંગાને સાબરમતી જેલમાં મોકલવા આદેશ કરાયો છે. રાજકોટની સ્પેશિયલ કોર્ટે નિખિલ દોંગાને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે. કુખ્યાત નિખિલ દોંગાએ સાબરમતી જેલમાં જવાના આદેશ પર સ્ટે માટે અરજી કરી હતી. રાજકોટની સ્પેશિયલ કોર્ટે નિખિલ દોંગાની અરજીને ફગાવી દીધી છે અને તેને સાબરમતી જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે. અત્યારે નિખિલ દોંગા ભુજની પાલારા જેલમાં બંધ છે. મહત્વનું છે કે, ભુજની જેલમાં નિખિલ દોંગાને સગવડો મળતી હોવાની પોલીસે ફરિયાદ કરી હતી. રાજકોટ સહિત અન્ય જિલ્લામાં નિખિલ દોંગા ગેંગ સામે હત્યાની કોશિશ સહિત 117 જેટલા ગુના નોંધાયા છે. ત્યારબાદ પોલીસ દ્વારા કુખ્યાત નિખિલ દોગા સામે ગુજસીટોક કાયદાનું હથિયાર ઉગામી ગોંડલ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જ્યાં નિખિલ દોંગાએ આખા જેલ પ્રશાસનને રૂપિયાના પાવરથી કાબૂમાં કરી લીધું હતું અને જેલમાં પણ તે જલસાની જિંદગી જીવતો હતો. જે અંગે જિલ્લા પોલીસ વડાને જાણ થતાં નિખિલને ભુજની પલારા જેલમાં મોકલ્યો હતો.થોડા દિવસબાદ નિખિલે બીમારીનું કારણ ધરીને ભાગી જવા માટે નાટક રચ્યું હતું. જેથી પોલીસ દ્વારા તેને ભુજ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલસને હાથતાળી આપીને નિખિલ દોંગા રાત્રે ફરાર થઈ ગયો હતો. જે બાદ પોલીસે ત્રણ દિવસમાં જ તેને ઝડપી પાડ્યો હતો. તેની ઉતરાખંડના નૈનીતાલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ પોલીસને એવી માહિતી મળી હતી કે તેને ભુજની જેલમાં પણ દરેક સગવડો મળી રહી છે. જેથી પોલીસે તેને સાબરમતી જેલમાં ખસેડવા કોર્ટમાં અપીલ કરી હતી.

બાઈક પર આવેલા ત્રણ શખસે અચાનક હુમલો કર્યો
ચીખલી નજીકના થાલા ગામે ચીખલીની વસુધારા માર્ગ પર નહેર નજીક નિવૃત્ત ASIના પુત્ર ઉપર ત્રણ અજાણ્યા ઈસમોએ પ્રાણઘાતક હુમલો કરતાં તે લોહીલુહાણ થયો હતો, જેને પોલીસે હોસ્પિટલ ખસેડવાનો પ્રયાસ કર્યો, પણ સારવાર મળે એ પૂર્વે તેનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ ચીખલી દોડી આવ્યા હતા અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. ત્યારે પોલીસે 12 કલાક બાદ ત્રણ પૈકી બે આરોપીની ઓળખ કર્યા બાદ તેમને રાઉન્ડ અપ કર્યા છે. જ્યારે એક આરોપી પોલીસ પકડથી દૂર છે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.નવસારીના ચીખલી તાલુકાના થાલા ગામે શિવેચ્છા સોસાયટીમાં રહેતો વિનલ પટેલ ગત રાતે 8 વાગ્યા આસપાસ પોતાનું મોપેડ લઈને કોલેજ સર્કલ નજીક આવેલી નહેર પાસેથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન એક દૂધ વહન કરતી બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખસે તેને આંતરી અચાનક લોખંડની પાઇપ વડે પ્રાણઘાતક હુમલો કર્યો હતો.અચાનક થયેલા હુમલાથી ડઘાઈ ગયેલા વિનલે બચવાનો પ્રયાસ કર્યો, પણ તેનો પગ ભેરવાઈ જતાં જમીન પર પડ્યો હતો. એ બાદ હુમલાવરો તેના ઉપર તૂટી પડ્યા હતા, જેથી તેને ફ્રેક્ચર થયું હતું, જ્યારે હુમલાથી બચવાના પ્રયાસમાં વિનલના માથાના પાછળના ભાગે ઈજા થતાં લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો.ચીખલી પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક દોડતી થઈ હતી. હુમલાખોરો ભાગવાની ઉતાવળમાં ઘટનાસ્થળે પોતાની બાઈક મૂકી ગયા હતા. આ વચ્ચે પોલીસે પોતાના વાહનમાં જ ગંભીર રીતે ઘવાયેલા વિનલ પટેલને ચીખલી રેફરલ હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, પરંતુ સારવાર મળે એ પૂર્વે જ વિનલનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. જેથી પોલીસે મૃતદેહને પીએમ રૂમમાં ખસેડી તપાસને વેગ આપ્યો હતો. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ અધીક્ષક ઋષિકેશ ઉપાધ્યાય, નાયબ પોલીસ વડા એસ. કે. રાય સહિત LCB, SOG તેમજ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને હુમલો કરનારા આરોપીઓને શોધવાનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં. આ દરમિયાન પોલીસે 12 કલાક બાદ ત્રણ પૈકી બે આરોપીની ઓળખ કર્યા બાદ તેમને રાઉન્ડ અપ કર્યા છે. જ્યારે એક આરોપી પોલીસ પકડથી દૂર છે. પોલીસે વશિષ્ઠ પટેલ અને રાહુલ રબારીની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં ગુંડારાજના લાઈવ દ્રશ્યો

અમદાવાદ શહેરમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ કથળી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના બે અલગ અલગ વિસ્તારમાં યુવકોને માર મારતા હોવાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં એક બનાવમાં એક્ટિવા ચાલકનો પીછો કરી કારથી ટક્કર મારી કારસવાર શખસો ધોકા-પાઈપ વડે તૂટી પડ્યા હતા. બીજા બનાવવામાં યુવકોને સિગરેટ પીવા બાબતે ઠપકો આપતા સિક્યુરિટીને ઢોર પટ્ટા અને પાઈપથી માર માર્યા હતો. આ બન્ને ઘટનામાં સીસીટીવી પણ સામે આવ્યા છે. આ સમગ્ર મામલે પોલીસે હાલ ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા પ્રયાસ હાથ ધર્યા છે. ખૂલ્લેઆમ ગુનેગારો દ્વારા થતી આ પ્રકારની ઘટનાથી હાલ શહેરમાં ડરનો માહોલ સર્જાયો છે.પ્રથમ ઘટના અમદાવાદના બોડકદેવ વિસ્તારની છે. જેમાં એક સિક્યુરિટી ગાર્ડને કેટલાક યુવકો ફટકારી રહ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં દેખાતા દ્રશ્યોમાં ત્રણ-ચાર યુવકો ભેગા થઈને પટ્ટા અને છુટ્ટા હાથથી સિક્યુરિટી ગાર્ડને માર મારી રહ્યા છે. આ અંગેની સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સિક્યુરિટી ગાડે આ યુવકો પૈકી એક વ્યક્તિને સિગરેટ પીવા સંદર્ભે ટોક્યો હતો અને ત્યારબાદ સમગ્ર મામલો બિચક્યો હતો. યુવકોએ ભેગા મળીને સિક્યુરિટી ગાર્ડને માર માર્યો હતો. આ સમગ્ર દ્રશ્યો નજીકના CCTV કેમેરામાં કેદ થયા છે. આ સંદર્ભે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે આરોપીને પકડવા માટે પણ પ્રયાસો શરૂ કરાયા છે.

Previous Post Next Post