વલસાડ2 મિનિટ પહેલા
- કૉપી લિંક
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના વાઘછીપા વિસ્તારમાં રહેતી અને HSC વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ફરી વખત નાપાસ થઈ હતી. જેથી શાકભાજી વેંચતા તેના પિતાને ફોન કરી HSC વિજ્ઞાન પ્રવાહમાં નાપાસ થઈ હોવાની જાણ કરી વિદ્યાર્થિનીએ પાર નદીમાંથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. સગીરાને પાર નદીના બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી હોવાની ઘટનાને લઈને સ્થાનિક લોકોએ ચંદ્રપુરના તરવૈયા અને પારડી પોલીસને જાણ કરી હતી. ચંદ્રપુરના તરવૈયાઓએ સગીરાને બચાવવાના ઘણા પ્રયાસો બાદ પણ સગીરાની લાશ પાર નદીમાંથી નીકળતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
રાજ્યમાં આજે HSC વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું. જેમાં પારડી વાઘછીપા ગામમાં રહેતી નેહા કમલેશભાઈ પટેલે તેનું પરિણામ ઓનલાઇન ચેક કરતા નેહા નાપાસ થઈ હોવાથી હતાશ થઈ હતી. જેને લઈને પાર નદીના બ્રિજ પાસે નેહા પહોંચી હતી. અને શાકભાજી વેંચતા પિતાને ફોન કરીને તે પાર નદી પાસે આવી હોવાની જાણ કરી હતી. તેમજ તે ફરી વખત HSCની પરીક્ષામાં નાપાસ થતા હતાશ થઈ હોવાની જાણ પિતાને ફોન ઉપર કરી હતી. પિતાએ દીકરીની આશ્વસન આપીને ઘરે આવી જવા સમજાવતા તેમની પાસે બોલાવી હતી. દીકરીએ ફોન કટ કરી નાખતા કમલેશભાઈ શાકભાજીની લારી છોડી તેમની પત્ની સાથે પારડી પાર નદીના બ્રિજ પાસે આવી પહોંચ્યા હતા. જ્યાં લોકોનું ટોળું એકત્રિત થયેલું જોઈ ચેક કરતા એક સગીર દીકરીએ પુલ ઉપરથી ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. અને તરવૈયાઓએ સગીરાની લાશ કાઢી હોવાનું જાણવા મળતા ચેક કરતા તેમની દીકરી નેહા હોવાનું જાણવા મળ્યું હતું. સ્થાનિક લોકોએ પારડી પોલીને જાણ કરતા પોલીસે લાશનો કબ્જો મેળવી PM માટે મોકલાવી હતી. ઘટના અંગે કમલેશભાઈએ તેમની દીકરી નેહાએ બોર્ડમાં નાપાસ થતા હતાશ થઈને આપઘાત કર્યો હોવાની નોંધ કરાવી હતી. પારડી પોલીસે નોંધ લઈને આગળની તપાસ હાથ ધરી છે.