પાલનપુર19 મિનિટ પહેલા
- કૉપી લિંક

- વેપારી પાસેથી ત્રણ શખ્સોએ બેગ છીનવતાં ટુવ્હીલર પરથી વેપારી પડી ગયા
- નમકીન વેચાણની રકમ લઇ ઘરે જતા હતા, લૂંટારા બાઇક અને મોબાઇલ મુકી ફરાર
પાલનપુરમાં નમકીનના દિવ્યાંગ વેપારી શનિવારે તેમના જ્યુપીટર ઉપર ઘરે જઇ રહ્યા હતા. ત્યારે બાઇક ઉપર આવેલા ત્રણ અજાણ્યા શખ્સો રૂપિયા 1.75 લાખ ભરેલી બેગની લૂંટ કરી નાસી છુટ્યા હતા. આ અંગે વેપારીએ પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
પાલનપુર આકેસણ રોડ ઉપર અક્ષતમ સોસાયટીમાં રહેતા ભાવેશભાઇ ગોરધનભાઇ માંકડીયા (પટેલ) રાબેતા મુજબ શનિવારે રાત્રે 9: 00 કલાકે અમદાવાદ હાઇવે નજીક પંચવટી સોસાયટી પાસે આવેલી તેમની નમકીનની એજન્સીએથી રૂપિયા 1,75,000 બેગમાં ભરી તેમનું જ્યુપીટર નં. જીજે. 08. એ.આર. 6551 લઇ ઘરે જવા નીકળ્યા હતા.
જેઓ પાલનપુર- અમદાવાદ પુલ ઉતરી ઉપાસના સ્કુલ પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે પાછળથી બાઇક ઉપર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ચાલુ જ્યુપીટરે પીઠ ઉપર લટકાવેલી બેગ ખેંચી હતી. આથી તેઓ નીચે પટકાયા હતા. દરમિયાન ત્રણેય શખ્સો નીચે ઉતરી વેપારી સાથે ઝપાઝપી કરી બેગ લઇને ફરાર થઇ ગયા હતા. આ અંગે તેમણે પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
દિવ્યાંગ હોવા છતાં શખ્સોનો સામનો કર્યો
વેપારી ભાવેશભાઇ ડાબા પગે દિવ્યાંગ છે. જેઓ જ્યુપીટર ઉપરથી નીચે પડી ગયા પછી બે શખ્સો ઝપાઝપી કરી બેગની લૂંટ કરી અંધારામાં નાસી ગયા હતા. જોકે, ત્રીજો શખ્સ નીચે પડેલું બાઇક લેવા જતાં તેને ભાવેશભાઇએ પકડી લીધો હતો. આથી શખ્સે ચપ્પુ મારવા જતાં તેનો હાથ પકડી લીધો હતો. તેનું ચપ્પુ પડી ગયું હતુ. વેપારીએ બુમાબુમ કરતાં શખ્સ બાઇક ત્યાં મુકીને નાસી ગયો હતો.
લૂંટનો ભેદ જલદી ઉકેલાશે : પીઆઈ
વેપારી પાસેથી લૂંટ ચલાવનારા શખ્સો નંબર પ્લેટ વિનાનું બાઇક ઘટના સ્થળે મુકીને નાસી ગયા છે. આ ઉપરાંત તેમનો એક મોબાઇલ ફોન પણ ત્યાંથી મળી આવ્યો છે. જે કબ્જે લઇ તપાસ હાથ ધરવામાં આવી છે. ટુંક સમયમાં લૂંટનો ભેદ ઉકેલવામાં આવશે. > આર. બી. ગોહિલ (પીઆઇ, પશ્વિમ પાલનપુર)