બ્રેઈનડેડ 23 વર્ષીય યુવકના લિવર, બે કિડની અને આંતરડાનું દાન, ચાર વ્યક્તિઓને નવી જિંદગી બક્ષી | Brain-dead 23-year-old donates liver, two kidneys and intestines, gives new life to four | Times Of Ahmedabad

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક

સુરત શહેરે ઓર્ગન ડોનર સિટી તરીકે પણ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. અહીં અઠવાડિયામાં બેથી વધુ બ્રેઈનડેડ વ્યક્તિના પરિવારજનો અંગદાન કરે છે. બ્રેઈનડેડ 23 વર્ષીય યુવકના લિવર, બે કિડની અને આંતરડાનું દાન કરવામાં આવ્યું છે. આ સુરત સિવિલ હોસ્પિટલથી બીજી વાર આંતરડાનું દાન કર્યું છે. આ અંગદનના કારણે ચાર વ્યક્તિઓને નવી જિંદગી બક્ષી માનવતાની મહેક ફેલાવી છે.

બ્રેઈનડેડ સ્વજનના અંગોનું દાન કરવામાં જાગૃત્તિ આવી

અકસ્માતની ઘટનાઓમાં વ્યકિતને માથાના ભાગે ઈજા થવાના કારણે અથવા બ્રેઈન સ્ટ્રોકના કારણે બ્રેઈનડેડ જાહેર કરવામાં આવતા હોય છે. મિની ભારત તરીકે ઓળખતા સુરત શહેરમાં દેશભરમાંથી રોજગારી અર્થે આવેલા પરપ્રાંતીય લોકોમાં પણ બ્રેઈનડેડ સ્વજનના અંગોનું દાન કરવામાં જાગૃત્તિ આવી છે, જેનું તાદ્રશ્ય ઉદાહરણ રાજભર પરિવારે પૂરૂ પાડ્યું છે.

દોઢ મહિના પહેલા જ સગાઈ થઈ હતી

સુરત શહેરના પાંડેસરા વિસ્તારની મહાદેવનગર સોસાયટીમાં પોતાના સગાને ત્યાં 23 વર્ષીય પ્રિતેશ રાજભર રહેતો હતો. પ્રિતેશ મૂળ ઉત્તરપ્રદેશના મિર્ઝાપૂર જિલ્લાના ગોતવા ગામના વતની અને સુરતમાં એમ્બ્રોઈડરીના કારખાનામાં નોકરી કરતા હતા. તેમની દોઢ મહિના પહેલા જ સગાઈ થઈ હતી. તા.30મી એપ્રિલે પાંડેસરાના ગણપતનગર પાસે રોડ પર બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક બાઈક સ્લીપ થતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તત્કાલ 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બે દિવસની સારવાર બાદ ગત રોજ ન્યુરોસર્જન ડો.જય પટેલ તથા ન્યુરો ફિજીશ્યન ડો.કેયુર પ્રજાપતિએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

પિતાએ અંગદાન માટે સંમતિ આપી

સિવિલ ખાતે સોટોની ટીમના આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, નિર્મલાબેન તથા ગુલાબભાઈએ તેમના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. તેમના પિતા મનોજકુમાર રાજભરે સંમતિ આપતા આજે બ્રેઈનડેડ પ્રિતેશની બે કિડની, લિવર તથા આંતરડાનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. સુરત સિવિલથી બીજી વાર આંતરડાનું દાન થયું છે, જે મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ એક દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ થશે.

છેલ્લા છ મહિના દરમિયાન 22મું ઓર્ગન ડોનેશન

સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં છેલ્લા છ મહિના દરમિયાન 22મું ઓર્ગન ડોનેશન થયું હતું. આજદિન સુધી 63 અંગોનું દાન કરાયું છે, જેમાં 18 લીવર, 38 કિડની, 3 હાથ, 1 સ્વાદુપિંડ અને બે નાના આંતરડાને દેશભરના વિવિધ જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે. રાજભર પરિવારે ‘મહાદાન અંગદાન’થી અન્ય ચાર વ્યક્તિઓને નવી જિંદગી બક્ષીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.

أحدث أقدم