કચ્છ-ગોંડલ પંથકમાં વાવાઝોડાં અને કરાં સાથે ભારે વરસાદ, અંજારમાં વીજળી પડતાં 28 પશુનાં મોત | Heavy rain with thunderstorm and hailstorm in Kutch-Gondal division, 28 cattle died due to lightning in Anjar | Times Of Ahmedabad

ગાંધીધામ6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાતમાં હજી પણ આવનારા બે દિવસ 29 મે અને 30 મે માટે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે કચ્છ અને ગોંડલ પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. તો કંડલા પોર્ટ પર પવનના જોરથી ક્રેઈન આપોઆપ ખસકી હતી અને ચાર ક્રેઈનો એકબીજા સાથે ટકરાઈ હતી. જોકે કાર્ગો હેલ્લીંગ ન હોવાના લીધે મોટી નુકસાની ટળી હતી. કચ્છના ગાંધીધામ, આદિપુર, અંજાર અને કંડલામાં બપોર બાદ મીની વાવાઝોડાં જેવી સ્થિતી સર્જાઈ હતી. તો આજે બપોર બાદ રાજકોટ જિલ્લાના ગોંડલ, ધોરાજી અને જેતપુર પંથકમાં કરા સાથે તોફાની વરસાદ વરસ્યો હતો. બીજી બાજુ અંજાર શહેરમાં બે જગ્યાએ વીજળી પડવાની ઘટના સામે આવી છે. અંજારના મોડસર ગામે વીજળી પડતા 28 જેટલા પશુઓના મોત થયા છે તો બીજી ઘટનામાં બંધ મકાનમાં વીજળી પડતા અંદર રહેલી ઘરવખરી અને એક વાહન બળીને ખાખ થઈ ગયું હતું.

કચ્છભરમાં ભારે ભવન સાથે વરસાદ
હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી વચ્ચે આજે બપોરે અચાનક કચ્છનાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. કચ્છનાં વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. તો ક્યાંય કરા સાથે પણ વરસાદ થયો હોવાનું સામે આવ્યુ હતું. પૂર્વ કચ્છનાં ગાંધીધામ, આદિપુર, કંડલા, અંજારનાં વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવનનાં કારણે વૃક્ષો, વીજપોલ ધરાશાયી થયા હતા.

કંડલા પોર્ટમાં મહાકાય ક્રેન સામસામે ટકરાયાં
ભારે પવન સાથે વરસાદ પડતા કંડલા પોર્ટ પર ક્રેનો આપોઆપ ખસકી હતી અને પવનના જોરથી ચાર ક્રેન એકબીજા સાથે ટકરાઈ હતી. જોકે કાર્ગો હેલ્લીંગ ન હોવાના લીધે મોટી નુકશાની ટળી હતી. કંડલામાં આવેલ કસ્ટમ હાઉસની ઇમારતના પતરા ઉડ્યા હતા અને ગાંધીધામના ટાગોર રોડ પર પણ વિજપોલ ધરાસાયી થયા હતા.

મોડસર ગામે વીજળી પડતા 16 બકરા અને 12 ઘેટાનાં મોત
અંજારના મોડસર ગામે વીજળી પડતા 28 જેટલા પશુઓના મોત નિપજ્યા છે. હવામાન વિભાગની ભારે વરસાદ આગાહી વચ્ચે વીજળી ત્રાટકતા બનાવ બન્યો હતો. જેમાં 16 બકરા અને 12 ઘેટાનાં મોત નિપજ્યા છે. એકાએક પશુઓના મોત થતા માલધારી પર આભ ફાટ્યું છે.

અંજારમાં બંધ મકાન ઉપર વીજળી પડતા ઘરવખરી બળીને ખાખ
અંજારની રેફરલ હોસ્પિટલ પાછળ એક બંધ મકાનમાં વીજળી પડતાં ઘરવખરી બળીને ખાખ થઈ ગયેલ છે. ઘરમાં પાર્ક કરેલું ટુ વ્હીલરમાં પણ નુકશાની થઈ છે. ભાડુઆત પોતાના વતન હોવાથી મુખ્ય માલિકનું સરનામું મળતું નથી. વીજળી પડવાથી આસપાસ ભયનો માહોલ સર્જાયો છે. સદનસીબે ઘરમાં કોઈ હાજર ન હોવાથી જાનહાની ટળી છે.

પૂર્વ કચ્છમાં ભારે પવન સાથે વરસાદથી નુકશાની
વેસ્ટર્ન ડિસ્ટર્બને કારણે આજે બપોર પછી કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ખાસ કરીને તેની વ્યાપક અસર પૂર્વ કચ્છમાં જોવા મળી હતી. ગાંધીધામમાં મોબાઈલ ટાવર પડ્યો, કંડલામાં જેટી ઉપરની તોતિંગ ક્રેન એકબીજા સાથે અથડાઈ, અંજારના માર્કેટ યાર્ડમાં પેકીંગ કરીને મુકેલી હજારો કિલો કેરી વરસાદમાં પલળી જતાં વેપારીઓને મોટું નુકશાન, ઉપરાંત મોડવદર પાસે કંપનીના શેડ ભારે પવનના કારણે ઉડી ગયા હતા.

કેરીઓની પેટીઓ વરસાદમાં પલાળી ગઈ
બપોર બાદ શરૂ થયેલા ભારે પવન વરસાદના માહોલ વચ્ચે ગાંધીધામ, કંડલા અને અંજાર તાલુકાના વિસ્તારોમાં તેની અસર જોવા મળી હતી. કંડલા પોર્ટમાં જેટી ઉપર કાર્ગો હેન્ડલ કરવા માટેની મોટી તોતિંગ ક્રેન ભારે પવનમાં તેના પાટા ઉપર ખસીને એકબીજા સાથે અથડાઈ ગઈ હતી. તો ગાંધીધામમાં મોબાઈલ ટાવર ધરાશાયી થઇ ગયો હતો. તો કયાંક મકાનના પતરા ભારે પવનમાં ઉડી ગયા હતા. અંજારના માર્કેટ યાર્ડમાં પેક કરીને રાખવામાં આવેલી કેરીઓની પેટીઓ વરસાદમાં પલાળી ગઈ હતી. જેના કારણે વેપારીઓને મોટું નુકશાન થયું હતું. ઉપરાંત મોડવદર પાસે એક કંપનીના શેડ પવનના કારણે ઉડી ગયા હતા. અંજાર તાલુકાના અજાપર ગામ ખાતે મકાનના પતરા હવામાં ઉડી ગયા હતા. મજૂરોના ઘરની છત ઉડી જવાને કારણે ઘરમાં રાખવામાં આવેલી ઘર વખરીની વસ્તુઓ પલળી ગઈ હતી. આવી જ સ્થિતિ કંડલામાં કસ્ટમ હાઉસમાં પણ જોવા મળી હતી. જ્યાં બિલ્ડિંગની ઉપર લગાવવામાં આવેલી પ્લાસ્ટિકની છત ઉડી ગઈ હતી.

ગોંડલ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં હજી પણ આવનારા બે દિવસ 29 મે અને 30 મે માટે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે ગોંડલમાં પણ વરસાદે એન્ટ્રી કરી છે અહિં તાલુકાના કોલીથડ, હડમતાળા, પાટીયાળી, ભોજપરા, નાગડકા, ભુણાંવા, અનિડા ભાલોડી સહિતના અનેક ગામોમાં ગાજવીજ ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડયો હતો.

વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાયો
ગોંડલના ગ્રામ્ય વિસ્તારો, નાગડકા, ભુણાંવા ગામે કરા સાથે તોફાની વરસાદ પડ્યો હતો. તો ગોંડલ શહેરમાં ગાજવીજ કરા સાથે ધોધમાર વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી હતી. પરંતુ ગોંડલમાં વરસાદના પ્રારંભ સાથે જ વીજપુરવઠો ખોરવાયો હતો. તેથી લોકોએ હાલાકી પણ ભોગવવી પડી હતી.

રાજકોટ જિલ્લાના ધોરાજી અને જેતપુર પંથકમાં વરસાદ
રાજકોટ જિલ્લામાં સવારથી જ ભારે બફારો જોવા મળ્યો હતો. બપોર બાદ રાજકોટ જિલ્લાના જેતપુર અને ધોરાજી પંથકમાં વાવાઝોડા સાથે વરસાદની શરૂઆત થઈ હતી. જેતપુર શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો. વિરપુર, કાગવડ અને મેવાસા ગામે ભારે પવન સાથે વરસાદ વર્ષયો હતો. ધોરાજી શહેરમાં ભારે પવન સાથે વરસાદ વર્ષયો હતો. વરસાદના કારણે રોડ પર પાણી વહેતા થયા હતા.

જેતપુર પંથકમાં વરસાદી વાતાવરણમાં ઠંડક પ્રસરી
જેતપુર શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં પવન ફૂંકાયો પંથકમાં વીરપુર, કાગવડ અને મેવાસા ગામે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. સવારથી જ બફારો જોવા મળ્યો હતો. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો વરસાદી માહોલ બાદ ઠંડક પ્રસરી છે.

ધોરાજી બપોર બાદ અચાનક વાતાવરણ પલટાયો
હવામાન વિભાગની આગાહી રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં જોવા મળી સવારે ભારે બફારો જોવા મળ્યો હતો. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવતાની સાથે જ આકાશમાં કાળા ડીંબાંગ વાદળો છવાઇ ગયેલો જોવા મળ્યો હતો. ધોરાજી શહેરમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદને લઈને ખેડૂત પુત્રો ચિંતિત બન્યા હતા.

હવામાન વિભાગ ની આગાહી હજુ બે દિવસ વરસાદ પડશે
હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હજી પણ બે દિવસ સુધી વરસાદ પડશે ભારતમાં એક તરફ ચોમાસું શરૂ થવાના હવે ગણતરીના દિવસો જ બાકી છે અને બીજી તરફ દેશના અનેક વિસ્તારોમાં હાલ કમોસમી વરસાદ પડી રહ્યો છે.

આ વર્ષે કેરળમાં ચોમાસું 4 જૂનની આસપાસ પહોંચે તેવી શક્યતા છે, જે બાદ 12થી 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું આવે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે.

أحدث أقدم