એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવી જોડિયા બાળકો સહિત 3 જિંદગીઓ માટે જીવનદાતા બની '108 સેવા' | 108 Ambulance gave birth to twins and 3 lives saves | Times Of Ahmedabad

રાજકોટ19 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટના રાજસમઢિયાળા ગામની પ્રસુતા માટે “108 એમ્બ્યુલન્સ” સેવા જોડિયા બાળકો સહિત 3 જિંદગીઓની જીવનદાતા બની હતી. 108ના જિલ્લા સુપરવાઈઝર દર્શિત પટેલે કેસ વર્ણવતાં જણાવ્યું હતું કે, રાજકોટના રાજસમઢિયાળા ગામે ખેત મજુરી અર્થે આવેલા 26 વર્ષીય પ્રસુતાને પ્રસવ પીડા ઉપડતા આશાવર્કર બહેને 108ને કોલ કર્યો હતો. રાજકોટ 108ના સરધાર લોકેશન ફરજ ઉપરના ઈ.એમટી. કાળુભાઈ ગોહિલ અને પાયલોટ મનસુખ મેણીયા સત્વરે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વધુ વિગતો આપતા 108ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર અને ઈ.એમ.ઈ. યોગેશ જાનીએ જણાવ્યું હતું કે, રાજ સમઢિયાળા વાડી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પ્રસુતાને હોસ્પિટલ લાવી રહ્યા હતા ત્યારે અસહ્ય દુ:ખાવો ઉપડતાં હોસ્પિટલ પહોંચતા પહેલાં જ પ્રસુતિ કરાવવી જરૂરી જણાતા ગામની બહાર જ રસ્તાની સાઈડમાં 108 ઉભી રાખી સ્થળ ઉપર જ પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી.

એમ્બ્યુલન્સમાં હાજર ઈ.એમટી. કાળુ ગોહિલને પ્રસુતાનાં રીપોર્ટ તપાસતા જણાયું કે તેઓને જોડિયા બાળકો છે. પ્રસુતિ વેળાએ માથાનાં બદલે હાથ દેખાતા પ્રસુતિ કરાવવી મુશ્કેલ થઈ જતાં ઈ.એમટી. કાળુભાઈએ સમયસૂચકતા વાપરી 108 હેડ ઓફીસનાં ઈ.આર.સી.પી. ડો. જય અને ડો.મયુરનું ટેલીફોનિક માર્ગદર્શન મેળવી પ્રસુતાની નોર્મલ અને સફળ પ્રસુતિ કરાવી બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. નવજાત શિશુઓને શ્વાસ લેવામાં થોડી તકલીફ હોવાથી કૃત્રિમ શ્વાસ અને ઓક્સિજન આપી જરૂરી સારવાર આપવામાં આવી હતી. વધુ સારવાર અર્થે નવજાત શિશુઓ અને માતાને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ માતા અને શિશુઓ સંપુર્ણપણે સ્વસ્થ છે. 108ની ટીમે સમયસૂચકતા વાપરી એમ્બ્યુલન્સની અંદર જ પ્રસુતાની જટિલ પ્રસુતિ પણ નોર્મલ અને સફળ કરાવતાં બે ફુલ જેવા કોમળ જોડીયા બાળકોને જન્મ અપાવી ત્રણ માનવ જિંદગીઓ માટે જીવનદાતા બની પ્રશંસનીય કાર્ય કરતા પરિવારજનોએ 108 સેવા અને તેના આરોગ્યકર્મીઓને બિરદાવી દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, એમ્બ્યુલન્સમાં હાજર ઈ.એમ. ટી.ની મદદથી એપ્રિલ માસમાં રાજકોટનાં 48 સહિત ગુજરાતનાં 784 બાળકોની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવવામાં આવી હતી.

أحدث أقدم