ડ્રગ્સના અંધકારમાંથી દીકરાને બહાર કાઢવા માતા 3 વર્ષ લડી | A mother fought for 3 years to bring her son out of the darkness of drugs | Times Of Ahmedabad

રાજકોટએક મિનિટ પહેલાલેખક: હિરેન ભટ્ટ

  • કૉપી લિંક
  • રાજકોટમાં દીકરાની ઝેર થતી જિંદગીને અમૃતમય બનાવનારી લડાયક માતાની દાસ્તાન

રાજકોટ પાસેથી શુક્રવારે 214 કરોડનું ડ્રગ્સ રેઢું પકડાયું, ગુજરાતના દરિયા કિનારેથી અને કચ્છના સરહદી વિસ્તારમાંથી સમયાંતરે કરોડોનો ડ્રગ્સનો જથ્થો ઝડપાઇ રહ્યો છે, પરંતુ તેમ છતાં રાજકોટ સહિત રાજ્યભરમાં પેડલરોની ચેનલ વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવી આ નેટવર્ક બેરોકટોક ચલાવી રહી છે. ડ્રગ્સની ચુંગાલમાં ફસાયેલા યુવાધનને બરબાદીના પંથેથી પરત લાવવું કેટલું કપરું છે, તે જાણવા રાજકોટમાં દીકરાની ઝેર થતી જિંદગીને અમૃતમય બનાવનારી લડાયક માતાના સંઘર્ષની વાત કરવી છે. ડ્રગ્સના અંધકારમાંથી દીકરાને બહાર કાઢવા માતા સતત ત્રણ વર્ષ સુધી દિવસ-રાત જાગી, પોલીસ મથકે દોડતી રહી, પેડલરો સાથે લડતી રહી અને અંતે દીકરાને ઉજાશ તરફ લઇ ગઇ.

માતૃ શક્તિમાં એટલી તાકાત છે કે એ નિર્ધાર કરી લે તો પોતાના સંતાનને મોતના મુખમાંથી બહાર લાવી શકે છે. ઓળખ છુપાવવા પાત્રોના નામ વગર રજૂ કરાયેલી સત્ય ઘટના પર આધારિત આ શૌર્યગાથા દરેક માતામાં માતૃ શક્તિનો સંચાર કરે તેવી છે. રાજકોટના પોશ વિસ્તારમાં રહેતો નાનકડો પરિવાર. પતિ, પત્ની અને એકનો એક પુત્ર. પતિનો બિઝનેસ જોરમાં ચાલતો હતો, પત્ની શ્રેષ્ઠ ગૃહિણીની ફરજ અદા કરી રહી હતી અને પુત્ર અભ્યાસમાં એટલો તેજસ્વી હતો કે, કાયમ માતા-પિતાને ઉજાળે એવું ઊજળું પરિણામ લાવતો. દીકરાએ 12 સાયન્સ પાસ કર્યા બાદ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું.

અહીંથી આ પરિવારની ખુશીની પળો દુ:ખમાં અને આરામદાયક દિવસો સંઘર્ષમાં પલટાવાનું શરૂ થયું. ગૃહિણી તરીકે ઘરને સ્વર્ગ બનાવનારી પત્ની પર આભ ફાટ્યું હોય તેમ પતિને પેરેલિસિસનો હુમલો આવ્યો અને બીજી તરફ એકનો એક દીકરો ડ્રગ્સની ચુંગાલમાં ફસાયો. પેડલરોની ચેનલનો શિકાર બનેલા દીકરાને ડ્રગ્સનું એવું વ્યસન થયું કે રોજની રૂ. 2500ની એક એવી બેથી ત્રણ પડીકી જોઇએ. એટલે કે નશો કરવા રોજ 5થી 7 હજાર રૂપિયા લાવવા પડે! દીકરાના લક્ષણો પરથી માતાએ તેના પર વોચ રાખવાનું શરૂ કર્યું.

એક તરફ પતિ પથારીવશ, બિઝનેસ બંધ. બીજી તરફ દીકરો નશાના અંધકારમાં પાયમાલીના પંથે. છતાં પત્ની અને માતા બંને જવાબદારી નિભાવી સ્ત્રી શક્તિના દર્શન કરાવતી હોય તેમ પતિની સંભાળ રાખવા સાથે દીકરાને સમજાવવાનું શરૂ કર્યું. કોલેજના દરવાજા સુધી મૂકવા જાય અને છૂટવાના સમયે લેવા જાય. દીકરાનું ધ્યાન રાખવા સતત 3 વર્ષ દિવસ રાત જાગતી રહી. ડ્રગ્સની તલબથી દીકરો ક્યારેક રાત્રે ઘરેથી નીકળી જાય તો પીછો કરી માથાભારે પેડલરોને પોતાના દીકરાને ડ્રગ્સ નહીં આપવા આજીજી કરે, તેમ છતાં પેડલરો ના માન્યા તો એક રાત્રે આ માતાએ દુર્ગા સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ પેડલરોને ફટકારી ફટકારી એવા હાલ કર્યા કે બીજી વાર તેમના ઘરનો રસ્તો જ ભૂલી ગયા. પોલીસે પણ તેમને પૂરતો સહયોગ આપ્યો. ડ્રગ્સની ચુંગાલમાં ફસાયા પછી બહું ઓછાં યુવક-યુવતી પાછા વળી શકે છે. પરંતુ જો એક માતા ઇચ્છે તો સંતાનને ગમે તેવા અંધકારમાંથી ઉજાશ તરફ લાવી શકે છે તેનું આ હિંમતવાન માતા ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

أحدث أقدم