અમદાવાદ5 કલાક પહેલા
- કૉપી લિંક
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા ધનંજય ટાવરમાં આવેલા ત્રીજા માળે મકાનમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. આગ લાગતા ફ્લેટના રહીશો તાત્કાલિક ઘરની બહાર નીકળી અને ધાબા ઉપર તેમજ નીચે દોડી ગયા હતા. આગ લાગતા ફ્લેટમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. ધુમાડો આઠ માળ સુધી પહોંચ્યો હતો જેના કારણે લોકોને તકલીફ થતા તેઓ ધાબા ઉપર દોડી ગયા હતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી. ફાયરબ્રિગેડે 30 લોકોને સહી સલામત રેસ્ક્યુ કરી અને નીચે લાવવામાં આવ્યા હતા.
લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી
ફાયર બ્રિગેડમાંથી મળતી માહિતી મુજબ આજે મોડી સાંજે સેટેલાઈટ વિસ્તારમાં આઈકર ભવન નજીક આવેલા ધનંજય ટાવરમાં ત્રીજા માળે એક મકાનમાં આગ લાગી હોવાનો મેસેજ મળતા પહેલા ફાયર બ્રિગેડની સાત અને ત્યારબાદ વધુ ત્રણ એમ કુલ 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ દ્વારા સૌથી પહેલા મકાનમાં પહોંચી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી. આગ લાગતા જ બ્લોકમાં ધુમાડો ફેલાઈ ગયો હતો અને જે ધીમે ધીમે આગળ વધી અને ત્રીજા માળથી આઠ માળ સુધી પહોંચી ગયો હતો જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેઓ ઘરની બહાર નીકળી ગયા હતા અને ધાબા ઉપર પહોંચી ગયા હતા. પહેલા અને બીજા માળે રહેતા લોકો સીધા નીચે ઉતરી ગયા હતા.
રહીશો ગભરાઈ ગયા હતા
આગ લાગતા ની સાથે જ ફ્લેટના રહીશો ગભરાઈ ગયા હતા અને ધુમાડો ફેલાતા ગભરામણ થઈ હતી. જેથી તેઓ દોડી અને ધાબા ઉપર ગયા હતા. તેમાં કેટલાક વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે ફાયર બ્રિગેડ જ્યારે ત્યાં પહોંચી ત્યારે આગ અને ધુમાડો વધુ હતો. જેથી લોકોને બચાવવા માટે એક તરફ ફાયરના જવાનો દ્વારા આગને બુજાવવાની કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ ધીમે ધીમે ફાયર બ્રિગેડના જવાનોએ લોકોનો હાથ પકડી અને સીડી પરથી નીચે ઉતાર્યા હતા. આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતા સ્થાનિક કોર્પોરેટરો અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારી પણ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા.