દેશના સૌથી મોટા વૃધ્ધાશ્રમને મળ્યું 5 કલાકમાં 5 કરોડનું દાન, ભેળસેળિયાઓ સામે હત્યાનો ગુનો દાખલ કરવા કુમાર કાનાણીની માગ | Country's largest old age home gets grant of 5 crores in 5 hours | Times Of Ahmedabad

7 કલાક પહેલા

  • કૉપી લિંક

IPL-2023માં આજે મહામુકાબલો પણ વરસાદનું વિઘ્ન

IPL-2023નો ફાઇનલ મહામુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છે. દિલચસ્પ વાત એ છે કે IPL-2023ની શરૂઆત ગત 31 માર્ચે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચથી જ થઈ હતી, હવે 73 મેચ બાદ IPLની 16મી સિઝનનો પણ અંત આ જ બંને ટીમના ટકરાયા બાદ આજે રમાનારી ફાઇનલથી થશે. આ ઉપરાંત બીજો પણ એક સંયોગ છે કે ગુજરાત અને ચેન્નઈએ લીગ સ્ટેજનો અંત પોઇન્ટ ટેબલમાં પ્રથમ અને બીજા સ્થાને રહીને કર્યો હતો. બંને ટીમ વચ્ચે IPL-2023ની પહેલી ક્વોલિફાયર મેચ પણ રમાઈ હતી, જેમાં ચેન્નઈ સુપર કિંગ્સે બાજી મારી લીધી હતી અને લીગ સ્ટેજમાં ટેબલ ટોપર હોવા છતાં ગુજરાત ટાઇટન્સે બીજી ક્વોલિફાયર-2માં રમવું પડ્યું હતું.

વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થતાં ક્રિકેટ રસિકો મૂંઝાયા

આજે અમદાવાદમાં ઈન્ડિયન પ્રિમિયર લીગનો ફિવર છવાયો હતો. ગુજરાત ટાઈટન્સ-ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે ફાઈનલ મેચ છે. ત્યારે આ મેચને વરસાદનું વિઘ્ન નડે તેવા સંજોગો સર્જાયા છે. અમદાવાદ સહિત રાજ્યમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે કડાકાભડાકા સાથે અમદાવાદ સહિતના જિલ્લામાં 30થી 40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો. ગુજરાતની ફરતે 3 વરસાદી સિસ્ટમ સર્જાતા વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. તેની સાથે જ ઉત્તરી મધ્યપ્રદેશમાં ટ્રફ સર્જાયું છે. જ્યારે પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. આ ત્રણ સિસ્ટમથી બપોરે બાદ અમદાવાદમાં વીજળીના કડાકા તેમજ તોફાની પવન સાથે વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ હતી. વધુમાં આ સક્રિય સિસ્ટમની અસર નબળી પડતા 30 મે પછી વાતાવરણ નોર્મલ થશે.

મોડી સાંજે અચાનક કાળા વાદળો ઘેરાતા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. વરસદા શરૂ થયા સ્ટેડિયમની બહાર ઉભેલા લોકો વરસાદથી બચવા દોડધામ કરી હતી. મેટ્રો ટ્રેનના પિલ્લર નીચે લોકો ઉભા રહી ગયા હતા. જોકે, ક્રિકેટ રસિકો હજી પણ આશા ધરાવે છે કે કદાચ વરસાદ રોકાઇ જાય અને આજે મેચ રમાય. જોકે, ચાલુ વરસાદ વચ્ચે પણ હજારો લોકો સ્ટેડિયમમાં હાજર છે.

ખાદ્ય પદાર્થોમાં થઈ રહેલી ભેળસેળ મુદ્દે કાનાણીનો પત્ર

સુરત સહિતના અનેક શહેરમાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળ બહાર આવી રહી છે. ત્યારે બીજી તરફ સુરતમાં અનેક ખાદ્ય પદાર્થ ના સેમ્પલ ફેલ થઈ રહ્યાં છે. પરંતુ ભેળસેળ કરનારા વેપારીઓને કડક સજા થતી ન હોવાથી ખાદ્ય પદાર્થમાં ભેળસેળ બંધ નથી નથી જેના કારણે ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ રોકવા માટે કડક સજાની જોગવાઈ માટે કાયદામાં સુધારો સુરતના ધારાસભ્યકુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી છે.સુરતમાં પનીર, ચીઝ, માયોનિઝ, આઈસ્ક્રીમ, આઈસ ડીશ, કેક-પેસ્ટ્રી, મરી–મસાલા સહિત અનેક વસ્તુના સેમ્પલ લેબોરેટરી ટેસ્ટ માં નિષ્ફળ ગયાં છે. આવા અખાદ્ય પદાર્થ ના કારણે લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે. લોકોનું આરોગ્ય ન જોખમાય તે માટે સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીમેદાને આવ્યા છે. લોકોની સમસ્યાને લઈ સતત લડત આપતા ભાજપના નેતા કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી અને ખાદ્યપદાર્થોમાં ભેળસેળ રોકવા માટે કડક સજાની જોગવાઈ કરવાની માંગ કરી છે.

બાબાના ગુજરાત પ્રવાસનો ચોથો દિવસ
ગુજરાત પ્રવાસે આવેલા બાગેશ્વર ધામના પીઠાધિશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો આજે ગુજરાતમાં ચોથો દિવસ છે. આજે બાગેશ્વર મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી શક્તિપીઠ અંબાજીમાં માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા છે. જ્યાં જગતજનની મા અંબાનાં દર્શન કરી બપોરની આરતીમાં ભાગ લીધો હતો. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા બાબા બાગેશ્વર મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીનું માતાજીની ચૂંદડી ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. તો બાગેશ્વર ધામ સાથે જય માતાજીના ​​​​​​નારા લગાવ્યા હતા.ગુજરાત પ્રવાસે આવેલા બાબા બેગેશ્વર ચોથા દિવસે સવારે સુરતથી અમદાવાદ પહોંચ્યા, બાગેશ્વર મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી શક્તિપીઠ અંબાજીમાં માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. અમદાવાદથી બાબા હેલિકૉપ્ટર મારફતે અંબાજી રવાના થયા. બાદમાં 12.15એ બાબા અંબાજી માતાજીનાં દર્શન કર્યાં. જગતજનની મા અંબાનાં દર્શન કરી બપોરે 1 વાગે ઇસ્કોન અંબે વેલીમાં વિશ્રામ કરશે. 3 વાગ્યે અંબાજીથી અમદાવાદ આવવા રવાના થયા. અંબાજીથી વિશ્વ ઉમિયાધામમાં મા ઉમિયાના દર્શન કર્યા પછી બાદ સાંજે 7 વાગે રાઘવ ફાર્મમાં બાબાએ હાજરી આપી.

આજે UPSCની પ્રિલીમ પરીક્ષા

થોડા દિવસ અગાઉ જ UPSCનું પરિણામ જાહેર થયું છે, ત્યારે આજે UPSCની પરીક્ષા યોજાઈ. રાજ્યભરના 25,000 કરતા વધુ ઉમેદવારોએ આજે UPSCની પ્રિલીમ પરીક્ષા આપી. સવારે અને બપોરે એમ 2 અલગ અલગ તબક્કામાં પરીક્ષા યોજાઈ. આ પરીક્ષાનું પરિણામ આગામી 20 દિવસમાં જાહેર કરવામાં આવશે, જેથી ઉમેદવારો મેઇન્સની તૈયારી ઝડપથી કરી શકે.નેન્સી નામની ઉમેદવારે જણાવ્યું હતું કે, મારો ફર્સ્ટ એટેમ્પ્ટ છે. હું રોજ 6 કલાક વાંચતી હતી. પેપર આવે પછી ખબર પડે કે કેવું રહ્યું. મેં મહેનત કરી છે, એટલે મને વિશ્વાસ છે કે મારી પરિણામ સારું આવશે. પહેલી વખત હોવાથી હવે પેપર કેવું આવે છે તેના પર આધારે છે પરંતુ તૈયારી પુરી છે.તો દેશભરમાં 10 લાખથી વધુ ઉમેદવારો આજે પરીક્ષા આપી રહ્યા છે.

5 કલાકમાં 50 કરોડનું અનુદાન
રાજકોટના માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગર રોડ પર પડધરી નજીક ભારતના સૌથી મોટો વૃદ્ધાશ્રમનું નિર્માણ કરવામાં આવશે. ત્યારે આજે સુપ્રસિદ્ધ રામકથાકાર મોરારિબાપુના હસ્તે આ વૃદ્ધાશ્રમનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. અંદાજિત 200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર આ વૃદ્ધાશ્રમના ભૂમિપૂજન માટેના આયોજિત કાર્યક્રમ દરમિયાન 5 કલાકમાં રૂ. 50 કરોડથી વધુનું અનુદાન મળ્યું હતું. આ તકે મોરારિબાપુએ બાગેશ્વર બાબા મુદ્દે કહ્યું હતું કે, ‘સંતો પ્રત્યે તેમને સદભાવ છે’આ તકે મોરારિબાપુએ જણાવ્યું કે, વૃદ્ધો અને વૃક્ષો બંને છાયા આપે છે. તે બંનેનું જતન કરવાનું કામ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેમજ આ કામમાં દાતાઓનો જે અદભુત સહયોગ મળ્યો છે તેની એક સંત તરીકે હું પ્રશંસા કરું છું. અમારા ગામની આજુબાજુમાં પણ વૃક્ષો વાવવા અને તેનું જતન કરી શકાય તે માટેની જાણકારી હું પણ મેળવીશ. સાથે જ વ્યાસપીઠની મદદથી આ વૃદ્ધાશ્રમ માટે બનતી મદદ કરવાની ખાતરી પણ તેમણે આપી હતી.

નવયુગલોને ગેનીબેનની સલાહ
બનાસકાંઠામાં ડીસા ખાતે ખાતે આજે ઠાકોર સમાજના સાતમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાર ધારાસભ્યોની હાજરીમાં 45 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પડ્યા હતા. તેમજ આગેવાનોએ સમાજમાં પાયારૂપ બદલાવ લાવવા પર ભાર મુક્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે નવયુગલોને સલાહ આપી હતી કે જ્યાં સુધી આર્થિક રીતે પગભર ન બનો ત્યાં સુધી તમારા ઘરે પારણું ન બંધાવુ જોઇએ.આ પ્રસંગે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, 45 નવ યુગલોને સુખી લગ્નજીવનની શુભેચ્છાઓ પાઠવું છું. સાથે સાથે આવનારા સમયમાં સમાજ ઓછા ખર્ચે ધાર્મિક અને સામાજીક પ્રસંગો કરે. બિનજરુરી વસ્તુઓની ખરીદી ન કરે. સમગ્ર બનાસકાંઠામાં મોટા ભાગના તાલુકાઓમાં દિકરા અને દીકરીઓને ભણવા માટે શૈક્ષણિક સંકુલ બનાવ્યા છે. માત્ર ડીસામાં આવું સંકુલ બનાવવાનું બાકી છે. આગામી સમયમાં ડીસાનો ઠાકોર સમાજ એક શૈક્ષણિક સંસ્થા ઉભી કરે તે અંગે આગેવાનોને વિનંતી કરી છે. લગ્નમાં ડીજે, રોકડમાં ઓઢામણા ઓછા કરવા સહિતના સામાજીક સુધારા લાવવા સમાજને અપીલ કરી છે.

أحدث أقدم