વડોદરા6 કલાક પહેલા
- કૉપી લિંક

શહેરના માંજલપુર વિસ્તારમાંથી PCB દ્વારા દારૂનો 5.44 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સાથે હાલમાં ચાલતી આઈપીએલ ક્રિકેટના સટ્ટાને લગતા સાહિત્ય સહિત ઈલેક્ટ્રોનિક સાધનો અને મોબાઈલો પણ મળી આવ્યા હતા. પી.સી.બી.ની ટીમને પેટ્રોલિંગ દરમિયાન દારુ અંગેની માહિતી મળી હતી અને માહિતીના આધારે રેડ કરતા પોલીસે દારુના જથ્થા સાથે ક્રિકેટનું ચાલતું રેકેટ હાથ લાગ્યું હતું.
પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી
મળતી માહિતી પ્રમાણે પીસીબીની ટીમના એ.એસ.આઈ હિતેન્દ્રસિંહ ગણતપસિંહ અને અરવિંદ કેશવરાવને બાતમી મળી હતી કે, માંજલપુર વિશ્વામિત્રી ટાઉનશીપ પાસે આવેલા શ્રીમ રેસીડેન્સીના 10 નંબરના ભાડાના મકાનમાં વિદેશી શરાબનો વિપુલ પ્રમાણમાં જથ્થો છે. જે બાતમીના આધારે શ્રીમ રેસીડેન્સીના 10 નંબરના ભાડાના મકાનમાં રેડ પાડવામાં આવી હતી.
માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ
પોલીસને દરોડા દરમિયાન દારુનો વિપુલ પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. સાથે દરોડો પાડવા ગયેલી પીસીબીની ટીમને ઘરના ઉપરના માળે આવેલા બેડ રૂમમાંથી હાલમાં ચાલતા આઈપીએલને લગતા ક્રિકેટ સટ્ટાને લગતા સાહિત્ય અને ઈલેક્ટ્રોનિક સાધનો તેમજ મોબાઈલો પણ મળી આવ્યા હતા. દરોડા દરમિયાન દારૂ સહિત ક્રિકેટ સ્ટ્ટાને લગતી વસ્તુઓ મળી આવતા પીસીબી દ્વારા પ્રોહીબીશનનો ગુનો માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.

ક્રિકટ સટ્ટાનો સામાન
સટ્ટાની ફરિયાદ અલગથી દાખલ
પીસીબી દ્વારા કરવામાં આવેલ રેડ દરમિયાન મકાનમાં હાજર ભાવિક શશીકાન્ત ગાંધી, નરેન્દ્ર ઉર્ફે ભયલુ રમેશભાઈ પરમારની પ્રોહીબીશન એકટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને ક્રિકેટ સટ્ટાને લગતા સાહિત્ય સહિત ઈલેક્ટ્રોનિક સાધનો સહિત મોબાઈલો અંગે અલાઈદી જાણવા જોગ દાખલ કરી તે અંગેની વધુ તપાસ પીસીબી દ્વારા હાથ ધરવામા આવી હતી.
ધરપકડના ચક્રોગતિમાન
પીસીબી દ્વારા પકડાયેલા બંને આરોપીની પ્રાથમિક પુછપરછ કરતા તેમના દ્વારા આ કામગીરીમાં મુખ્ય સૂત્રધાર રાહુલ રાજુભાઈ જોષી, રાહુલ વિનોદભાઈ ઓડ સહિત યશ નામનો ઈસમ પણ તેમની સાથે મળેલા હોવાનું જણાવ્યું હતું. જેથી પીસીબીની ટીમ દ્વારા મુખ્ય સૂત્રોધાર સહિત તમામ લોકો વિરુદ્વ ગુનો દાખલ કરી ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.
લાખ્ખોનો મુદ્દામાલ કબજે
પીસીબી દ્વારા દરોડો પાડી મકાનમાંથી રૂપિયા 2.40 લાખનો જુદી-જુદી બ્રાન્ડનો ભારતીય તેમજ વિદેશી બનાવટની વિદેશી દારૂની કુલ 467 બોટલો તેમજ બીટરના 152 ટીન અને આરોપીઓ પાસેથી રૂપિયા 13,100 રોકડ સહિત મોબાઈલ, કાર, એક્ટિવા મળી કુલ રૂપિયા 5,44,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ મકાનમાં ઉપરના માળના બેડરૂમમાંથી ક્રિકેટ સટ્ટાના સાધનો તેમજ મોબાઈલો મળી આવ્યા હતા. જેથી પોલીસે કાળા કલરની બ્રિફકેસ, મોબાઈલ ફોન, લેપટોપ, હિસાબના ચોપડા મળી કુલ રૂપિયા 47,600નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.