રાજકોટ2 કલાક પહેલા
- કૉપી લિંક
રાજકોટ મનપાની ટાઉનપ્લાનીંગ (ટીપી) શાખા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ચાલુ મહિનાથી વોર્ડ નં.13 અને વોર્ડ નં.18માં ટીપીના રસ્તા અને બે પ્લોટમાં ખડકાયેલા ગેરકાયદે દબાણો હટાવવા માટે આજે ડિમોલીશન કરાયું હતું. અને 65.26 કરોડની કુલ 11,866 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે. આવા બાંધકામના દબાણો હટાવવા પણ રોજેરોજ કાર્યવાહી કરવા સૂચના અપાઇ હોવાથી આજે મકાન, દુકાન સહિત 40 જેટલા દબાણ તોડી પડાયા હતા. ટીપીઓ એમ. ડી. સાગઠીયાએ આ અંગે જણાવ્યું હતું કે, આજે સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.13 માં આવેલ કોઠારીયાની ટીપી સ્કીમ નં.13ના 12 મીટર રોડ તથા ઇસ્ટ ઝોનમાં વોર્ડ નં.18માં ટીપી 12ના બે અનામત પ્લોટમાં ખડકાયેલા દબાણ તોડી પાડવામાં આવ્યા હતા.
900 મીટર લંબાઇનો રોડ ખોલાયો
આ ઉપરાંત રોડ પર મકાનો, દુકાનો અને વંડા ખડકાઇ ગયા હતા. કોઠારીયા ટીપી-13માં ગોંડલ રોડ પટેલ કન્યા છાત્રાલયથી મવડી ખોડીયારપરાની હદ સુધીના કુલ 12 મીટરના રોડ પર વંડા, રહેણાંક, કોમર્શિયલ તથા ધાર્મિક બાંધકામ ખડકાઇ ગયા હતા, જે તોડી વધુ 900 મીટર લંબાઇનો રોડ ખોલાયો હતો તેમજ 3 વંડા, 5 મકાન, 9 દુકાન, 16 રહેણાંક મકાનનું આંશિક દબાણ અને ચાર બની રહેલી દુકાનો તોડી પાડવામાં આવી હતી. કોઠારીયા ટીપી સ્કીમ નં-12માં મનપાનો કોમર્શિયલ વેંચાણ પ્લોટ આવેલો છે. આ જગ્યાએ પણ કારખાના જેવું દબાણ ખડકાયું હોય 739 ચો.મી., 4.06 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
આવાસ યોજનાનાં ફ્લેટ ભાડે આપનારા પાંચનાં ફ્લેટ સીલ
રાજકોટ શહેરના જુદા-જુદા વિસ્તારમાં આવેલ મનપાની આવાસ યોજનાઓમાં ઘુસણખોરી અને ભાડે આપવાના ધંધા સામે મનપા દ્વારા સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આજે વધુ કેટલાક આવાસોને સીલ કરવામાં આવી રહ્યા છે. મ્યુનિ. કમિશ્નર આનંદ પટેલની સુચના અન્વયે આવાસ યોજના વિભાગ દ્વારા રૈયાધાર સ્થિત ચાર માળિયા કવાર્ટર આવાસ યોજના તથા રોણકી સ્થિત બી.એસ.યુ.પી આવાસ યોજના ખાતે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મૂળ માલિકનાં બદલે અન્ય આસમીઓ રહેતા હોવાનું સામે આવતા પાંચ ફ્લેટને સીલ કરવામાં આવ્યા છે. રૈયાધાર સ્થિત ચાર માળિયા કવાર્ટસ ખાતે કુલ 4 આવાસોમાં તેમજ રોણકી સ્થિત બી.એસ.યુ.પી આવાસ યોજના ખાતે 1 આવાસમાં મુળ માલિકના સ્થાને અન્ય આસામીઓ રહેતા હોવાનું ધ્યાન પર આવતા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજકોટ-મુંબઇ માટે વધુ એક ડેઇલી ફ્લાઈટ શરૂ કરાઇ
એર ઈન્ડિયા એરલાઈન્સ કંપની દ્વારા કોરોના કાળના બે વર્ષ બાદ પુન: સવારની રાજકોટ-મુંબઈ રાજકોટ ડેઈલી ફલાઈટનું ઉડ્ડયન આજથી શરૂ કરવામાં આવ્યું છે. જેને લઈને મુંબઈ અવરજવર કરતા પ્રવાસીઓ અને વેપારી સંગઠનો તેમજ ઉદ્યોગકારોમાં આનંદ છવાયો છે. આ પહેલા સવારની ડેઈલી મુંબઈ ફલાઈટ શરૂ કરવા વેપારી સંગઠનોની માંગણી અને ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓનાં ઘસારાને ધ્યાને લઈ એર ઈન્ડિયા એર લાઈન્સ કંપનીએ આજથી રાજકોટ-મુંબઈ સવારની ડેઈલી ફલાઈટનું ઉડ્ડયન શરૂ કર્યું છે.
ચોકલેટ અને પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું
આજે સવારે એર ઈન્ડિયાની મુંબઈ રાજકોટ-મુંબઈ ડેઈલી ફલાઈટ સવારે 8:00 કલાકે લેન્ડ થતા તેનું વોટર કેનનથી સ્વાગત કરવામાં આવતા આ વિમાનમાં બેઠેલા પ્રવાસીઓ રોમાંચીત થયા હતાં. આજની આ ફલાઈટમાં પ્રથમદિને 116 પ્રવાસીઓનું આગમન થતા એર લાઈન્સ કંપની દ્વારા ચોકલેટ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ફલાઈટ પરત મુંબઈ જવા 8:45 કલાકે ટેકઓફ થઈ હતી. જેમાં 115 જેટલા પ્રવાસીએ હવાઈ માર્ગે મુંબઈ તરફ પ્રયાણ કર્યું હતું.