ગાંધીનગર19 મિનિટ પહેલા
- કૉપી લિંક

ગાંધીનગરના અડાલજના સેન્ટોસા નીમલેન્ડ બંગ્લોમાં શાહ પરિવારની ગાઢ નિંદ્રાનો લાભ ઉઠાવી ઘરના રસોડાની બારીનો સળિયો કાઢી તસ્કરોએ અંદરથી સોના ચાંદીના, રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 6. 81 લાખનો મુદ્દામાલ ચોરી કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
અડાલજના બાલાજી કુટીરની સામે સેન્ટોસા નીમલેન્ડ બંગ્લોઝ નંબર – 24 માં રહેતા કેયુર અશોકકુમાર શાહ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે વી.કે.જે.ડી એન્ડ એસોશિયેટસ નામની પેઢી અમદાવાદ ખાતે ધરાવે છે. ગઈકાલે રાત્રિના તેઓ પત્ની અને દીકરા સાથે જમી પરવારીને ઉપરના માળે જઈને સૂઈ ગયા હતા.
જ્યારે નીચે તેમના માતા પિતા માતા ઘરનો મેઇન દરવાજો અંદરથી બંધ કરી સૂઇ ગયા હતા. આજે સવારના આશરે પોણા છ વાગે તેમના માતાને ઘરમાં ચોરી થયાનું માલુમ પડતાં ઘરના બધા સભ્યોને જાણ કરી હતી. જેથી કેયૂર શાહે નીચે આવીને જોતા ઘરના રસોડાની બારીમાં નીચેનો સળીયો કાઢેલી હાલતમાં હતો. અને બેડરૂમમાં લાકડાના કબાટનો દરવાજો ખુલ્લો હતો. જ્યારે ડ્રોવરો પણ ખુલ્લા હતા.
રૂમનો સર સામાન વેર વિખેર હાલતમાં પડ્યો હતો. આથી તેમણે વધુ તપાસ કરતાં સોનાની 2 નંગ બંગડી, સોનાની ડિસ્કો ભાતની તથા મણકા ભાતની ચેઇન નંગ 2, એક સોનાની વિંટી, સોનાની 2 જોડ બુટીઓ સોનાની શેર, સોનાની ચુની નંગ-3, ચાંદીના સાંકડા 1 જોડ , ચાંદીની લગડીઓ 30 નંગ, ચાંદીના ઝુડા નંગ 3, ચાંદીના સેટ 3 જોડ , ચાંદીના ભગવાનના સિક્કા નંગ-10, રોકડા 10 હજાર તેમજ બે મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 6.81 લાખનો મુદ્દામાલ તસ્કરો ચોરી ગયાનું માલુમ પડયું હતું.
આ બનાવના પગલે અડાલજ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને ડોગ સ્કવોર્ડ તેમજ ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની ટીમને બોલાવીને આસપાસના વિસ્તારોમાં તપાસ આદરી હતી. આખો શાહ પરિવાર ઘરમાં હાજર હોવા છતાં તસ્કરોએ ઠંડા કલેજે ઘરફોડ ચોરીને અંજામ આપવામાં આવતા અન્ય વસાહતીઓ પણ ફફડી ઉઠયા હતા.