મહાનગરપાલિકા દ્વારા 7 ગેરકાયદેસર મકાનો તોડી પાડી રૂ. 21.14 કરોડની 3524 ફૂટ સરકારી જમીન ખુલ્લી કરાવાઇ | Municipal Corporation demolished 7 illegal houses Rs. 3524 feet of government land worth 21.14 crores was opened | Times Of Ahmedabad

રાજકોટ12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં સરકારી જમીન ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે રૈયાધાર વિસ્તારમાં મનપાનું બુલડોઝર ફરી વળ્યું હતું. અને 7 ગેરકાયદેસર મકાનો તોડી પાડી કુલ રૂ. 21.14 કરોડની 3524 ફૂટ સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. રૈયાધારમાં અંદાજે દસેક વર્ષથી સરકારની જમીન પર આ સાત મકાનો ખડકાઈ ગયા હોવાનું સામે આવતા ત્યાં રહેતા લોકોને નોટિસો આપ્યા બાદ આજે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમયે કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ રૈયાધારમાં 3524 ચોરસફૂટ જમીન કે જેની કિંમત અંદાજે 21.14 કરોડ રૂપિયા જેટલી થાય છે. ત્યાં ગેરકાયદેસર સાત મકાનો બંધાઈ ગયા હોવાનું ધ્યાન પર આવ્યું હતું. જેને લઈને આજે સવારે જ ટાઉન પ્લાનિંગ ઑફિસર એમ.ડી.સાગઠિયાના માર્ગદર્શન હેઠળ ટીપી શાખાનો કાફલો વોર્ડ નં.1માં આવેલી ટીપી સ્કીમ નં.22 -રૈયા (અંતિમ)ના અનામત પ્લોટમાં ગેરકાયદેસર દબાણ-બાંધકામ દૂર કરવા માટે બૂલડોઝર સાથે પહોંચી ગયો હતો. તેમજ રૈયાધારમાં ડ્રીમ સિટી રોડ, મારવાડી વાસની બાજુમાં, દ્વારકેશ પાર્કની સામેના પ્લોટનાં સાત મકાનને તોડી પાડી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

ટીપીઓ સાગઠિયાએ જણાવ્યું કે પહેલાં આ વિસ્તાર ‘રૂડા’ હસ્તક આવતો હતો પરંતુ મહાપાલિકામાં ભળ્યા બાદ ત્યાં ટીપી સ્કીમ અમલમાં મુકવામાં આવી હતી. ટીપી સ્કીમ અંતર્ગત સરકારી જમીન પર જરા અમથું પણ દબાણ ચલાવી લેવામાં આવતું નથી. જોકે અહીં 3524 ચોરસમીટર જમીન ઉપર મધ્યમ અને મજૂર વર્ગના પરિવારો દ્વારા સાત જેટલા પાક્કા મકાનો બંધાઈ ગયા હતા. જેને લઈને તેનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. અહીં પ્રતિ ચોરસમીટર જમીનનો ભાવ 60,000 રૂપિયા જેવો થાય છે. જે પ્રમાણે 3524 ચોરસમીટર જમીન ખુલ્લી થતાં 21.14 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી છે. ડિમોલિશન વખતે પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવતાં કોઈપણ પ્રકારનાં ઘર્ષણ વિના આ કાર્યવાહી સંપન્ન થઈ હતી.

أحدث أقدم