કુલીન પારેખ, રાજકોટ7 કલાક પહેલા
- કૉપી લિંક

રાજકોટ શહેરમાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. આજે સવારે શહેરની રામાપીર ચોકડી પાસે ગોઝારા અકસ્માતમાં એક યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે બપોરના સમયે રાજકોટ અમદાવાદ હાઈવે પર ડમ્પર પાછળ ટ્રક ઘુસી જતા વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જોકે આ બનાવમાં રજા ઉપર જવા નીકળેલા ફાયર વિભાગના કર્મચારીએ માનવતા મહેકાવી, પોતાની ખાનગી બસ જતી કરીને અકસ્માતમાં ફંસાયેલા ટ્રક ડ્રાઈવરનો જીવ બચાવી તેને સારવારમાં ખસેડયો હતો.

બેડીપરા ફાયર વિભાગમાં ફરજ બજાવતા અભયસિંહ
અકસ્માત નિહાળી બસમાંથી ઉતરી ગયા
આ અંગે બેડીપરા ફાયર વિભાગમાં ફાયરમેનની ફરજ બજાવતા અભયસિંહે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, તેઓ રજા લઈને બપોરે 12:15 વાગ્યે ખાનગી બસથી અમદાવાદ જઈ રહ્યા હતા. આ દરમિયાન માલિયાસણ પાસે પહોંચતા ડમ્પર તેમજ ટ્રક વચ્ચે અકસ્માત થયાનું જોઈ તેઓ બસમાંથી ઉતરી ગયા હતા. નજીક જઈને જોતા ટ્રક ડ્રાઈવર ખરાબ રીતે ફંસાયો હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે તેઓ રજા પર જતાં હોવાનું પણ ભૂલી ગયા હતા. અને ડ્રાઈવરનો જીવ બચાવવા માટે કામગીરી શરૂ કરી હતી.

ડ્રાઈવરનો જીવ બચાવવા માટે કામગીરી શરૂ કરી
પોતાની ફરજને પ્રાથમિકતા આપી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ત્યારબાદ તેમણે કંટ્રોલ રૂમ અને 108ને જાણ કરી હતી. એટલું જ નહીં ખરાબ રીતે ફંસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવા બેડીપરા ફાયરની ટિમને બોલાવી લીધી હતી. અને અંદાજે દોઢેક કલાકની જહેમત બાદ ડ્રાઈવરનાં ફંસાયેલા પગ બહાર કાઢી તેને 108 મારફતે સારવાર માટે ખસેડયો હતો. પોતાને કોઈ જરૂરી કામથી અમદાવાદ જવાનું હતું. અને આ માટે જ તેઓ રજા લઈને નિકળ્યા હતા. છતાં અકસ્માતમાં એક ડ્રાઈવરને ફસાયેલો જોઈને પોતાને દુઃખ થયું હોવાથી તેમણે રજા પર હોવા છતાં ડ્રાઈવરનો જીવ બચાવવાને પ્રાથમિકતા આપી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.