કાગળ પર વિકાસ - ઉજ્જડ બગીચાઓ | Development on paper - barren gardens | Times Of Ahmedabad

ભાવનગર15 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • સરદારનગર, ઘોઘાસર્કલમાં76.67 લાખના ખર્ચે ડેવલોપ થયા નહીં હવે 3.44 કરોડ ખર્ચાશે
  • મુખ્ય 15 પૈકી 6 બગીચાના હાલ બેહાલ, વેકેશનમાં લોકોના હરવા ફરવાના સ્થળ છીનવાયા

ભાવનગર શહેરમાં વેકેશનની મોજ પર ઉનાળાની ધખધખતી ગરમીના મોજા હાવી થયા છે. શહેરીજનો સાંજે પરિવાર સાથે ફરવા અને બેસવા બાગ બગીચા અને સર્કલોમાં જાય છે પરંતુ મહિલા કોલેજ સર્કલ, ઘોઘા સર્કલ અને સરદારનગર સર્કલના હાલ બેહાલ છે. તંત્રની બેદરકારીને કારણે બાગ બગીચા ઉજળ બની ગયા છે.

આયોજનના અભાવે શહેરીજનોનું હરવા ફરવાનું સ્થળ પણ છીનવાઈ ગયું છે. ભાવનગર કોર્પોરેશન સંચાલિત અને દત્તક મળી કુલ 15 જેટલા બગીચા સર્કલ છે. જે પૈકી છ થી સાત જેટલા સર્કલ બગીચાની હાલત બિસ્માર છે. અને ચાર જેટલા બગીચા લેકમાં પ્રવેશ માટે પણ લોકોને રૂપિયા આપવા પડે છે. કોર્પોરેશનની બેદરકારીને કારણે એકલદોકલને બાદ કરતાં શહેરમાં મોટાભાગના બાગ બગીચા પરિવાર સાથે ફરવા લાયક રહ્યા નથી. સરદારનગર સર્કલને ડેવલોપમેન્ટ માટે રૂ.40.29 લાખ અને ઘોઘાસર્કલ માટે રૂ.36.38 લાખ મંજુર થયા હતા.

બંને સર્કલોના ડેવલપમેન્ટમાં આર્કિટેક રોકવામાં આવ્યો ન હતો કે ડિઝાઇન પણ મંજુર કરાઈ ન હતી. તત્કાલીન સમયે કામ બંધ કરાવી કોન્ટ્રાક્ટ રદ કરાયો હતો. તેમાં પણ તંત્ર અને કોન્ટ્રાક્ટરોની સાંઠગાઠ હોય તેમ બેદરકારી સામે પગલાં લેવાને બદલે કોન્ટ્રાક્ટરને 27 લાખ ચૂકવાય પણ ગયા હતા. તત્કાલીન સમયે રૂપિયા 76.67 લાખનો ખર્ચનો અંદાજ હતો. જે હવે બંને સર્કલોના ડેવલોપમેન્ટ માટે રૂપિયા 3.44 કરોડ મંજૂર કરાયા છે. મહિલા કોલેજ સર્કલની પણ આવી જ દશા છે. લાંબા સમયથી દાતા દ્વારા જાળવણી નહીં રખાતા તેની પણ હાલત બગડી ગઈ છે. જોકે હવે કોર્પોરેશન દ્વારા પરત લેવામાં આવ્યું છે.

ભરતનગર બગીચાના પણ ઠેકાણા નથી
ભાવનગર કોર્પોરેશને ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસેથી ભરતનગરમાં વિશાળ જગ્યા પણ લીધી છે જેમાં અદ્યતન સુવિધાઓ સાથેનો બગીચો બનાવવા કોર્પોરેશનને પ્રોજેક્ટ હાથમાં પણ લીધો છે. પરંતુ ત્યારબાદ તે પ્રોજેક્ટ માત્ર કાગળ પર જ રહી ગયો છે.

أحدث أقدم